Saturday, February 9, 2013

પ્રેમ - તેનું લાંબુ અને ટૂંકુ

મારી નાનકડી વહાલસોયી ભત્રીજી બ્રૂક આમ તો મારાથી ઘણી દૂર રહે છે પણ અમારી વચ્ચે સ્નેહનો એક અનોખો સેતુ રચાયેલો છે.


તે જ્યારથી બે વર્ષની હતી ત્યારથી દર અઠવાડિયે મેં એને એક પત્ર લખ્યો છે! આ પત્રોને અમે 'ગુરૂવાર પત્રો' કહેતાં કારણકે મારે ગુરૂવારે રજા રહેતી અને તેથી હું ગુરૂવારે સૌ પ્રથમ કામ બ્રૂકને આ પત્રો લખવાનું કરતી.તે હવે દસ વર્ષની છે અને ઘણી સમજુ થઈ ગઈ છે. પણ તેને પત્રો લખવું મને સદાયે ખૂબ ગમ્યું છે. પાછલા છ વર્ષોમાં હું માત્ર છ ગુરૂવાર, આ પત્રો લખવાનું ચૂકી છું - એક વાર ટપાલખાતાની લાંબી હડતાલને કારણે અને બીજી વાર હોસ્પિટલમાં દાખલ થવાને કારણે.

જ્યારે બ્રૂક ચાર વર્ષની હતી ત્યારે તે એક વાર મારી માતા સાથે વાતચીત કરી રહી હતી.તેણે કહેલું : "બા, સ્ટીફ આન્ટી દર અઠવાડિયે મને એક પત્ર લખે છે."

મારી માતાએ પૂછ્યું : " એ તો ઘણાં બધાં પત્રો કહેવાય! તે શું લખે છે એ પત્રો માં?"

બ્રૂકે થોડી વાર વિચાર્યું અને પછી તે બોલી,"તેઓ લખે છે કે તેઓ મને ખૂબ ચાહે છે. ઘણી વાર તેઓ એ ખૂબ લંબાણમાં લખે છે અને ઘણી વાર ખૂબ ટૂંકાણમાં!"

તે બિલકુલ સાચી હતી! તેને એ પ્રેમ તે પત્રોમાં, તેના પરબિડીયામાં, તેના પર લગાડેલી સ્ટેમ્પ્સમાં દેખાતો હતો અને તે પત્રો માંનું લાંબુ કે ટૂંકુ લખાણ તેને સમજાયું હોય કે નહિં પણ તેના હ્રદય સુધી જરૂર પહોંચી ગયું હતું.!

(‘ઇન્ટરનેટ પરથી’)

No comments:

Post a Comment