Saturday, May 10, 2014

મધર્સ ડે સ્પેશિયલ : દેવદૂત - માતા


બાળકે ભગવાનને પૂછ્યું,"તેઓ કહે છે તમે આવતી કાલે મને પૃથ્વી પર મોકલવાના છો પણ હું આટલો નાનો અને નિ:સહાય  હોવાથી ત્યાં જીવીશ કઈ રીતે?"

ભગવાને કહ્યુ,"ત્યાં દેવદૂત તારી પ્રતીક્ષામાં હશે અને તે તારી કાળજી રાખશે."

બાળકે પૂછ્યું,"પણ મને એ તો કહો અહી સ્વર્ગમાં મારે સુખી રહેવા કંઈ જ કરવું પડતું  નથી માત્ર સ્મિત આપ્યા કરવાનું હોય છે અને ગાતા રહેવાનું હોય છે. ત્યાં શું થશે?"

ભગવાને કહ્યું,"દેવદૂત તારા માટે ગાશે અને તારા માટે સ્મિત પાથરશે. તું એનો પ્રેમ અને વાત્સલ્ય હર પળ અનુભવીશ અને તું એની દરકાર હેઠળ સુખી રહીશ.

ફરી બાળકે પૂછ્યું,"મને જ્યારે ત્યાંના મનુષ્યોની ભાષા નહિ સમજાય અને તેમણે મારી સાથે વાત કરવી હશે તો હું કઇ રીતે સમજી શકીશ?"

ભગવાને કહ્યું,"દેવદૂત તને તે ક્યારેય સાંભળ્યા નહિ હોય એવા મીઠામધુરા શબ્દો સંભળાવશે અને ઘણી ધીરજ અને કાળજીથી એ તને મનુષ્યલોકની ભાષા શિખવશે."

બાળકે પૂછ્યું,"અને જ્યારે મારે તમારી સાથે વાત કરવી હશે ત્યારે એ હું શી રીતે કરીશ?"

ભગવાને કહ્યું,"દેવદૂત તને બે હાથ જોડી મારી પ્રાર્થના કઈ રીતે કરવી અને એ દ્વારા મારી સાથે વાત કેમ કરવી એ શિખવશે."

બાળકે પૂછ્યું,"મારું રક્ષણ  કોણ કરશે?"

ભગવાને કહ્યું,"પોતાના જીવના જોખમે પણ દેવદૂત તારી રક્ષા કરશે."

બાળકે કહ્યું,"પણ હું તમને જોઈ ન શકવાને કારણે સતત ઉદાસ રહીશ."

ભગવાને કહ્યું,"હું અદ્રશ્ય રહીને પણ સદાયે તારી આસપાસ જ હોઇશ આમ છતા દેવદૂત સદાયે તારી સાથે વાત કરવા આતુર રહેશે અને મને કઈ રીતે પામવો તેના માર્ગ પણ એ જ તને શિખવશે "

એ ક્ષણે  જ સ્વર્ગમાં અદભૂત શાંતિ છવાઈ ગઈ અને પૃથ્વી પરના કોલાહલનો સ્વર વધતો ચાલ્યો.

બાળકે ઝડપથી પૂછ્યું,"હે ભગવાન, જો હવે મારે અહિ થી જવાનું જ તો મને એ દેવદૂતનું નામ તો જણાવો..."

ભગવાને જવાબ આપ્યો,"તું એને 'માતા' નામે સંબોધી શકશે..."

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment