Thursday, July 1, 2010

ભગવાન અને એક પ્યાલું દૂધ

આ વાર્તા વાંચી,જો તમે શ્રદ્ધાળુ હશો તો તમને એક અનેરા રોમાંચની લાગણીનો અનુભવ થશે અને તમે બોલી ઉઠશો આપણો ભગવાન ખરેખર ગજબનો છે!

એક શ્રદ્ધાળુ યુવક કોઈક મહાત્માનું પ્રવચન સાંભળી પાછો પોતાને ઘેર જઈ રહ્યો હતો.માર્ગમાં તે મહાત્માએ કરેલા પ્રવચનનો સાર પોતાનાં મિત્રો સાથે ચર્ચી રહ્યો હતો.મહાત્મા એ કહ્યું હતું તમે ભગવાનનો અવાજ સાંભળો અને તેને અનુસરો.યુવકે તેના મિત્રો સમક્ષ પોતાની શંકા વ્યક્ત કરી શું આજના યુગમાંયે ઇશ્વર મનુષ્ય સાથે વાત કરતો હશે?
તેઓ એક ધાબામાં વાળુ કરવા ગયા અને ત્યાં તેના મિત્રોએ પોતપોતાના અનુભવોની અને કઈ રીતે ભગવાને તેમને સાચો માર્ગ સૂઝાડી તેમની મદદ કરી હતી તે વિષે ચર્ચા કરી. રાતે દસેક વાગે તેઓ છૂટા પડ્યા અને યુવકે ગાડી પોતાના ઘર તરફ હંકારી.રસ્તામાં તેણે મનોમન પ્રાર્થના કરી,"હે ભગવાન,જો તું ખરેખર લોકો સાથે વાત કરતો હોય તો આજે મારી સાથે પણ વાત કર.હું તને સાંભળીશ અને તું જે કરવા કહીશ તે હું કરીશ. "
જેવો તે થોડે દૂર પહોંચ્યો ત્યાં તેને એક વિચિત્ર સ્ફૂરણા થઈ અને તે ગાડી અટકાવી પોતાને થયેલા આદેશાનુસાર એક પ્યાલુ દૂધ ખરીદવા ઉતરી પડ્યો. તે હજી અવઢવમાં હતો શું આ ખરેખર ઇશ્વરનો સંદેશ હતો જેને અનુસરી તે દૂધ વેચાતું લેવા આમ અચાનક રસ્તા પર પોતાની ગાડી બાજુએ મૂકી ઉતરી પડ્યો હતો?
તેણે વિચાર્યું જો એમ ન પણ હોય તો લીધેલું દૂધ કંઈ નકામું તો જવાનું નથી. એ દૂધ તે ઘેર લઈ જશે અને માને આપી દેશે.આમ વિચારતો હતો ત્યાં જ સામે દૂધની દુકાન દેખાઈ.તેણે એક પાવલુ દૂધ ખરીદ્યુ અને ગાડીમાં બેસી તે થોડો આગળ વધ્યો. જેવો તે થોડો વધુ આગળ ગયો ત્યાં સાતમી ગલી પાસે ફરી તેને એવી અદમ્ય ઇચ્છા થઈ આવી કે તેણે ડાબી તરફ આગળ વધવું જોઇએ.તેના ઘરનો રસ્તો જમણી તરફ હતો.આમ છતાં તેને ડાબી બાજુ જવાનો વિચાર આવ્યો એ વાતનું આશ્ચર્ય તો તેને હતું જ પણ ડાબી બાજુ જવાની ઇચ્છા એટલી પ્રબળ હતી કે તેણે ગાડી એ બાજુ હંકારી. તેને પોતાને પોતાના આ વર્તનથી નવાઈ લાગી રહી હતી.તેણે કહ્યું,"ભગવાન આ પણ તારો જ સંકેત લાગે છે.આજે હું તારી દરેક વાત સાંભળી તને અનુસરવાનો છું."
થોડે આગળ વધ્યા બાદ એક ચોક્કસ જગાએ તેને એવી લાગણી થઈ કે હવે તેણે અટકી જવું જોઇએ.તેણે ગાડી થોભાવી અને આજુબાજુ નજર ફેરવી. સોપો પડી ગયો હતો અને કોઈ કહેતા કોઈ નજરે ચડતુ નહોતું.બધા ઘરોમાં બંધ થઈ સૂઈ ગયા હશે એમ તેને લાગ્યું. ત્યાં તેનું ધ્યાન ગાડી ઉભી રાખી હતી તેની બરાબર સામે એક ઘર પર ગયું અને તેને જાણે એવો આદેશ મળ્યો કે તેણે એ ઘરમાં જઈ દૂધ આપી દેવું જોઇએ.તેણે વિચાર્યું:"આ ઘરમાં કોણ કોણ હશે? તેઓ સુઈ ગયા હશે અને હું અડધી રાતે તેમનું બારણું ખખડાવીશ અને તેમને દૂધ આપીશ તો હું ગાંડામાં જ ખપીશ." પણ પાછો તરત તેને બીજો વિચાર આવ્યો કે આ તો ભગવાનનો આદેશ હતો. એ કઈ રીતે ખોટો હોઈ જ શકે?ભલે પછી હું ગાંડામાં ખપુ.પ્રભુની જો એવી જ ઇચ્છા હોય તો એમ ખરું.
તેણે ગાડીમાંથી બહાર આવી તે ઘરનું બારણું ખખડાવ્યું. તેને ઘરની અંદર ગણગણાટ સંભળાયો.
એક પુરુષે અંદરથી બૂમ પાડી,"કોણ છે?શું જોઇએ છે?" અને તરત બારણું ઉઘડ્યું.પેલો પુરુષ ઉંઘમાંથી ઉઠીને આવ્યો હોય તેવો લઘરવઘર દેખાતો હતો અને તેના ચહેરા પર વિચિત્ર હાવભાવ ઉપસી આવ્યા હતાં.એક અજાણ્યા માણસને અડધી રાતે પોતાને બારણે ઉભેલો જોઈ તેને ખુશી થઈ હોય તેવું જણાતુ નહોતું. તે વધુ કંઈ બોલે એ પહેલા યુવકે દૂધ ભરેલું પ્યાલુ તે પુરુષ સમક્ષ ધરી કહ્યું "આ દૂધ તમારા માટે."
પેલા પુરુષે તરત દૂધનું પ્યાલુ લઈ લીધું અને તે મોટેથી કંઈક બબડતો ઘરની અંદર દોડી ગયો. યુવકે નોંધ્યુ કે ઘરમાં એક સ્ત્રી અને રડી રહેલું એક બાળક પણ હતાં.થોડી જ વારમાં બાળકના રડવાનો અવાજ બંધ થઈ ગયો હતો અને પેલો પુરુષ તેની પત્નિ સાથે બહાર આવ્યો.તેની આંખોમાં આંસુ હતાં.તે બોલ્યો,"અમે ભગવાનને પ્રાર્થના જ કરતા હતાં.મસમોટા બિલ ભરવાને કારણે આ મહિને મારી પાસે બિલકુલ પૈસા બચ્યા નહોતા અને બે દિવસથી તો પરિસ્થિતી એટલી વણસી ચૂકી હતી કે મારી પાસે મારા બાળક્ને પીવડાવવાના દૂધના પણ પૈસા નહોતા.
હવે પેલા પુરુષની પત્નિ રડતા રડતા બોલી, "મેં થોડી ક્ષણો પહેલાં જ ભગવાનને કહ્યું કે મારા આંગણે કોઈ દેવદૂત મોકલી આપો જે મારા બાળક માટે દૂધ લઈ આવ્યો હોય.શું સાચે જ તમે દેવદૂત છો?"
યુવકે તરત પોતાના ખિસ્સામાં હાથ નાંખી જેટલા પૈસા હાથમાં આવ્યા તે બધાં પેલા પુરુષના હાથમાં મૂકી દીધા અને તે પોતાની ગાડી તરફ દોડ્યો અને ગળગળો થઈ ચોધાર આંસુએ રડી પડ્યો.તેને ખાતરી થઈ ચૂકી હતી કે ભગવાન હજી તમારી સાથે વાતચીત કરે છે, તમારી પ્રાર્થના સાંભળે છે.

ભગવાનને કહેવાનું બંધ કરો કે તમારી આફતો કેવડી મોટી છે,બલ્કે આફતોનો સામનો કરતાં, તેમને જણાવો કે તમારો ભગવાન કેટલો મોટો છે.

No comments:

Post a Comment