Saturday, February 11, 2012

જો તમે પ્રેમમાં વિશ્વાસ ધરાવતા હોવ…(વેલેન્ટાઈન ડે સ્પેશિયલ : એક લવસ્ટોરી)

તમે પરણેલા હોવ કે ન હોવ, આ વાર્તા તમારે વાંચવી જ જોઇએ જો તમે પ્રેમમાં વિશ્વાસ ધરાવતા હોવ…


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

એ રાત્રે હું ઘેર પાછો ફર્યો અને નિત્યક્રમ મુજબ મારી પત્નીએ જમવાનું પીરસ્યું. મેં તેનો હાથ પકડી લેતા કહ્યું કે મારે તેને કંઈક કહેવું છે. તે ડાયનિંગ ટેબલ પર મારી બાજુમાં બેસી ગઈ અને તેણે મૂંગા મોઢે ખાવાનું શરૂ કર્યું. મેં નોંધ્યું કે તેની આંખોમાં એક ઉદાસી ડોકાઈ રહી હતી. અચાનક મને શું બોલવું તેની સૂઝ ન પડી.પણ મારે આજે તેને ગમે તે રીતે જણાવવું જ હતું કે મારા મનમાં શું ચાલી રહ્યું હતું. મારે છૂટાછેડા જોઇતા હતા.

મેં શાંતિથી વાત છેડી.મારા શબ્દોથી જાણે તે પરેશાન ન થઈ.તેણે શાંતિથી પૂછ્યું, શા માટે?

મેં તેનો પ્રશ્ન ટાળવાનો પ્રયત્ન કર્યો.આથી તે ગુસ્સે ભરાઈ.તેણે થાળીવાડકા પછાડી મોટેથી બૂમ પાડી.તેણે મને કહ્યું હું માણસમાં નથી.એ રાત્રે અમે એકબીજા સાથે વાતચીત ન કરી.તે ખૂબ રડી.મને ખબર હતી તેને જાણવું હતું કે અમારા લગ્નમાં શું ખૂટતું હતું.પણ હું તેનો સંતોષકારક જવાબ આપવા સમર્થ નહોતો. હું જેનના પ્રેમમાં પડ્યો હતો. હું હવે તેને બિલ્કુલ ચાહતો નહોતો.મને તેની દયા આવતી હતી.

ભારે પસ્તાવાની લાગણી સાથે મેં અમારા છૂટાછેડાના કાગળિયા તૈયાર કરાવ્યા જેમાં મેં અમારું ઘર,અમારી ગાડી અને મારી કંપનીનો ૩૦ ટકા હિસ્સો તેના નામે કરી દીધા હોવાનું લખ્યું હતું. તેણે એ કાગળિયા જોયા અને વાંચ્યા વગર જ ફાડી નાંખ્યા.તે સ્ત્રી જેણે પોતાના જીવનનો આખો એક દસકો મારી સાથે વિતાવ્યો હતો, મારા માટે અજાણી બની ગઈ હતી. મને તેના માટે ખૂબ દુ:ખ થયું. તેનો આ બધો સમય, તેની સંપંત્તિ, તેની સઘળી શક્તિ જે આ બધા સમય દરમ્યાન ખર્ચાયા હતાં એ બધું એળે ગયું હતું. હું જેનને ખૂબ ચાહવા લાગ્યો હતો, એ પણ હકીકત હતી. આથી હવે છૂટાછેડા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ બચ્યો નહોતો.

અંતે તે મારી સામે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. મને જાણે આજ ઘડીનો ઇંતેજાર હતો.એનું રૂદન જોઈ આખરે મને હળવાશનો અનુભવ થતો હતો. છૂટાછેડાની જે વાત ઘણાં લાંબા સમયથી મારા મનમાં ઘૂમરાઈ રહી હતી તે આખરે હવે ટૂંક સમયમાં શક્ય બનશે એમ મને લાગ્યું.

બીજા દિવસે હું ઓફિસથી ખૂબ મોડો ઘેર આવ્યો ત્યારે તે લખવાના ટેબલ પર બેસી કંઈક લખી રહી હતી.મેં બહાર જ જમવાનું પતાવી લીધું હોવાથી હું સીધો શયનખંડમાં જઈ સૂઈ ગયો. મસ્તીભર્યો દિવસ જેન સાથે પસાર કર્યા બાદ થાક લાગ્યો હોવાથી મને તરત ઉંઘ આવી ગઈ. સવારે ઉઠીને જોયું તો હજી તે કંઈક લખી રહી હતી.મેં એ તરફ ધ્યાન જ ન આપવાનું નાટક કર્યું.

હું ન્હાઈધોઈ તૈયાર થઈ ગયો એટલે તેણે આવીને મારી સમક્ષ તેની છૂટાછેડા માટેની શરતો રજૂ કરી : તેને મારી પાસેથી કંઈ જ જોઇતું નહોતું.પણ તેણે મારી પાસે એક મહિનાનો સમય માંગ્યો હતો.તેણે એવી માગણી કરી કે આ એક મહિના દરમ્યાન અમારે તદ્દન સામાન્ય રીતે જ જીવવું, જાણે કંઈ બન્યું જ નથી. આ માટે એણે આપેલ કારણ પણ ઘણું સરળ અને વ્યાજબી હતું. અમારા દિકરાની વાર્ષિક પરીક્ષા હતી અને તે નહોતી ઇચ્છતી કે અમારા લગ્નભંગાણની કોઈ જ અસર મારા દિકરાના ભણતર પર પડે.

આ મને મંજૂર હતું.પણ તેણે હજી મને કંઈક કહેવું હતું.તેણે મને યાદ કરવા કહ્યું કે કઈ રીતે લગ્નની પ્રથમ રાતે હું તેને ઉંચકીને અમારા પુષ્પ આચ્છાદિત શયનખંડ સુધી અતિ પ્રેમપૂર્વક લઈ ગયો હતો. તેણે મને વિનંતિ કરી કે હવે પછીના એક મહિના દરમ્યાન રોજ સવારે મારે તેને એ જ રીતે ઉંચકી અમારા શયન કક્ષથી બહાર ઘરના મુખ્ય દરવાજા સુધી લઈ જવી.

મને લાગ્યું તેનું ખસી ગયું છે.

માત્ર અમારા છેલ્લા થોડા સહવાસના દિવસો સહ્ય બની રહે અને આખરે તે છૂટાછેડા માટે વિના કોઈ મોટી શરતે તૈયાર થઈ ગઈ હતી આથી મેં તેની આ વિચિત્ર માગણી સ્વીકારી લીધી.

મેં જ્યારે જેનને મારી પત્નીની છૂટાછેડા માટેની શરત અને આ વિચિત્ર માંગણીની વાત કરી ત્યારે તે એ સાંભળી ખડખડાટ હસી પડી.તેણે તિરસ્કારપૂર્વક કહ્યું, ‘ભલેને એ ગમે તેવી યુક્તિપ્રયુક્તિઓ અજમાવી લે પણ તેણે છૂટાછેડાનો સામનો તો કરવો જ પડશે.’

જ્યારથી મેં છૂટાછેડાની વાત જાહેર કરી હતી ત્યારથી મારા મારી પત્ની સાથે કોઈ પણ પ્રકારના સંબંધ કે વ્યવહાર સદંતર બંધ થઈ ગયાં હતાં.આથી બીજા દિવસે જ્યારે પ્રથમ વાર મેં તેને મારા હાથોમાં ઉપાડી અને હું તેને શયન ખંડમાંથી બહાર દોરી ગયો એ દ્રષ્ય અતિ કઢંગુ લાગી રહ્યું હતું.પણ અમારા દિકરાએ આ જોઇ તાળી પાડી ગેલમાં આવી જતા બૂમ પાડી,' હે..હે...પપ્પાએ મમ્મીને હાથોમાં ઉંચકી લીધી!'

તેના શબ્દોએ મારા મનમાં વેદના જન્માવી. શયન કક્ષથી બેઠક ખંડ અને ત્યાંથી દરવાજા સુધી હું લગભગ દસેક મીટર જેટલું તેને ઉંચકીને ઘરમાં ફર્યો હોઇશ.તેણે એ દરમ્યાન આંખો મીંચી દીધેલી અને તે મને ધીમા સ્વરે વિનંતી કરતી રહી કે છૂટાછેડાની જાણ અમારા પુત્રને ન થાય. મેં મૂંગા મોઢે જ સહેજ અસ્વસ્થતા અનુભવતા હા ભણી. પછી એ ઘરના કામોમાં અટવાઈ ગઈ અને હું કારમાં ઓફિસ જવા રવાના થઈ ગયો.

બીજા દિવસે આ ક્રમનું પુનરાવર્તન કરતી વખતે અમે બંને થોડા વધુ કમ્ફર્ટેબલ હતાં.તેણે પોતાનું માથુ મારી છાતી પર ઢાળી દીધેલું.મેં તેના દેહની ખુશ્બુ અને એક અનેરા નૈકટ્યનો સહઅનુભવ કર્યો. મને વિચાર આવ્યો કે મેં ઘણાં લાંબા સમયથી આ સ્ત્રી સામે – મારી પત્ની સામે જોયું જ નહોતું.મેં અનુભવ્યું કે તે હવે જુવાન રહી નહોતી.તેના ચહેરા પર કરચલીઓ દેખાવા માંડી હતી.તેના વાળ સફેદ થવા માંડયા હતાં.અમારા લગ્ને તેની શી હાલત કરી નાંખી હતી!મને એક ઘડી તો એવો વિચાર પણ આવી ગયો કે જાણે તેની આ સ્થિતી માટે હું જવાબદાર હતો!

ચોથા દિવસે જ્યારે મેં તેને મારા હાથોમાં ઉપાડી,મને થોડી વધુ નિકટતાનો અહેસાસ થયો.આ એ સ્ત્રી હતી જેણે પોતાના જીવનનો આખો એક દસકો મારા માટે સમર્પિત કરી દીધો હતો.

પાંચમા અને છઠ્ઠા દિવસે મેં અનુભવ્યું કે નિકટતા અને ઉત્કટતાની લાગણી સતત વધી રહી હતી.મેં જેનને આ વિષે કોઈ વાત કરી નહિં.જેમ જેમ મહિનો વિતતો ચાલ્યો તેમ તેમ તેને ઉપાડવું મારા માટે વધુ સરળ બનતું રહ્યું.કદાચ એક મહિના સુધી તેને ઉપાડવાની કસરતને કારણે મારા બાવડા પણ વધુ મજબૂત બની ગયાં!!

એક દિવસ સવારે તે શું પહેરવું એ નક્કી કરી રહી હતી.તેણે ઘણાં બધાં ચૂડીદાર પહેરી જોયાં પણ એકેય તેને જચતું નહોતું.તે બોલી,'ઓહ..મારા બધાં ડ્રેસ મને ઢીલાં પડવા માંડ્યા છે!' મને અચાનક ખ્યાલ આવ્યો કે તે પાતળી થઈ ગઈ હતી અને કદાચ આ પણ કારણ હતું જેથી હું હવે તેને સહેલાઈથી ઉંચકીને આખા ઘરમાં ફરી શક્તો હતો!

અચાનક મને બીજો પણ એક વિચાર આવ્યો...તેણે કેટલી બધી વેદના,કેટલી બધી કડવાશ પોતાના મનમાં સંઘરી, દબાવી રાખી હતી. સહસા જ મારો હાથ તેના માથા સુધી લંબાઈ ગયો અને મેં તેના મસ્તકને સ્પર્શ્યું.

એ જ ઘડીએ અમારો પુત્ર અમારા કક્ષમાં આવીને કહેવા લાગ્યો,'પપ્પા, ચાલો મમ્મીને ઉંચકીને ચક્કર મારવાનો સમય થઈ ગયો!' તેના માટે પપ્પા મમ્મીને ઉંચકીને સવારના પહોરમાં ઘરમાં એક આંટો મારે એ જાણે તેના જીવનનો એક અંતર્ગત ભાગ - નિત્યક્રમ બની ગયો હતો. મારી પત્નીએ અમારા પુત્રને વ્હાલથી નજીક આવવા ઇશારો કર્યો અને એ તેને સ્નેહપૂર્વક ભેટી પડી. મેં મારો ચહેરો ફેરવી લીધો કારણ મને ડર લાગ્યો કે આ છેલ્લી ક્ષણોમાં કદાચ મારું હ્રદય પરિવર્તન થઈ જશે....

પણ પછી તો મેં તેને મારી ભુજાઓમાં ઉપાડી અને આખા ઘરમાં ફરવાના મારા નવા નિત્યક્રમને ન્યાય આપ્યો.તેણે અજાણ્યે જ સાહજિકતાથી પોતાના મ્રુદુ હાથ મારી ડોક ફરતે વિંટાળ્યા હતાં.મારી પકડ થોડી વધુ ઉષ્માભરી અને મજબૂત હતી, અમારા લગ્નના દિવસ જેવી...

પણ તેના ઓછા થઈ ગયેલા વજને મને ચિંતામાં મૂકી દીધો.

આખરે મહિનાના છેલ્લા દિવસે જ્યારે મેં તેને ઉંચકી હું મહામુશ્કેલીથી એકાદ ડગલુ પણ માંડ આગળ વધી શક્યો.અમારો પુત્ર એ દિવસે વહેલો શાળાએ ગયો હતો.મેં તેને ભીંસપૂર્વક આશ્લેષમાં લેતા કહ્યું,'હું નહોતો જાણતો કે આપણાં દાંપત્ય જીવનમાં નૈકટ્ય નહોતું રહ્યું'.

ત્યારબાદ સતત કંઈક વિચારોમાં જ મેં ગાડી ઓફિસ તરફ હંકારી અને ઓફિસ આવતાં જ કારનો દરવાજો પણ લોક કર્યા વગર હું સીધો ઓફિસમાં ધસી ગયો. સાચું કહું તો મને ડર લાગતો હતો કે જો જરા પણ મોડો પડીશ તો મારો નિર્ણય કદાચ બદલાઈ જાય...

હું સીધો મારી કેબિનમાં જઈ પહોંચ્યો અને મેં જેનને અંદર બોલાવી.તે આવી કે તરત મેં તેને કહ્યું,'મને માફ કરી દે જે જેન,પણ હું છૂટાછેડા નથી લઈ રહ્યો...'

તેણે આભી બની જઈ મારી સામે જોયા કર્યું અને થોડી ક્ષણો પછી મારા કપાળ પર હાથ અડાડતા પૂછ્યું શું મને તાવ આવ્યો છે?મેં તેનો હાથ ખસેડી લેતા કહ્યું,'મને માફ કરી દે જેન,પણ હું હવે છૂટાછેડા લેવાનો નથી.મારા લગ્નજીવનમાં નિરસતા આવી જવાનું કારણ એ નહોતું કે અમે એકબીજાને ચાહતા નહોતાં. માત્ર અમે પરસ્પરના જીવનની ઝીણી ઝીણી વિગતોમાં રસ લેવાનું બંધ કરી દીધું હતું.આથી જ અમારા દાંપત્યજીવનમાંથી રસ ઉડી ગયો હતો. હવે મને ભાન થયું છે કે હું તેની સાથે લગ્ન કરી તેને જીવનભરનો સાથ નિભાવવાના કોલ આપી મારા ઘરમાં લઈ આવ્યો હતો આથી મૃત્યુપર્યંત તેનો સાથ નિભાવવાની મારી ફરજ છે.'

આ સાંભળી જેનની જાણે અચાનક આંખ ઉઘડી ગઈ. તેણે મને એક જોરદાર તમાચો માર્યો અને તે રડતા રડતા કેબિનના દરવાજાને હડસેલો મારી બહાર ચાલી ગઈ. હું નીચે આવી મારી ગાડીમાં બેઠો અને મારા ઘરની દિશામાં આગળ વધ્યો.રસ્તામાં એક ફૂલોની દુકાનેથી મેં મારી પત્ની માટે એક સુંદર તેને ગમતા ફૂલોનો બૂકે ખરીદ્યો. દુકાનમાં બેઠેલી છોકરીએ મને પૂછ્યું કે બૂકેમાં ફૂલો પર મૂકવાના કાર્ડમાં મારે કોઈ સંદેશો લખવો છે? મેં તેને લખવા કહ્યું: ‘આજથી મૃત્યુ આપણને જુદા ન પાડે ત્યાં સુધી હું રોજ સવારે તને ઉંચકી આખા ઘરમાં ફેરવીશ...’ પછી હું હાથમાં ફુલોના ગુચ્છા સાથે ઘેર પાછો ફર્યો, મોઢા પર સુંદર સ્મિત સાથે. હળવેથી ડુપ્લિકેટ ચાવીથી ઘરનો દરવાજો ખોલી હું શયનખંડમાં પ્રવેશ્યો અને જોયું કે મારી પત્ની પલંગ પર સૂઈ ગઈ હતી - સદાને માટે. હા...એ મ્રુત્યુ પામી હતી. તેને કેન્સર થયું હતું અને કેટલાંયે મહિનાઓથી તે એની સામે ઝઝૂમી રહી હતી.પણ હું જેન સાથે એટલો વ્યસ્ત હતો કે મને આ વાતનો અણસાર સુદ્ધા ન આવ્યો. તે જાણતી જ હતી કે તેનં મૃત્યુ નિશ્ચિત છે પણ જો કદાચ અમારા છૂટાછેડા મારી બળજબરીને કારણે થઈ જાત તો મારા પુત્રના મારા માટે જે નકારાત્મક અભિગમ અને લાગણીઓ પેદા થયા હોત એનાથી તે મને બચાવવા માગતી હતી. હું મારા પુત્રની નજરમાં તો એક આદર્શ પ્રેમાળ પતિ સાબિત થઈ ગયો હતો...

તમારા જીવનની ઝીણી ઝીણી વિગતો એક સાચા અને સારા સંબંધમાં ખૂબ મહત્વ ધરાવતી હોય છે. મહેલ જેવું ઘર,લખલૂટ પૈસો,ઘરેણાં,ગાડી આ બધાનું એક સાચા અને સારા સંબંધ માટે ઝાઝું મહત્વ નથી હોતું.આ બધી ભૌતિક ચીજવસ્તુઓ કદાચ સુખ માટેનું વાતાવરણ ઉભું કરતી હશે પણ સુખનું સર્જન કરી શક્તી નથી.

આથી તમારા પતિ કે પત્નીના મિત્ર બની રહો અને એકબીજાની ઝીણી ઝીણી વિગતોમાં રસ લો અને પરસ્પર એવી નાનીમોટી વસ્તુઓ કરો જેથી તમારી વચ્ચે નૈકટ્ય વધે.

તમારું લગ્નજીવન ખૂબ સુખી બની રહો….

આ વાર્તા વાંચ્યા બાદ જો તમને એ ગમી હોય તો તેને તમારા મિત્રો-સ્નેહીઓ સાથે વહેંચો. કદાચ તમે કોઈક લગ્નજીવન તૂટતું બચાવવામાં સહભાગી બનશો! જીવનમાં ઘણી નિષ્ફળ વ્યક્તિઓ જ્યારે હિંમત હારી જાય છે ત્યારે તે સફળતાથી માત્ર નજીવી દૂર હોય છે.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment