Saturday, February 4, 2012

આશાવાદી અને નિરાશાવાદી દેડકાની વાર્તા

બે દેડકાં હતાં. એક જાડિયો અને બીજો સૂકલફડી.બંને પાકા મિત્રો.એક દિવસ સાથે ખોરાકની શોધમાં ભટકતાં ભટકતાં તેઓ દૂધ ભરેલા એક વાડકામાં જઈ પડ્યાં! વાડકો ગોળાકાર અને લપસણો હોવાને લીધે તેઓ બહાર નિકળી શક્યાં નહિં અને દૂધમાં જ તરી રહ્યાં.


જાડિયા દેડકાએ સૂકલકડી દેડકાને કહ્યું,"ભાઈ,હવે આ દૂધમાં હવાતિયા મારવાનો કોઈ અર્થ નથી.આપણે ડૂબી જ જઈશું.આથી હવે નકામી મહેનત કરવી રહેવા દઈએ."

સૂકલકડી દેડકાએ કહ્યું,"ના ભાઈ,પ્રયત્નો ચાલુ જ રાખ.મારુ મન કહે છે કોઈક આપણી મહેનત જોશે અને આપણને ચોક્કસ અહિંથી બહાર કાઢશે."

અને પછી તેમણે કલાકો સુધી બહાર નિકળવા ફાંફાં મારવા ચાલુ રાખ્યાં.

થોડાં સમય બાદ જાડિયા દેડકાએ કહ્યું:"મિત્ર,આપણી મહેનતનો કોઈ અર્થ સરવાનો નથી. હું હવે અતિશય થાકી ગયો છું.આથી હું પગ હલાવવા બંધ કરી રહ્યો છું. આજે રવિવાર છે. કોઈ આપણી મદદે આવશે નહિં.આપણે થોડી જ વારમાં ડૂબી જઈશું. હવે અહિં થી બહાર નિકળવાનો કોઈ માર્ગ મને દેખાતો નથી."

સૂકલકડી દેડકાએ ફરી કહ્યું:"આશા છોડીશ નહિં.પ્રયત્નો ચાલુ રાખ.હવાતિયા મારવા બંધ કરીશ નહિં.આપણે ચોક્કસ અહિંથી બહાર નિકળી શકીશું." અને ફરી બીજા થોડા કલાક પસાર થઈ ગયાં.

જાડિયા દેડકાએ કહ્યું:'"મારાથી હવે પગ બિલકુલ હલાવી શકાશે નહિં.અને એમ કરવાનો હવે કોઈ મતલબ પણ નથી સરવાનો.આપણે થોડા જ સમયમાં ડૂબી જવાના છીએ."

અને આમ કહી તે નિશ્ચલ બની ગયો. તેણે શસ્ત્રો હેઠા મૂકી દીધા. તે હિંમત હારી ગયો. અને દૂધમાં ડૂબી જઈ મૃત્યુ પામ્યો. પણ સૂકલકડી દેડકાએ હવાતિયા મારવા ચાલુ રાખ્યાં.

દસ મિનિટ બાદ સૂકલકડી દેડકાએ અનુભવ્યું કે તે જાણે સખત સપાટી પર આવી ગયો હોય. તેણે હવાતિયા મારી મારીને દૂધનું માખણમાં રૂપાંતર કરી નાંખ્યું હતું. તે કૂદીને વાડકામાંથી બહાર આવી ગયો.તેનો જીવ બચી ગયો. તેની મહેનતે અને તેના આશાવાદે, હકારાત્મક અભિગમે તેનો જીવ બચાવ્યો.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment