Tuesday, July 20, 2010

સાવધ રહેતા શીખો

એક શિકારી પાસે એક વિશેષ ખાસિયત ધરાવતો કૂતરો હતો.તે પાણી પર ચાલી શકતો હતો.એક દિવસ શિકારીએ પોતાના આ ખાસ કૂતરા અને તેના કૌશલ્યનું પ્રદર્શન કરવા એક મિત્રને પોતાના ઘેર આવવા આમંત્રણ આપ્યું.મિત્ર આવ્યો એટલે તેઓ બંને જંગલમાં ગયા અને તેમણે કેટલાક પંખીઓનો શિકાર એ રીતે કર્યો કે ઉડતા પંખી તેમના તીરથી વિંધાઈ નદીમાં પડી ગયા.તરત શિકારીએ પોતાના કૂતરાને નદીના પાણી પર દોડી જઈ એ પંખીઓના શરીર લઈ આવવા આદેશ આપ્યો.કૂતરાએ તેમ કરી બતાવ્યું.




શિકારીના મનમાં હતું કે તેનો મિત્ર કૂતરાના આ અદભૂત પરાક્રમ અને કૌશલ્ય બદલ પ્રશંસાના પુલ બાંધશે પણ એમ ન બન્યું. તેના મિત્રે કોઈ પ્રતિભાવ જ ન આપ્યો.આખરે ન રહેવાતા શિકારીએ જાતે તેના મિત્રને પૂછ્યું,"તે મારા કૂતરાની અસાધારણ સિદ્ધીની નોંધ લીધી કે નહિં?"પેલા એ ઉડતો જવાબ આપ્યો,"અસાધારણ? ના રે! ઉલટું મેં નોંધ્યું કે તારો કૂતરો ભલે પાણી પર દોડતો હશે પણ તેને પાણીમાં તરતા આવડતું લાગતું નથી."



આપણે જેમના સંપર્કમાં આવીએ છીએ તેમાંના ૯૦ ટકા લોકો નકારાત્મક અભિગમ ધરાવનારા હોય છે.મેંદુવડાના સરસ સ્વાદને ધ્યાનમાં ન લેતા આવા લોકો તેના કાણા પર વધુ ધ્યાન આપે છે.આવા લોકો પાસેથી પ્રેરણા, પ્રશંસા કે પ્રોત્સાહનની અપેક્ષા ન રાખશો.તેઓ તમને તમે કોઈ વિકટ પરિસ્થિતીમાં ફસાયા હશો તો તેમાંથી બહાર કાઢી શકશે નહિં.ઉલટું એ તમને એ વિકટ પરિસ્થિતીમાં વધુ ઉંડા ખૂંપવશે.આથી આવા લોકોથી સાવધ રહેતા શીખો,તેમની સાથે વધુ સમય ન વિતાવો અને તેમને તમારા સપના વિખેરી નાંખવાનો મોકો ન આપશો.
 
('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment