Saturday, January 1, 2011

ભાઈ બહેનની એક વાર્તા (ભાગ - ૨)

તેને મેં દૂરથી જ ઓળખી કાઢ્યો.એ મારો ભાઈ હતો.તેણે મેલાંઘેલાં કપડા પહેર્યા હતા અને તેનું આખું શરીર માટી તેમજ સિમેન્ટથી રગદોળાયેલું હતું.


મેં તેને પૂછ્યું,"તે કેમ તારી સાચી ઓળખ છૂપાવી ભઈલા?"

તેણે કહ્યું, "મારા દેદાર તો જો બેની.હું એમને કહી દેત કે હું તારો ભાઈ છું તો તેઓ તારા વિષે શું વિચારત?તેઓ તારા પર હસત."

હું ગળગળી થઈ ગઈ અને મારા ગળે ડૂમો બાઝી ગયો. મેં પ્રેમથી તેના શરીર પરની ધૂળ સાફ કરતા મેં કહ્યું,"મને કોઈની પરવા નથી.તું ગમે તેવા વેશ કે સ્થિતીમાં હોય પણ મારો વહાલો ભાઈ છે."

તેણે પોતાના ખિસ્સામાંથી સાચવીને એક બટરફ્લાય હેરક્લિપ કાઢી અને મને એ પહેરાવતા કહ્યુ : "શહેરમાં બધી છોકરીઓ આ પહેરે છે.એટલે હું તારા માટે પણ એક લઈ આવ્યો છું."

હું સ્નેહપૂર્વક તેને ભેટી પડી અને ખૂબ ખૂબ રડી.

એ વર્ષે મારો ભાઈ ૨૦ વર્ષનો હતો અને હું ૨3 વર્ષની.

હું પહેલી વાર મારા બોયફ્રેંડને ઘેર લઈ ગઈ ત્યારે મારા ઘરની બારીનો તૂટે ગયેલો કાચ સંધાઈ ગયો હતો. ઘર એકદમ ચોખ્ખુ ચણાક હતું. મારા બોયફ્રેંડ પર મારી તો સારી છાપ હતી જ, મારા ઘરની પણ ખૂબ સારી છાપ પડી.

તેના ગયા બાદ હું ખુશીથી ઝૂમી-નાચી ઉઠી.

મેં મારી મમ્મીને પણ ઉત્સાહભેર ગોળગોળ ફેરવી નાંખતા, તેનો આભાર માનતા કહ્યું,"મમ્મી તને ઘરની સાફસફાઈ માટે સારી એવી જહેમત ઉઠાવવી પડી હશે નહિં?"

મમ્મીએ જવાબ આપ્યો,"બેટી એનો યશ તો તારે ભાઈને આપવો પડશે. તેણે જલ્દી આવી જઈ ઘરની સાફસફાઈ કરી બારીનો કાચ પણ બદલી નાંખ્યો.એ કરવા જતા જ એના હાથમાં વાગી ગયું અને ઘણું લોહી પણ નીકળ્યું.તે એના આંગળા પર પાટો બાંધેલો ન જોયો?"

હું દોડીને ભાઈના રૂમમાં ગઈ.તે પાટો છોડી ઘા પર મલમ લગાવી રહ્યો હતો.તેના આંગળા પરના જખમ જોઈ મારા હ્રદયમાં શૂળ ભોંકાઈ.

મેં તેના હાથમાંથી મલમ ખેંચી લઈ તેના જખમ પર લગાડતા પૂછ્યું: "દુખે છે?"

તેણે જવાબ આપ્યો,"ના, મને નથી દુખતુ.હું જ્યારે બાંધકામની જગાએ કામ કરતો ત્યારે મારા પગે હાથે સતત કાંકરા વાગતા રહેતા.એ વખતે પણ મને દુખતુ નહોતું અને હું કામ અટક્યા વગર ચાલુ જ રાખતો અને...."

તેનું વાક્ય પૂરું પણ થયું નહોતું અને મારી આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યાં.

ત્યારે મારો ભાઈ ૨૩ વર્ષનો હતો અને હું ૨૬ની.

મારા લગ્ન થયા બાદ મારે શહેરમાં રહેવાનું થયું.મારા પતિએ મારા મમ્મીપપ્પા અને ભાઈને અનેક વાર શહેરમાં આવી રહેવા જણાવ્યું પણ તેઓ એ માટે સંમત થયા નહિં.

તેઓ વિચારતા કે આટલા વર્ષો પહાડ પરના નાનકડા ગામમાં વિતાવ્યા બાદ હવે તેઓ શહેરી જીવનમાં ગોઠવાઈ નહિં શકે.

મારા ભાઈએ કહ્યું,"બહેન, તું તારા સાસુ સસરાની કાળજી રાખ,તેમને સુખ આપ.હું અહિં મમ્મીપપ્પાનું ધ્યાન રાખીશ.”

મારા પતિ એક ફેક્ટરીના ડિરેક્ટર બની ગયા.અમે ઇચ્છતા હતા કે મારો ભાઈ તેમાં મેનેજર તરીકે જોડાય અને દેખરેખનું - વ્યવસ્થાપન વગેરેનું કામકાજ સંભાળી લે.પણ મારા ભાઈએ મેનેજર તરીકે જોડાવાના પ્રસ્તાવને ઠૂકરાવી દીધો અને તે મરામતખાતામાં એક સામાન્ય કામદાર તરીકે જોડાયો.

એક દિવસ મારો ભાઈ સીડી પર ચડી એક વિજળીના તારનું સમારકામ કરી રહ્યો હતો અને અકસ્માતે તેને વિજળીનો જોરદાર આંચકો લાગ્યો.તેને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

હું અને મારા પતિ તરત તેને જોવા હોસ્પિટલ પહોંચી ગયા.તેના હાથેપગે બાંધેલ સફેદ પાટા જોઈ મેં રોતલ સ્વરે તેને પૂછ્યું,"તે મેનેજર તરીકે જોડાવાની શા માટે ના પાડી? એક મેનેજરે આવા જોખમી કામો કરવા પડતા નથી. કેટલો ભયંકર અકસ્માત થયો તારી સાથે. તે શા માટે અમારી વાત ન સાંભળી?"

તેણે ચહેરા પર ગંભીર ભાવ સાથે સ્પષ્ટ કર્યું,"તું મારા જીજાજીનો વિચાર કર બેની.તેઓ હમણાં જ ડિરેક્ટર બન્યા છે અને હું રહ્યો શાળા સુધીનું જ શિક્ષણ પામેલો ગામડે રહેતો માણસ.જો હું સીધો મેનેજર તરીકે જોડાત તો કેવી અફવાઓ ફેલાત?"

મારા પતિની આંખો આ સાંભળી ભીની બની.

મેં કહ્યું,"પણ તું ઉચ્ચ અભ્યાસથી વંચિત રહ્યો પણ મારે લીધે."

"વિતી ગયેલા સમયની વાત શીદને કરવી?" મારા ભાઈએ મારો હાથ દાબતા કહ્યું.

એ વર્ષે મારો ભાઈ ૨૬ વર્ષનો હતો અને હું ૨૯ વર્ષની.

૩૦ વર્ષની વયે મારા ભાઈના લગ્ન ગામની એક સીધી સાદી ખેડૂત કન્યા સાથે થયા.લગ્ન સમયે પંડિતજીએ તેને પૂછ્યું, "તમે તમારા જીવનમાં કોને સૌથી વધુ માન આપો છો અને ચાહો છો?"

મારા ભાઈએ એક ક્ષણનોયે વિચાર કર્યા વિના જવાબ આપ્યો: "મારી બહેનને"

અને પછી તેણે એક એવી વાત કરી જે મને બરાબર યાદ પણ નહોતી.

"જ્યારે હું પ્રાથમિક શાળામાં હતો ત્યારે અમારી શાળા ઘરથી ખૂબ દૂર હતી.દરરોજ હું અને મારી બેન બે કલાક ચાલીને શાળાએ જતા અને પાછું એટલું જ ચાલી ઘેર આવતા.કાતિલ ઠંડી ના દિવસોમાં અમારે ફરજિયાત હાથે પગે મોજા પહેરવા પડતા.એક દિવસ મારાથી મારું હાથનું એક મોજુ ખોવાઈ ગયું.મારી બેને પળવાર માટે પણ વિચાર કર્યા વગર મને પોતાનું એક મોજુ આપી દીધું.તેણે ફક્ત એક જ મોજુ પહેરી કેટલાયે દિવસો સુધી ચલાવ્યું.એક દિવસ તો ઠંડી એટલી વધુ હતી કે મારી બેનનો એક હાથ મોજા વગર જાણે સુન્ન બની ગયો અને તે એટલો ધ્રૂજતો હતો કે મારી બેન તે હાથે કંઈ વસ્તુ પણ ઉપાડી શકતી નહોતી. આ દ્રશ્ય જોઈ, એ દિવસથી જ મેં નિર્ધાર કર્યો કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી મારી બેનનું ધ્યાન રાખીશ અને તેને કોઈ વાતનું દુખ નહિં પડવા દઉં."

લગ્નનો સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યો.હાજર એવા બધા મહેમાનોનું ધ્યાન મારા પર ગયું.

હું તો સ્તબ્ધ થઈ ગઈ અને મારા મોઢામાંથી શબ્દો જ નિકળતા નહોતા.મેં ગળુ ખંખેર્યું અને કહ્યું,"મારા આખા જીવનમાં મારે જો કોઈ એક વ્યક્તિનો આભાર માનવાનો હોય તો તે મારો ભાઈ છે."
અને આ શુભ પ્રસંગે બધા અતિથીઓની હાજરીમાં મારી આંખોમાંથી અશ્રુઓની પવિત્ર ધારા વહી રહી, ફરી એક વાર.


તમે જેને પ્રેમ કરતા હોવ અને જેની પરવા કરતા હોવ તેને તમારા જીવનના એકે એક દિવસ ભરપૂર પ્રેમ આપો.તમે તેમના માટે નાનું એવું કંઈક કરશો એ પણ તેમના માટે તો ખૂબ મહત્વનું અને વિશિષ્ટ બની રહેશે.


તમારો દિવસ અને આખું વર્ષ સારા જાય એવી શુભેચ્છા!

આ વાર્તામાંથી જરા સરખી પણ પ્રેરણા મળી હોય કે એ તમને થોડી ઘણી પણ સ્પર્શી હોય તો તે તમારા પ્રિયજનોને વંચાવો.

(સંપૂર્ણ)

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment