Saturday, November 30, 2013

પરિવર્તન - અંત નહિ પણ નવી શરૂઆત

       માર્શલ આર્ટ શિખેલા એક  વિદ્યાર્થીની દંતકથા છે. વર્ષોના અથાગ પરિશ્રમ બાદ તેણે કલામાં સિદ્ધી હાંસલ કરી હતી અને તે એના ગુરુ સેન્સેઇ માસ્ટર સામે સફળતાના સર્વોચ્ચ શિખર સમાન બ્લેક બેલ્ટ મેળવવાના સમારંભમાં શિર ઝૂકાવી ઉભો હતો.

સેન્સેઇ ગુરુએ યુવાનને કહ્યું,"બેલ્ટ મેળવતા પહેલા તારે હજી એક વધુ કસોટીમાંથી પસાર થવું પડશે."
વિદ્યાર્થીએ કહ્યું,"હું તૈયાર છું."
તેને લાગ્યું કદાચ ગુરુ હજી એક વધુ વાર હાથ પગની કરામત દ્વારા લડાઈનો મુકાબલો કરવાનું કહેશે.
પણ ગુરુ તો સવાલ કર્યો,"બ્લેક બેલ્ટનો સાચો અર્થ તારા મતે શો છે?"
" મારા પ્રવાસનો અંત છે. મારી મહેનતનું સુયોગ્ય પરિણામ છે,  જેને હું લાયક છું."  વિદ્યાર્થીએ જવાબ આપ્યો.
ગુરુએ થોડી વધુ વાર રાહ જોઈ. સ્પષ્ટ હતું કે વિદ્યાર્થીના જવાબથી સંતુષ્ટ નહોતા. સેન્સેઇ છેવટે બોલ્યા,"તું હજી બ્લેક બેલ્ટ માટે લાયક નથી.એક વર્ષ પછી પાછો ફરજે."
એક વર્ષ પછી ફરી જ્યારે વિદ્યાર્થી સેન્સેઇ ગુરુ સામે ફરી બ્લેક બેલ્ટ મેળવવાની આશા સાથે ઝૂક્યો ત્યારે ફરી ગુરુએ પ્રશ્ન દોહરાવ્યો,"તારે મતે બ્લેક બેલ્ટનો સાચો અર્થ શો છે?"
યુવાન વિદ્યાર્થીએ જવાબ આપ્યો," આપણી ખાસ વિદ્યા અને કલામાં સર્વોચ્ચ સિદ્ધી અને અન્યોથી  અલગ અને ઉચ્ચ હોવાનું પ્રમાણ છે."
ફરી ગુરુએ થોડી વધુ વાર રાહ જોઈ. હજુ  અસંતુષ્ટ એવા તેમણે વિદ્યાર્થીને ફરી કહ્યું,"તું હજુ પણ બ્લેક બેલ્ટ મેળવવા તૈયાર થઈ ગયો નથી. ફરી એક વર્ષ બાદ પાછો ફર."
વધુ એક વર્ષ બાદ ફરી પાછો પ્રશ્ન. વખતે વિદ્યાર્થીએ જવાબ આપ્યો,"બ્લેક બેલ્ટ અંતનું  સૂચન કરતો નથી પણ એક શરૂઆત છે - શિસ્ત,મહેનત અને ઉચ્ચ પ્રમાણ પ્રાપ્ત કરતા રહેવાની ઝંખનાની અંતહીન યાત્રાની શરૂઆત."

ગુરુ જવાબ સાંભળી પ્રતિભાવ આપ્યો,"હવે તું બ્લેક બેલ્ટ મેળવવા અને તારા કાર્યની શરૂઆત કરવા લાયક થઈ ગયો છે."
તમે કદાચ કોઈ બ્લેક બેલ્ટ મેળવવાની આશા રાખતા નહિ હોવ અને  જીવનના નિર્ણાયક તબક્કે ઉભા હશો. કદાચ જીવનના કોઈ દુ:ખદ પડકારનો સામનો કરી રહ્યા હશો. અથવા તમે અથાગ પરિશ્રમ બાદ કોઈક ધ્યેયની પ્રાપ્તિ ઝંખી રહ્યા હશો - કદાચ સ્નાતક થયાની પદવી, નવી નોકરી, નોકરીમાં બઢતી કે પછી કદાચ નિવૃત્તી.
બધાં ડાહ્યા લોકો સમજે છે કે પરિવર્તન નવી શરૂઆત કરનારૂં હોય છે. તેનાથી ડરવાની જરૂર નથી. આપણે કાયમી આરામદાયી જગાની અપેક્ષા રાખવી જોઇએ નહિ કારણકે પૂર્ણ અને સુખી જીવન ક્યારેય સ્થગિત હોતું નથી. શું તમારા જીવનમાં આવેલ પરિવર્તન એક અંત નહિ પણ નવી શરૂઆત સૂચવે છે? જો પ્રશ્નનો જવાબ હા હોય તો તમે જીવનમાં આગળ વધવા માટે તૈયાર છો.


(ઇન્ટરનેટ પરથી)

1 comment:

  1. હું 'ઇન્ટરનેટ કોર્નર' ની નિયમિત વાચક છું.દર અઠવાડિયે તેમાં રજૂ થતાં અવનવા વિચારો ક્યારેક જીવનને નવી દિશા આપે છે,નવો દ્રષ્ટીકોણ આપે છે.બસ આવું સારું સારું લખતા રહો.
    - ભારતી જોશી,વિલે પાર્લે (ફોન દ્વારા)

    ReplyDelete