Tuesday, August 19, 2014

બે વરૂઓ


એક સાંજે ઘરડા દાદીમા પોતાના પૌત્રને જીવન વિષે અગત્યનો પાઠ અતિ સરળ રીતે સમજાવતા સમજાવતા કહી રહ્યા હતા કે કઈ રીતે આપણાં સૌમાં એક આંતરવિગ્રહ ચાલતો હોય છે.

દાદી બોલ્યા,"બેટા, યુદ્ધ આપણી અંદર રહેલા બે વરૂઓ વચ્ચે સતત ચાલતું હોય છે."

"એક છે - શેતાની વરૂ - ક્રોધ, અદેખાઈ, વેરઝેર, દુ:, પસ્તાવો, લોભ, ઉદ્ધતાઈ, પોતાના પર દયાની લાગણી, અપરાધ ભાવ, લઘુતાગ્રંથિ, અસત્ય, મિથ્યાભિમાન, ગુરુતાગ્રંથિ અને અહમ બધી નકારાત્મક વૃત્તિઓ રૂપી વરૂ."

"બીજું વરૂ છે - સારૂ વરૂ - જે આનંદ, શાંતિ, પ્રેમ, આશા, સૌહાર્દ, માનવતા, ઉદારતા, પરોપકાર, સ્નેહમાયા, સહિષ્ણુતા, દયા, સત્ય, કરુણા અને શ્રદ્ધા રૂપી વરૂ છે."

પૌત્રે બે ઘડી વિચાર કર્યો અને ત્યાર બાદ પૂછ્યું ," બેમાંથી કયા વરૂની જીત થાય છે?"

દાદીમાએ સરળતા પૂર્વક જવાબ આપ્યો ," જે વરૂને તમે પોષો છો,ઉત્તેજન આપો છો તે વરૂ જીતે છે."


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment