Tuesday, July 8, 2014

પ્રેમ થી કામ


-     સ્ટીવ ગૂડીયર

પોતાની શ્રેષ્ઠ સેલ્સ પીચ છતાં, એક જીવન વિમો વેચતો એજન્ટ એક દંપતિને એક પણ પોલીસી ખરીદવા રાજી કરી શક્યો નહિ.'મારે તમારી પાસે બળજબરીથી કે ડરના માર્યા કોઈ નિર્ણય લેવડાવવો નથી.' એમ કહી તે દંપતિની વિદાય લેવા ઉભો થયો.

જતાં જતાં તેણે કહ્યુ 'મારી તમને વિનંતી છે કે આજે રાતે તમે શાંતિથી તેના પર વિચાર કરજો અને કાલે સવારે જો તમે ઉઠવા પામો તો મને તમારો વિચાર જણાવજો'.

લોકોને ઘણી જુદી જુદી રીતે કામ કરવા પ્રેરીત કરી શકાય છે.મોટે ભાગે એમ કરવા ભયનો ઉપયોગ કરાય છે તો ઘણી વાર એમ કરવા અપરાધ ભાવનો ઉપયોગ પણ થાય છે.પણ એમ જોવામાં આવ્યું છે કે આપણે જેમની સાથે રહેતાં અને કામ કરતાં હોઇએ છીએ તેમની પાસે થી કામ કઢાવવાનો સૌથી અસરકારક માર્ગ છે જરા જુદા પ્રકારનો. એક ઉદાહરણ દ્વારા વાત સમજીએ.

બાર વર્ષની એક છોકરી પોતાના માનસિક રીતે અક્ષમ નાના ભાઈને નાતાલ પહેલા ખરીદી કરવા મોલ માં લઈ ગઈ.તેઓ એક મોટી જૂતાની દુકાનમાં પ્રવેશ્યા. ત્યાં સંતુલન ગુમાવતા પેલો છોકરો, જૂતા વ્યવસ્થિત રીતે પ્રદર્શિત કરવા ગોઠવીને મૂક્યા હતાં તે ટેબલ સાથે ભટકાયો અને બધાં જૂતા ચારે દિશામાં જેમ તેમ વેરાઈ ગયાં.

દુકાનદારે અકળાઈને ગુસ્સાથી છોકરાનું બાવડું ઝાલ્યું અને તેને બધાં જૂતા ઉપાડી ફરી ટેબલ પર ગોઠવી દેવા હૂકમ કર્યો 'એય..ઉપાડી લે બધાં જૂતા..'

છોકરાએ પણ રોષપૂર્વક સામો જવાબ આપ્યો 'ના...'

દુકાનદારે વધુ ગુસ્સો કરતાં રાડ પાડી 'ઉપાડી લે કહું છું....'

છોકરાએ પણ વધુ મોટા સ્વરે મક્કમતાથી વળતો જવાબ આપતાં કહ્યું 'ના...'

દરમ્યાન છોકરાની બહેને શાંતિથી જૂતા ઉપાડી ફરી ટેબલપર ગોઠવવાનું શરૂ કર્યું. અને તેનો ભાઈ પણ તેની સાથે જૂતા ઉપાડવામાં જોડાઈ ગયો.થોડી વારમાં તો છોકરી,તેના ભાઈ અને દુકાનદારે બધાં વેરાયેલા જૂતા ઉપાડી ટેબલ પર ફરી ગોઠવી પણ કાઢ્યાં. કાર્યને અંતે છોકરીએ દુકાનદારને શબ્દો સાથે એક અતિ મહત્વનો પાઠ શિખવ્યો : 'તમારે મારા ભાઈ પાસે કામ કરાવવું હોય તો પ્રેમ થી કરાવવું પડશે.'

જો તમારે તમારી સાથે રહેતાં કે તમારી સાથે કામ કરતાં લોકો પાસેથી કામ કઢાવવું હોય તો તમને છોકરીની સલાહ કામ લાગશે.જો તમે ઇચ્છતાં હોવ કે લોકો તમને પ્રતિભાવ આપે તો તમારે તેમને પ્રેમ થી એમ કરવા મજબૂર કરવા પડશે.મધમાખીઓ અને માણસોને મધ મીઠું લાગે છે.જો તમે લોકોને તેઓ જેની ખેવના રાખતાં હોય તે આપશો તો લોકો પાસેથી તમે તમને જેની અપેક્ષા છે તે મેળવી શકશો.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment