Saturday, August 2, 2014

જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – (ભાગ - ૧)


શ્રીરવિશંકરજી પચ્ચીસ એવાં પગલાં બતાવે છે, જેનો અમલ કરવાથી આપણી જિંદગી જરૂર બહેતર બની શકે. દરેક વ્યક્તિ પોતાની જિંદગી કઈ રીતે બહેતર બનાવી શકે અંગે આંતરખોજ  કરવી જરૂરી છે. સૌથી પહેલાં તમે તંદુરસ્ત છો કે નહીં તે જાણી લો. તંદુરસ્તી એટલે રોગમુક્ત શરીર, કંપનમુક્ત શ્વાસ, પ્રાણમુક્ત મન, ભયમુક્ત બુદ્ધિ, વળગણવિહોણી સ્મૃતિ, સર્વનો સમાવેશ કરતો અહમ અને ગ્લાનિમુક્ત આત્મા. વળી, જિંદગીનો હેતુ શું છે ? તેઓ કહે છે તમે અહીં ઉદાસ રહેવા નથી આવ્યા. કોઈનો દોષ કાઢવા નથી આવ્યા. તમે અહીં બિચારા બની રહેવા નથી આવ્યા. તમે અહીં ચિંતા કરવા નથી આવ્યા. તમે અહીં દેખાડો કરવા નથી આવ્યા. તમે ચિડાવા કે કોઈને ચિડવવા નથી આવ્યા. જિંદગી એક સુંદર રહસ્ય છે અને તમારે નિર્દોષતાથી એને જીવવાની છે. જીવનના રહસ્યને આવી પૂર્ણતાથી જીવી જાણવું આનંદ છે. હવે પેલાં પચીસ પગલાં :

[1] જીવનનો સંદર્ભ સમજો : લાખો વર્ષની સૃષ્ટિમાં આપણી સાઠ, સિત્તેર, સો વર્ષની જિંદગી કેટલી નગણ્ય છે ! એટલે નિર્ણય કરો. જે કંઈ પણ થાય, ઈશ્વરનું રક્ષણ મારા પર છે . દરેક પરિસ્થિતિમાં તમારા મનને શાંતિપૂર્ણ રાખો. બાકીનું બધું બરાબર થઈ રહેશે.

[2] જિંદગીની ક્ષણભંગુરતાને ઓળખો : જિંદગીની ક્ષણભંગુરતાને જુઓ. તે સત્ય છે. બધું વીતી જાય છે, આવતીકાલ પણ વીતી જશે. આપણી જિંદગીની પ્રકૃતિને ઓળખો તો જણાશે કે તમારી ભીતર કશુંક છે જે નથી બદલાયું. એક એવું બિંદુ છે જેના સંદર્ભે તમે અન્ય બાબતોને બદલાતી જોઈ શકો છો. સંદર્ભ બિંદુ જીવનનો સ્ત્રોત છે. શાણપણ છે. એનાથી જિંદગીની ગુણવત્તા સુધરે છે.

[3] તમારા સ્મિતને સસ્તું બનાવો : તમારે વધુ સ્મિત કરવું જોઈએ. દરરોજ સવારે ઊઠીને અરીસામાં જોઈ પોતાની જાતને એક સરસ મજાનું સ્મિત આપો. એમ કરવાથી તમારા

ચહેરાના તમામ સ્નાયુઓ રિલેક્સ થઈ જશે. મગજના જ્ઞાનતંતુ પણ હળવાશ અનુભવશે. પરંતુ આટલું કિંમતી સ્મિત તમે કેટલી સહેલાઈથી ગુમાવી દો છો. કોઈક તમને મૂર્ખાઈભર્યું કહે એટલે સ્મિત વિલાઈ જાય છે. કહેનારના મગજમાં કચરો ભર્યો હોય તો એને તો નાખવા માટે કચરાપેટીની જરૂર હોય . પણ તમે શા માટે કચરાપેટી બનો છો ? જરાક સમજો. જાગો. તમારા સ્મિતને કોઈના પણ સારા-માઠા શબ્દોનો ભોગ બનવા દ્યો. તમારા સ્મિતને સસ્તું અને ગુસ્સાને મોંઘો બનાવો. જેથી તમે સ્મિત વધુ અને ગુસ્સો ભાગ્યે કરશો. [4] ઉત્સાહી બનો અને અન્યની પ્રશંસા કરો : ઉત્સાહ તો જિંદગીની પ્રકૃતિ છે પરંતુ આપણામાંના ઘણાને કોઈના ઉત્સાહ પર ઠંડું પાણી રેડવાની આદત હોય છે. કોઈની પ્રશંસા કરીને ઉત્સાહ વધારવાની દરેક તક ઝડપી લો. ફરિયાદ કરનારને દિવ્ય પ્રેમ પ્રાપ્ત નથી થતો. તમે એવી વ્યક્તિ બનો જેનો ઉત્સાહ કદી ખૂટે નહીં.

[5] ધ્યાનને જિંદગીનો હિસ્સો બનાવો : જીવનમાં ઊંચા લક્ષ્યો પામવા રોજ થોડી મિનિટો ધ્યાન અને આંતરખોજ જરૂરી છે. સવાલ થશે કે ધ્યાન શું છે ? હું કહીશ કે ધ્યાન એટલે વ્યગ્રતાવિહોણું મન. હકીકતમાં ધ્યાન એટલે વર્તમાનની ક્ષણનો સ્વીકાર કરી પ્રત્યેક ક્ષણને ઊંડાણપૂર્વક પૂરેપૂરી જીવવી. બસ, આટલી સમજ સાથે રોજ ધ્યાનની પ્રેક્ટિસ કરો. પછી જુઓ, જિંદગીની ગુણવત્તા કેવી બદલાય છે.

[6] સૌથી સુંદર જગ્યાએ જાઓ : સુંદર જગ્યા બીજે ક્યાંય નહીં, તમારી ભીતર છે ! એક વાર તમે જગ્યાએ આવી જાઓ પછી બધાં સ્થળો તમારા માટે સુંદર છે. જગ્યાએ પહોંચવા તમારે તમારા શ્વાસ માટે કંઈક જાણવું અનિવાર્ય છે. આપણા શ્વાસ પાસેથી આપણે ખૂબ અગત્યનો પાઠ શીખવાનો છે. મનના પ્રત્યેક લયને અનુરૂપ એક લય શ્વાસનો હોય છે. અને શ્વાસના પ્રત્યેક લયને અનુરૂપ તેમાં લાગણીનો એક લય હોય છે. એટલે જ્યારે તમે મનને સીધી રીતે હેન્ડલ કરી શકો ત્યારે શ્વાસ થકી તેને હેન્ડલ કરી શકાશે. એટલે શ્વાસની કળા શીખો. જોઈએ તો દર વરસે થોડાક દિવસ તમારી જાતને પ્રકૃતિ સાથે જોડી દો. સૂર્યોદય સાથે ઊઠો, થોડી કસરત કરો, યોગ્ય ખોરાક લો. યોગ અને શ્વાસોશ્વાસની કસરત કરો. ગીતો ગાઓ અને સર્જનનું સૌંદર્ય પીતા પીતા મૌનને માણો.

[7] અસરકારક સંવાદ રચો : દરેક સાથે અસરકારક સંવાદ કરવાની કળા શીખો. તે માટે શું કરશો ? તમારાથી વધુ જાણકાર વ્યક્તિને મળો ત્યારે બાળક જેવા થઈ શીખવા માટે તમારા આંખ કાન ખુલ્લા રાખો. તમારાથી ઓછું જાણનાર વ્યક્તિ સાથે નમ્ર બનો અને એને પણ તમારા જેટલું કે તમારાથી વધુ જાણકાર બનાવવા પ્રયાસ કરો. યાદ રહે, હંમેશાં કંઈક ને કંઈક વહેંચવાનું, શીખવાનું અને શીખવવાનું હોય છે. આમ તમારી વાતચીત સુધરે છે ત્યારે તમારી જિંદગી પણ સુધરે છે.

[8] તમારે માટે સમય કાઢો : દિવસમાં કમ સે કમ થોડી મિનિટો, તમારી જાત સાથે ગાળો. હૃદયના ઊંડાણ સુધી જાઓ. આંખ બંધ રાખો અને દુનિયાને દૂર ફગાવી દો. (અલબત્ત, કામ કરતા હો ત્યારે પણ આવી રીતે સો ટકા કામમાં રહો.) આમ બધું ત્યજીને બેસશો ત્યારે તમારી સર્જકતા કોળશે.

[9] તમારી આસપાસની દુનિયાને બહેતર બનાવો : નદી જ્યારે સામાન્ય હોય છે ત્યારે નિયંત્રિત સ્વરૂપે વહે છે, પણ પૂર વખતે જળની કોઈ દિશા નથી હોતી. રીતે જિંદગીને દિશા આપવાની જરૂર છે. જીવન-ઊર્જાને નિયત દિશામાં વહેવા માટે નિષ્ઠાની જરૂર પડે છે. સમાજ પ્રત્યે આવી નિષ્ઠા કેળવો તો સમાજનો તમને સાથ મળશે. સમાજ નહીં, સમગ્ર દુનિયાને બહેતર સ્થાન બનાવવાની નિષ્ઠા કેળવો.

[10] તમારી સંવેદનાને પોષો : સંવેદના કે લાગણીવિહોણો માણસ સૂકા લાકડા જેવો છે. તમારા જીવનને એવું રસભર બનાવો કે, લોકો તમારી કંપની ઝંખે. સંગીત, પ્રાર્થના અને સેવાથી તમે તમારી જાતને એવી વ્યક્તિ બનાવી શકો. દુનિયા પાસેથી શું મેળવી શકું એમ વિચારવાને બદલે દુનિયાને શું આપી શકું તેમ વિચારો. તમે દિલથી ગાશો કે પ્રાર્થના કરશો ત્યારે તમારી લાગણીઓ પુષ્ટ બનશે.

(ક્રમશ:)

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. 'જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં' લેખ વાંચીને સારૂં લાગ્યું.
    - ભરત છેડા

    ReplyDelete