Sunday, January 30, 2011

તિરાડવાળું માટલું

એક પાણી ઉંચકી લોકોને ત્યાં પહોંચાડવાવાળાની વાત છે. તે રોજ શ્રવણના કાવડ જેવા પોતાના સાધન વડે પોતાના ગ્રાહકોને ત્યાં પાણી પહોંચાડતો.આ સાધન એક લાકડી ધરાવતું હતું જેને બે છેડે પાણી ભરેલા બે ઘડા લટકાડેલા રહેતા.આ સાધનને પોતાના બન્ને ખભા પર ઉંચકી તે માણસ એક પછી એક પોતાના ગ્રાહકોને ત્યાં પાણી પહોંચાડતો.


એક વાર તેના એક માટલામાં તિરાડ પડી.તે બન્ને ઘડા પૂરેપૂરા ભરી ઘેરઘેર ફરતો ત્યારે આ તિરાડવાળું માટલું જલ્દી પૂરું થઈ જતું અને તે છેલ્લા ગ્રાહકના ઘેર પહોંચે ત્યાં સુધી પાણી ખલાસ થઈ જતું.

ઘણાં લાંબા સમય સુધી આ ક્રમ જળવાઈ રહ્યો.ભરે બે પૂરા માટલાં પાણી,પણ ગ્રાહકો સુધી પહોંચે દોઢ માટલાં જેટલું જ પાણી.આખું - તિરાડ વગરનું માટલું ગર્વથી ફુલાતું હતું કારણ તે પૂરેપૂરું પાણી પહોંચાડી શકતું જ્યારે તિરાડવાળા માટલાને પોતાની પૂરેપૂરું પાણી ન પહોંચડવાની નબળાઈને લીધે પોતાની જાત પર શરમ આવતી અને તે દુ:ખી દુ:ખી રહેતું.

અંતે પોતાનાથી વધુ સહન ન થતાં તિરાડવાળા માટલાએ પાણીવાળાને કહ્યું,"મને મારી જાત પર શરમ આવે છે અને હું તારી માફી માગવા ઇચ્છુ છું."

પાણીવાળાએ પૂછ્યું,"શા માટે?તને શેની શરમ આવે છે?"

તિરાડવાળા માટલાએ જવાબ આપ્યો,"છેલ્લા કેટલાંયે સમયથી હું તને મારા પૂરા ભાગમાંથી ફક્ત અડધું જ પાણી પહોંચાડી શકવા બદલ જવાબદાર છું.તું નદીમાંથી પાણી ભરી તારા ગ્રાહકોના ઘર સુધી જાય ત્યારે મારી બાજુનું અડધું પાણી મારામાં પડેલી તિરાડમાંથી ટપકી વહી જાય છે,ઢોળાઈ જાય છે.મારે કારણે તું તારી મહેનતનું પૂર્ણ પરિણામ પામી શક્તો નથી."

પાણીવાળાને તિરાડવાળા માટલાની વાત સાંભળી તેના પર દયા આવી અને તેણે કરૂણા પૂર્વક તેને કહ્યું,"તુ દુ:ખી થઈશ નહિં.તેં તારી બાજુએ પાણી ઢોળાવાને કારણે ઉગેલા સુંદર ફૂલછોડ જોયાં છે?"

અને ખરેખર ફરી એ માર્ગેથી પસાર થતી વખતે તિરાડવાળા માટલાએ નોંધ્યું કે માર્ગની તેની તરફની પૂરી બાજુ સૂરજની રોશનીમાં, મંદ મંદ વાઈ રહેલા પવન સાથે ઝૂલી રહેલાં રંગબેરંગી ફૂલોથી શોભી રહી હતી.આ જોઈ તિરાડવાળા માટલાનું મન હળવું થયું અને તેની વેદનાનો ભાર થોડો ઓછો થયો.પણ યાત્રાને અંતે પોતે ઢોળી નાંખેલા અડધા ભાગનાં પાણીની પ્રતીતિ થતાં તે ફરી દુખી થઈ ગયું.

પાણીવાળાએ કહ્યું,"તે એ જોયું કે સુંદર મજાના ફૂલો ફક્ત મારગની તારી બાજુ એ જ ઉગ્યાં છે? તિરાડ વગરના માટલા તરફની બાજુ જો. એ સાવ કોરી અને પુષ્પરહિત છે. હું તારી નબળાઈ - તારી તિરાડ વિષે જાણતો હતો. મેં જ તારી તરફના માર્ગે એ સુંદર ફૂલોના છોડ ઉગે એ માટે બી વેર્યા હતાં.તેં રોજ એમને પાણી પૂરું પાડ્યું છે.છેલ્લા કેટલાક સમયથી હું રોજ આ ફૂલો ચૂંટી મારા ગ્રાહકોને આપું છું જે તેમના ઘરોને શોભાવે છે અને આથી મારા ગ્રાહકો મારા પર ખૂબ ખુશ છે અને તેઓ મને આ બદલ વધારાના પૈસા પણ ચૂકવે છે જેથી મારી આવકમાં વધારો થયો છે.આ બધા નો શ્રેય તને જાય છે."

આપણાં દરેકમાં કોઈક ને કોઈક ખામી રહેલી છે.આમ આપણે બધાં તિરાડ વાળા માટલા જેવા છીએ.

પણ જો આપણે ચાહીશું તો ઇશ્વર આપણી નબળાઈઓરૂપી પુષ્પોથી પોતાનું ઘર શણગારશે.

ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ જ નકામું જતું નથી.

તમારા દોષો કે નબળાઈઓથી ડરી ન જાઓ. તેમનો સ્વીકાર કરી તેને તમારા સૌંદર્યનું કારણ બનવા દો.

યાદ રાખો આપણી અસમર્થતા કે ખામીમાં જ આપણી તાકાત પણ છૂપાયેલી હોય છે.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment