Sunday, July 25, 2010

સ્વાદિષ્ટ વાનગી અને મોટામાં મોટો વિરોધાભાસનો કેસ

એક કપ નમ્રતા


અડધો કપ ધીરજ

પા કપ ક્ષમા

બે કપ સમજણ

એક કપ પ્રોત્સાહન

બે ચમચી નિસ્વાર્થપણું ભેગા કરી

તેમને ખૂબ બધા વખાણમાં મિશ્ર કરી હલાવો

અને તેમાં ચપટી ચતુરાઈ અને રમૂજ ભભરાવો.

હવે આ મિશ્રણમાં શ્રદ્ધા અને વિશ્વાસરૂપી કાઢો ઉમેરો

અને તેને ૨૪ X ૭ ના પાત્રમાં મૂકી ૩૬૫ ના તાપે રાંધો

અને તૈયાર થયેલ સ્વાદિષ્ટ વાનગી-થાળનો આસ્વાદ જીવનભર માણતા રહો

અને તમારા સગાસ્નેહી સૌ કોઈને પ્રેમપૂર્વક સ્મિતસહિત પીરસતા રહો..!



* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

સૈકાઓ પહેલાંની વાત છે.એક કાયદાશાસ્ત્રના નિષ્ણાત પાસે એક ગરીબ, પણ ભણીને કાયદાશાસ્ત્રનું જ્ઞાન લેવા ઉત્સુક એવો વિદ્યાર્થી આવી ચડ્યો.

વિદ્યાર્થીએ શિક્ષકને, તે જે દિવસે કોર્ટમાં પોતાનો પહેલો કેસ જીતી જશે એ દિવસે તેમની ફીના પૈસા ચૂકવી દેશે એવી બાંહેધરી આપી, પોતાને કાયદાશાસ્ત્રનું શિક્ષણ આપવા મનાવી લીધા. શિક્ષકેતો પેલા જિજ્ઞાસુ વિદ્યાર્થીને ભણાવવાનું શરૂ કરી દીધું.

વિદ્યાભ્યાસ પૂર્ણ થયા બાદ શિક્ષકે પોતાની ફી યાદ દેવડાવી. વિદ્યાર્થીએ પોતે હજી પહેલો કેસ જીત્યો નથી એવું બહાનુ બતાવી વાત ટાળ્યા કરી.આમ ઘણાં દિવસો પસાર થઈ ગયા. આખરે લાંબો સમય નિકળી જતાં,શિક્ષકે વિદ્યાર્થી પર કેસ કરી આ બાબત અંગે કોર્ટમાં લડી લેવાનો નિર્ણય કર્યો. બંને જણ પોતપોતાનો કેસ જાતે લડી રહ્યા હતા. શિક્ષકે એવી દલીલ કરી કે જો એ આ કેસ જીતે તો કોર્ટના ફરમાન મુજબ હારી ગયેલા વિદ્યાર્થીએ તેની ફીના પૈસા ચૂકવવા પડશે અને જો એ હારી જાય તો વિદ્યાર્થીએ પોતાની શરત મુજબ તેનો પહેલો કેસ જીતી ગયા બાદ ફી ચૂકવીને તેની શરત પૂરી કરવી પડશે.આમ બંને સંજોગોમાં તેને તેના પૈસા મળી જશે.

વિદ્યાર્થી પણ જરાય પાછો પડે એવો નહોતો.આખરે પોતે એ શિક્ષક્નો જ વિદ્યાર્થી હતો ને! તેણે બુદ્ધિમત્તાપૂર્વક સામી દલીલ કરી : "જો હું આ કેસ જીતી જાઉં તો કોર્ટ મારી તરફેણમાં ચુકાદો આપશે જે મુજબ મારે શિક્ષકને કંઈ જ આપવાનું રહેશે નહિં અને જો હું મારો આ પહેલો કેસ હારી જઈશ તો મારી શરત મુજબ મારે શિક્ષકને કંઈ ચૂકવવાનું રહેશે નહિં..!"

આ કેસ આજ સુધીમાં નોંધાયેલ મોટામાં મોટો વિરોધાભાસનો કેસ છે.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment