Saturday, May 31, 2014

દરેક શિક્ષકે વાંચવા જેવી હ્રદયસ્પર્શી વાત


ફરી એક વાર વર્ગશિક્ષિકા મિસિસ થેચરે પૂછેલા સાવ સહેલા પ્રશ્નોના જવાબ પણ આપી શકવાને કારણે વર્ગનાં બધાં વિદ્યાર્થીઓ બોબ ઉપર હસી રહ્યાં હતાં.વર્ગ પૂરો થયાં બાદ મિસિસ થેચરે બોબના પાછલાં વર્ષોનાં પરીણામો ગોતી કાઢ્યાં અને ચકાસ્યાં.તેમને જાણીને ભારે આશ્ચર્ય થયું કે પાછલાં ધોરણમાં બોબ વર્ગમાં સતત પ્રથમ આવ્યો હતો.તેમને જાણવા મળ્યું કે બોબ ની માતા બિમાર પડ્યા બાદ તેનું અભ્યાસ પરીણામ સતત નબળું પડતું ચાલ્યું.થોડા મહિનાઓમાં તો બોબ દરેક વિષયમાં નાપાસ થવા માંડ્યો.અંતે એક દિવસ બોબની માતા મ્રુત્યુ પામી અને ત્યાર બાદ બોબ ભારે એકલતા અને નિરાશા અનુભવવા માંડ્યો.તેના પિતા વેપાર અર્થે પ્રવાસ કરતાં રહેવાને કારણે બોબ પર પૂરતું ધ્યાન આપી શકતા નહિ. બધાની અસર બોબના વ્યક્તિત્વ અને અભ્યાસ પર પડી.

અભ્યાસમાં સતત નબળા પડતા જતા દેખાવ સાથે બોબનો સ્વભાવ પણ બદલાતો ચાલ્યો.પ્રગતિપત્રક સ્પષ્ટપણે સૂચવતું  હતું કે તે હસવાનું સાવ ભૂલી ગયો હતો અને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં રસ દાખવતો નહોતો. તે સાવ એકાકી બની ગયો હતો.તેના બધાં મિત્રોએ પણ તેને તરછોડી દીધો હતો. બધું વાંચતા વાંચતા શ્રીમતી થેચરની આંખો અશ્રુઓથી ભરાઈ આવી.

બીજે દિવસે જ્યારે વર્ગ પૂરો થયા બાદ બધા વિદ્યાર્થીઓ જવા લાગ્યા ત્યારે શ્રીમતી થેચરે બોબને વર્ગમાં રોકાઈ જવા કહ્યું.આખો વર્ગ ખાલી થઈ ગયો હતો અને માત્ર તેઓ બંને બોબની ખુરશી પાસે ચૂપચાપ સામસામે બેઠાં હતાં.થોડી વાર પછી શ્રીમતી થેચરે બોબને પૂછ્યું તેને વર્ગમાં પાઠ સમજવામાં કોઈ મુશ્કેલી પડતી હતી.ધીમે ધીમે તેમણે બોબને એક એવી શાતા અને હૂંફની લાગણી આપી કે તે ખુલવા લાગ્યો,બોલવા લાગ્યો અને પોતાની લાગણીઓ વહેંચવા માંડ્યો.ત્રણેક અઠવાડિયામાં બોબના વર્તનમાં ખાસ્સો સુધારો જોવા મળ્યો. તે પહેલા જે પ્રશ્નોના જવાબ આપી શકતો નહોતો પ્રશ્નોના જવાબ હવે તેને આવડવા માંડ્યા હતાં.દરરોજ બધાં વિદ્યાર્થીઓ જતા રહે પછી શ્રીમતી થેચરે બોબ પર વિશેષ ધ્યાન આપી તેની સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું.

પછીના છમાસિક સત્રમાં તો બોબે ઘણી પ્રગતિ સાધી.તે હવે શાળાએ સ્વચ્છ સુઘડ ગણવેશ પહેરી સમયસર આવવા લાગ્યો હતો અને વર્ગમાં પણ બરાબર ધ્યાન આપી દરેક પ્રશ્નનો તરત અને સાચો જવાબ આપવા લાગ્યો હતો.ફરી પાછા અન્ય વિદ્યાર્થીઓ હવે તેના મિત્ર બની ગયાં અને તેના દેખાવમાં ચોક્કસ નોંધપાત્ર વિકાસ જોવા મળ્યો.

એક શુક્રવારે જ્યારે બધાં વિદ્યાર્થીઓ ચાલ્યા ગયા ત્યાર બાદ બોબે શ્રીમતી થેચરના હાથમાં એક ભેટ મૂકી.તેણે શ્રીમતી થેચરને સોગાદનું ખોખું રવિવારે ખોલવા વિનંતી કરી.પછી ત્યાંથી ચાલ્યો ગયો.

રવિવારે સવારે શ્રીમતી થેચરે ઉત્કંઠા પૂર્વક પેલું ભેટનું ખોખુ ખોલ્યું.તેમાં અડધી ભરેલી અત્તરની શીશી હતી.બોબે તેમાં પોતાના હાથે લખેલો એક પત્ર પણ મૂક્યો હતો.તેમાં તેણે લખ્યું હતું કે અત્તર તેની વહાલસોયી માતાનું હતું.તેણે શ્રીમતી થેચરને અત્તર લગાડવા વિનંતી કરી જેથી જ્યારે જ્યારે તેઓ પોતાની નજીક હોય ત્યારે ત્યારે તે પોતાની માતા પાસે હોવાનું અનુભવે.પત્રમાં તેણે શ્રીમતી થેચરનો ખૂબ ખૂબ આભાર માન્યો.

શ્રીમતી થેચરે કેલેન્ડર તપાસ્યું. મે મહિનાનો દ્વિતીય રવિવાર હતો જેનેમધર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે.

પત્ર વાંચ્યા બાદ શ્રીમતી થેચરે અત્તરની શીશી પોતાના હાથમાં લીધી અને તેના પર લગાડેલું ફરફરીયું જોયું. તેના પર શબ્દો લખ્યાં હતાં : "હેપ્પી મધર્સ ડે"!

શ્રીમતી થેચરને એવી લાગણી થઈ કે તેમણે બોબના જીવનમાં હકારાત્મક પરિવર્તન નહોતું આણ્યું પણ બોબે તેમને સાચી માણસાઈના સાર નો અહેસાસ કરાવ્યો હતો.

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. દરેક શિક્ષકે વાંચવા જેવી વાર્તા ખૂબ સારી રહી.
    - ભદ્રા છેડા

    ReplyDelete