Saturday, June 21, 2014

અત્યારે જ ...


લતા હીરાણી ની એક સુંદર હ્રદયસ્પર્શી કવિતા ઇન્ટરનેટ પર વાંચવામાં આવી અને તે હું તમારા સૌ સાથે શેર કર્યા વગર રહી શક્યો!

 

હું મૃત્યુ પામીશ

અને તું ફૂલો મોકલીશ

જે હું જોઇ નહી શકું

તું હમણાં ફૂલો મોકલ ને!

 

હું મૃત્યુ પામીશ

 અને તારા આંસુ વહેશે

જેની મને ખબર નહી પડે

તું અત્યારે થોડું રડ ને!

 

હું મૃત્યુ પામીશ

અને તું મારી કદર કરીશ

જે હું સાંભળી નહી શકું

તું બે શબ્દો હમણાં બોલ ને !

 

હું મૃત્યુ પામીશ

અને તું મારા દોષો ભૂલી જઈશ

જે હું જાણી નહી શકું

તું મને હમણાં માફ કરી દેને!

 

હું મૃત્યુ પામીશ

અને તું મને યાદ કરીશ

જે હું અનુભવી નહી શકું

તું મને અત્યારે યાદ કર ને!

 

હું મૃત્યુ પામીશ

અને તને થશે...

મેં એની સાથે થોડો વધારે સમય વિતાવ્યો હોત તો...

તો તું અત્યારે એવું કર ને!

('ઈન્ટરનેટ પરથી')

3 comments:

  1. જયશ્રી કૃષ્ણ વિકાસભાઈ. ગયા સપ્તાહે 'ઇન્ટરનેટ કોર્નર'માં લતા હિરાણી રચિત કાવ્ય 'અત્યારે જ...' છપાયેલું તે શ્રેષ્ઠ હતું. આવી અદભૂત કવિતા વાચકો સાથે શેર કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું વ્યવસાયે ભાગવત કથાકાર છું અને તમારા 'ઇન્ટરનેટ કોર્નર'માં છપાતાં પ્રસંગો,લેખો અને સામગ્રી મારા માટે ખૂબ ઉપયોગી બની રહે છે.અમારા જેવા લોકો માટે કથાને વધુ રસાળ બનાવવા માટે આવી સામગ્રી ખૂબ અસરકારક નિવડે છે જે વૈષ્ણવ શ્રોતાઓના હ્રદયને સ્પર્શે છે. તમારું કાર્ય સરાહનીય છે.
    -લાભશંકર જે. ઓઝા

    ReplyDelete
  2. લતા હિરાણીના કાવ્ય 'અત્યારે જ ...' જેવું જ કાવ્ય સતીશભાઈ વ્યાસે લખ્યું છે
    જે તેમણે 'ઇન્ટરનેટ કોર્નર'ના વાચકો સાથે શેર કરવા મોકલાવ્યું છે.
    પહેલી વાર...
    પહેલી વાર
    લાઈટનું બીલ ભર્યું
    આજે
    કપાયેલા ટેલીફોનનું
    કરાવ્યું મેં કનેક શન
    પહેલી વાર
    બેન્કમાં જઈ ચેક ભર્યો
    થોડા પૈસા ઉપાડ્યા મેં
    પહેલી વાર
    ટિંકુડાની સ્કૂલમાં જઈ
    અરજી કરી ફ્રીશીપની
    ગઈ કાલે
    રેશનના કાર્ડમાંથી
    એક નામ
    કરાવીને આવી કમી
    આ બધુ મેં
    પહેલી વાર કર્યું
    તારા ગયા પછી...
    - સતીશ વ્યાસ

    ReplyDelete
  3. Thank you very much Vikasbhai and all friends who like this poem.

    Lata Hirani

    ReplyDelete