Friday, January 21, 2011

પઠાણની રમૂજી વાર્તા

એક દિવસ એક બસ ડ્રાઈવર પોતાના નિત્યક્રમ મુજબ બસડેપોમાં આવ્યો અને ત્યાંથી તેણે પોતાની બસ નિયત સમયે ઉપાડી.થોડા ઘણાં સ્ટોપ્સ સુધી કેટલાક મુસાફરો ચઢ્યા અને કેટલાક ઉતર્યા.


પણ થોડા આગળ ગયા બાદ એક ચોક્કસ સ્ટોપ પર એક ઉંચો કદાવર પઠાણ આ બસમાં ચઢ્યો.તેની ઉંચાઈ છ ફૂટ ચાર ઇંચ જેટલી હશે અને શરીરનો બાંધો કોઈક મોટા પહેલવાનનો જ જોઈ લ્યો!તેણે બસમાં પ્રવેશી કંડક્ટર સામે ગુસ્સાભેર ત્રાડ પાડી કહ્યું,"પઠાણ ટિકિટ લેતો નથી..." અને તે પાછળની ખાલી બેઠક્ક પર જઈ બેસી ગયો.

કંડક્ટરે પઠાણ સાથે બોલાચાલી કરી નહિં પણ તેને પઠાણનું વર્તન જરા પણ ગમ્યું નહિં.બીજા દિવસે પણ આમ જ બન્યું.પઠાણ બસમાં ચડ્યો.તેણે રોફ બતાડી,પોતાના અંગબળનું પ્રદર્શન કર્યું,"પઠાણ ટિકિટ લેતો નથી..." એમ બોલી પાછળની ખાલી બેઠક પર આસન જમાવ્યું.અને ઘણાં દિવસો સુધી આ જ ઘટનાનું પુનરાવર્તન થયું.

હવે આ બસડ્રાઈવરથી સહન થયું નહિં.,બિચારા કંડક્ટરની આ દશા બસડ્રાઈવરથી જોવાઈ નહિં..તેણે થોડાં દિવસ તો ગમ ખાધો પણ પછી પઠાણને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.હવે કદાવર પઠાણને પહોંચવું કઈ રીતે?બસડ્રાઈવરે જુડો-કરાટે-ફુંગફુ જેવા મારધાડની કળા શિખી લીધી અને દિવસ રાત મહેનત-કસરત કરી પઠાણ જેવું જ શરીર બનાવી લીધું.

બસડ્રાઈવર પોતાની આ સિદ્ધીથી ખૂબ ખુશ થયો અને હવે બીજા દિવસે તેણે પઠાણને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.

પઠાણ તેના રોજના ક્રમ મુજબ આવ્યો અને બોલ્યો "પઠાણ ટિકિટ લેતો નથી..."

બસડ્રાઈવર જાણે આ જ ઘડીની રાહ જોતો હોય તેમ પોતાની બેઠક પરથી કૂદ્યો અને પઠાણની બોચી પકડી તેણે પૂછ્યું,"અને પઠાણ શા માટે ટિકીટ લેતો નથી?"

છોભીલા પડી જતાં, પઠાણે કહ્યું," કારણકે પઠાણ પાસે બસનો પાસ છે..!!!"

વાર્તાનો સાર : આ વાર્તા પરથી મેનેજમેન્ટનો એ પાઠ શીખવા મળે છે કે કોઈ પણ મુશ્કેલી કે સમસ્યાને દૂર કરવા ખૂબ મહેનત કરતા પહેલા ચકાસી લો કે તે મુશ્કેલી કે સમસ્યા ખરેખર અસ્તિત્વમાં છે કે નહિં!

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment