Sunday, July 20, 2014

સૌથી મૂલ્યવાન ખજાનો


મેરી અને તેના પતિ જોને એક શ્વાન પાળ્યો હતો - લકી. લકી એક અનોખો શ્વાન હતો. સપ્તાહાંતે જ્યારે જોન અને મેરીને ત્યાં તેમના મિત્રો રોકાવા આવતાં ત્યારે તેઓ અચૂક તેમને પોતાનો સામાન કદાપિ ખુલ્લો રાખવાની સલાહ આપતાં કારણકે લકીને જે કંઈ પસંદ પડે તે સામાન માંથી ઉઠાવી લેવાની આદત હતી! પણ હંમેશા કોઈક ને કોઈક સામાન બંધ રાખવાનું ભૂલી જતું અને પછી તેમને સદાયે ફરિયાદ રહેતી કે તેમના સામાનમાંથી કોઈક વસ્તુ ગાયબ છે! પછી તો જોન કે મેરી નીચે ભંડકીયામાં જઈ લકીનું રમકડાનું ખોખું ફંફોસતા અને ખોવાયેલી વસ્તુ તેમાંથી ચોક્કસ મળી આવતી! લકીને જે કંઈ પણ તે ઉઠાવે તે પોતાના મનપસંદ રમકડાનાં ખોખામાં નાંખી આવવાની આદત હતી. તે વાતની પણ ચોકસાઈ રાખતો કે તેના રમકડા તેના ખોખામાં હોય.

પછી તો એક વાર મેરીને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું.તેને એમ લાગ્યું જાણે હવે રોગ તેનો જીવ લઈને જશે.તેને જાણ હતી રોગ જીવલેણ સાબિત થાય છે.તેમ છતાં તેણે મોત સામે લડવા ડબલ માસ્ટેક્ટોમીનું ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું.ભય સતત તેના માથે સવાર હોવા છતાં.

તેને જે દિવસે ઓપરેશન માટે હોસ્પિટલ જવાનું હતું તેની આગલી રાતે તેણે લકીને બાથમાં ભીડી તેના પર અપાર વાત્સલ્ય વરસાવ્યું.તેને વિચાર આવ્યો - જો પોતે નહિ હોય તો લકી નું શું થશે? ભલે આમ તો જોન પણ ત્રણ વર્ષના લકીને વહાલો હતો,છતાં મેરી લકીનું સર્વસ્વ હતી એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય.મેરીને લાગ્યું જો કદાચ પોતાનું મૃત્યુ થશે તો લકી સાવ નિરાધાર બન્યાનું અનુભવશે. એમ નહિ સમજે કે મારે તેનાથી જુદા પડવું નહોતું. વિચારે તેને પોતાના મૃત્યુના ભય કરતાં પણ વધુ ખિન્ન બનાવી દીધી.

ડબલ માસ્ટેક્ટોમી મેરી માટે તેના ડોક્ટરોએ ધારી હતી તે કરતા પણ વધુ ભારે બની રહી અને મેરીને બે સપ્તાહ કરતાં પણ વધુ સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું. જોન નિયમિત રીતે લકીને રોજ સાંજે લટાર મારવા લઈ જતો પણ નાનકડા શ્વાનની પરિસ્થિતી દયનીય બની રહી અને તે ખૂબ ઉદાસ અને ચિડીયો બની ગયો.

છેવટે દિવસ આવ્યો જ્યારે મેરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.જ્યારે તે ઘેર પહોંચી ત્યારે તે એટલી બધી થાકી ગઈ હતી કે જેવી જિમે તેને પલંગ પર બેસાડી કે તે ત્યાં ફસડાઈ પડી. લકી તેની સામે એકી ટશે જોઈ રહ્યો પણ તેની પાસે ગયો નહિ. મેરીએ તેને ઇશારો કરી પોતાની પાસે બોલાવ્યો પણ લકી હલ્યા વગર પોતાની જગાએ બેસી રહ્યો અને થાકી ગયેલી મેરી ઉંઘમાં સરી પડી.

જ્યારે તે જાગી ત્યારે તેને ક્ષણ ભર સમજમાં આવ્યું કે શા માટે તેને આખું શરીર ભારે લાગી રહ્યું હતું અને તેને ગરમી લાગી રહી હતી પણ બીજી ક્ષણે જ્યારે તેને સમસ્યાના મૂળ કારણ ની જાણ થઈ ત્યારે  તે હસવું રોકી શકી નહિ!

જ્યારે તે સૂઈ ગઈ હતી ત્યારે દુ:ખી શ્વાને વારાફરતી ભંડકિયામાં જઈ પોતાના સૌથી પ્રિય અને મૂલ્યવાન એવાં બધાં રમકડાં એક પછી એક લઈ આવી પોતાની પ્રિય માલકણ મેરીની આસપાસ (અને ઉપર પણ!) ગોઠવી દીધાં હતાં! તેણે મેરીને પોતાના પ્રેમથી ઢાંકી અને છ્લકાવી દીધી હતી!

પછીતો મેરીની તબિયત સુધરતી ચાલી. તે પોતાનો રોગ અને મૃત્યુ વિશે જાણે સાવ ભૂલી ગઈ.તે જોન અને લકી સાથે ખૂબ પ્રેમથી જીવવા માંડી અને તેમનાં દિવસો સુખ પૂર્વક વિતવા લાગ્યાં.

વાતના ૧૨ વર્ષ પછી પણ આજે મેરી કેન્સર-મુક્ત જીવન જીવી અને માણી રહી છે અને લકી હજુ પણ મહેમાનોનાં સામાન માંથી ચીજ-વસ્તુઓ લઈ જઈ પોતાનાં રમકડાંના ખોખામાં મૂકી આવે છે પણ તેનો સૌથી મૂલ્યવાન ખજાનો તો છે - મેરી!

(આ વાર્તાનાં લેખકની તો જાણ નથી પણ ઓસ્ટ્રેલિયાના ડેવિડ ફ્રીમેને તેને ઇન્ટરનેટ પર શેર કરી હતી.) ('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment