Saturday, December 25, 2010

ભાઈ બહેનની એક વાર્તા (ભાગ - ૧)

હું મારા ભાઈ માટે ૬ વાર રડી છું.


મારો જન્મ કોઈક પહાડ પર આવેલા નાના અને દૂરના એવા એક ગામમાં થયો હતો.મારા માતાપિતાને જીવનનિર્વાહ ચલાવવા ધોમધખતા તડકામાં ત્યાંની પીળી સૂક્કી માટી વાળા ખેતર ખેડી સખત પરિશ્રમ કરવો પડતો હતો.

મારે મારાથી ત્રણ વર્ષ નાનો એક ભાઈ હતો.એક વાર મારી બધી સહેલીઓ પાસે હતો એવો એક હાથરૂમાલ ખરીદવા મેં મારા પિતાના કબાટમાંથી પાંચ રૂપિયા ચોરી લીધા.મારા પિતાને ચોરીની તરત ખબર પડી ગઈ.

હું શોકથી દિગ્મૂઢ થઈ ગઈ અને કંઈ બોલી શકી નહિં.અમારા બન્ને માંથી કોઈએ કબૂલ ન કર્યું એટલે મારા પિતાએ કહ્યું કોઈ પોતાનો ગુનો કબૂલ કરી રહ્યું ન હોવાથી મારે બન્નેને મેથીપાક ચખાડવો પડશે.

તેમણે સોટી મને મારવા માટે હવામાં ઉગામી ત્યાં જ મારા નાના ભાઈએ પિતાનો હાથ પકડી લીધો અને કહ્યું કે તે પૈસા તેણે ચોર્યા હતા.પિતા એટલા બધા ગુસ્સામાં હતા કે તેમણે એકી શ્વાસે મારા ભાઈની પીઠ પર ઉપરાઉપરી સોટીના ઘા માર્યે રાખ્યા. મારા ભાઈની નાનકડી નાજુક પીઠ એ દિવસે સોટીના સોળથી ભરાઈ લાલઘૂમ થઈ ગઈ.

ત્યારબાદ મારા પિતા અમારા પલંગમાં બેસી પડ્યા અને મારા ભાઈને ધમકાવતા બોલ્યા "તે આજે તારા પોતાના ઘરમાં ચોરી કરી છે.ભગવાન જાણે ભવિષ્યમાં કયા આનાથીય વધુ ખરાબ કામ કરી અમને શરમજનક સ્થિતીમાં મૂકીશ?"

તે રાતે હું અને મારી માતા મારા ભાઈને વળગી પડ્યા.તેનું આખું શરીર જખમોથી ભરાયેલું હતું પણ તે જરા પણ રડ્યો નહોતો.

અચાનક મધરાતે મારું હૈયું ભરાઈ આવતા મેં મોટેથી પોક મૂકી રડવા માંડ્યું.

મારા ભાઈએ તેના નાનકડા હાથો વડે મારા આંસુ લૂછતા કહ્યું:"બહેન હવે રડો નહિં.જે થવાનું હતું એ થઈ ગયું.

આ વાત ને વર્ષો વિતી ગયા,પણ એ પ્રસંગ મારી સ્મૃતિમાં હજી તાજો છે.

મારું રક્ષણ કરી, એ રાતે મને સાંત્વન આપતી વેળાએ મારા ભાઈના મુખ પર જે ભાવ હતાં એ મને હજુ યાદ છે.

આ ઘટના વખતે હું ૧૧ વર્ષની હતી અને મારો ભાઈ ૮ વર્ષનો.

હવે અમારી શાળા નાની હોવાથી તેમાં કેટલાક ધોરણ સુધીના જ વર્ગો હતાં.મારે યુનિવર્સિટીમાં જવાનો વખત આવ્યો જ્યાં ફી ઘણી વધારે હતી.અમારા બન્નેનાં પરિણામ ખૂબ સારા આવ્યા હતાં.એ રાતે અમે બન્ને પપ્પાને બીડી પર બીડી ફૂંકતા જોઈ રહ્યા.માની આંખોમાં આંસુ હતાં. તે કહી રહી હતી, "ભણવામાં તો બન્ને અવ્વલ છે પણ આપણે બન્નેની ફી કેવી રીતે ભરી શકીશું? "

ત્યારે મારો ભાઈ પપ્પા સામે જઈ ઉભો રહ્યો અને તેણે કહ્યું,"પપ્પા મારું ભણવાનું બહુ થઈ ગયું. મને હવે ભણવામાં રસ રહ્યો નથી. થોથા ઉથલાવવામાં હવે મને કંટાળો આવે છે."

પપ્પાએ મારા ભાઈના ગાલ પર સણસણતો તમાચો ચોડી દેતા કહ્યું,"તને શરમ નથી આવતી આવી વાત કરતા?મારે ભીખ માગીને પણ તમને બન્નેને ભણાવવા પડશે તો એ હું કરીશ."

અને પછી તો પપ્પા આખા ગામમાં એકે એક ઘર ફરી વળ્યા,અમારી ફીના પૈસા ઉધાર માગવા માટે.

મેં પ્રેમ અને કરુણા પૂર્વક મારો હાથ ભાઈના સૂજી ગયેલા ગાલ પર ફેરવતા કહ્યું,"છોકરાએ તો ભણવું જ પડે.ભણીગણીને જ એ પોતાના કુટુંબને ગરીબાઈની ખાઈમાંથી બહાર ખેંચી શકે."

મેં નક્કી કરી લીધેલું કે હું ભણવાનો ત્યાગ કરીશ પણ બીજે દિવસે સવારે અમે જાગ્યા એ પહેલા જ મારો ભાઈ પહેર્યા કપડે ઘર છોડીને ચાલ્યો ગયો હતો મારા ઓશીકા પાસે એક પત્ર મૂકી ને જેમાં લખ્યું હતું "બહેન તને યુનિવર્સિટીમાં ભણવા જવાની જે તક પ્રાપ્ત થઈ છે તે બધાના નસીબમાં નથી હોતી.તેનો સદુપયોગ કરી ખૂબ અભ્યાસ કરજે અને આગળ વધજે.મારી ચિંતા તમે ન કરતા.હું નોકરી શોધી કાઢીશ અને તમને પૈસા મોકલતો રહીશ."

આ પત્ર વાંચી હું ચોધાર આંસુએ, મારો અવાજ બેસી ગયો ત્યાં સુધી રડી.

એ વર્ષે મારો ભાઈ ૧૭ વર્ષનો હતો અને હું ૨૦ વર્ષની.

મારા પપ્પાએ આખા ગામમાંથી ઉઘરાવેલા અને ભાઈએ દૂરના નાનકડા શહેરમાં પોતાની પીઠ પર સિમેન્ટની ગુણીઓ ઉંચકી કમાઈને જમા કરી અમને મોકલાવેલ પૈસાથી હું યુનિવર્સિટીના ત્રીજા વર્ષ સુધી પહોંચી.

એક દિવસ હું મારા હોસ્ટેલ રૂમમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે મારી એક સખીએ આવીને મને જણાવ્યું કે કોઈ લઘરવઘર ગામડિયો મને મળવા આવ્યો છે અને હોસ્ટેલ બહાર મારી રાહ જુએ છે.

મને નવાઈ લાગી કે મને ગામડેથી કોણ મળવા આવ્યું હશે?

(ક્રમશ:)

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment