Sunday, May 23, 2010

પ્રોફેશનાલિઝમ અને જાપાન (ભાગ - ૨)

[ગયા અઠવાડિયે સુબ્રોતો બાગ્ચીના પુસ્તક 'ધ પ્રોફેશનલ' માંથી જાપાન અને તેના પ્રોફેશનાલિઝમના લેખકને થયેલા બે અનુભવો વિશે આપણે વાંચ્યું. આજ પુસ્તકમાંથી, જાપાન અને ત્યાંના પ્રોફેશનાલિઝમ વિષે હજી થોડા વધુ વિચારો આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ.]

મારી જાપાનની મુલાકાત બાદ થોડા વર્ષો પછી હું એક વાર નારાયણ મૂર્તિને મળ્યો અને તેમની સાથે હું જાપાનીઓના પ્રોફેશનાલિઝમ વિષે ચર્ચા કરી રહ્યો હતો.મૂર્તિ સાહેબ પાસે પણ તેમના જાપાનના અનુભવનો એક કિસ્સો હતો જે તેમણે મારી સાથે શેર કર્યો.તેઓ એક વાર જાપાનના ગિંઝા નામના શહેરમાં દસ માળના મોલમાં માત્સુઝકાયા નામના ડિપાર્ટમેન્ટલ સ્ટોર જોવા ગયા હતા.તેઓ જાપાનમાં જે મિત્રને ત્યાં ઉતર્યા હતા તે તેમને આ સ્ટોર બતાવવા લઈ આવ્યો હતો.જેવા તેઓ બન્ને લિફ્ટમાંથી ઉતર્યા કે માત્સુઝકાયા સ્ટોરની પરંપરા મુજબ એક જાપાનીઝ યુવતિએ તેમને પોતાના સ્ટોરમાં અંદર આવવા આમંત્રણ આપ્યું.મૂર્તિએ ઉતાવળમાં અંગ્રેજીમાં બોલી નાંખ્યું કે આ તેના માટે એક અતિ કંટાળાજનક નોકરી સાબિત થતી હશે.યુવતિને અંગ્રેજી આવડતું નહોતું પણ તેણે આ વાતનું ભાષાંતર મૂર્તિના મિત્ર પાસેથી ધ્યાનપૂર્વક સાંભળ્યું.
યુવતિએ પ્રતિક્રિયામાં સ્મિત આપતા, જાપાનીઝ પરંપરા મુજબ ઝૂકીને જાપાનીઝ ભાષામાં જવાબ આપ્યો જેનું ભાષાંતર મૂર્તિના મિત્રએ ફરજ્પૂર્વક મૂર્તિને કરી સંભળાવ્યું. તે બોલી હતી : મારી કંપની મને અમારા ગ્રાહકોને સત્કારવા માટે, તેમને સારું લાગે એવું વર્તન કરવાનો પગાર આપે છે.હું મારી આ જવાબદારી ખૂબ મહેનત અને નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પ્રયત્ન કરું છું.અને મને તેનો ગર્વ છે. મૂર્તિ આ સાંભળી અતિ છોભીલા પડી ગયા અને તેમણે પોતાની એ ટિપ્પણીને મૂર્ખતાભરી,વિચાર વગરની ગણાવી અતિ ક્ષોભ અનુભવ્યો.

* * * * * * * * * * * * * * * * * * * * *

એક જાપાનીઝ રાહદારી એક જાપાનીઝ સાધુને બગીચામાં કંઈક કામ કરતો જોઈ ઉભો રહી ગયો.સવારનો એ સાધુ બગીચામાંથી સૂકા તણખલાં અને નકામા સળી-કચરો વગેરે એક પછી એક ઉપાડી બાજુ પર ટોપલીમાં નાખતો હતો.પેલા રાહદારીએ ઘણાં સમય સુધી નિરીક્ષણ કર્યા બાદ અંતે પૂછ્યું ,'હે મહાત્મા, તમે આ કામ ક્યાં સુધી કર્યા કરશો?'
સાધુએ ઉંચુ જોયા વગર જવાબ આપ્યો,'જ્યાં સુધી આખો આ બાગ કચરા રહિત સંપૂર્ણ સ્વચ્છ ન થઈ જાય ત્યાં સુધી.'
જાપાનીઓ માટે કામ એક જીવંત અનુભવ છે. તેઓ સદાયે વિચારે છે પોતાનાની આસપાસના લોકોનું જીવન,આસપાસની પરિસ્થિતી કઈ રીતે સારામાં સારાં બનાવી શકાય?
મને વિચાર આવે છે : મનુષ્યનો એક સાચા અને સારા પ્રોફેશનલ બનવાનો પ્રયત્ન ક્યાં સુધી ટકી શકે? જવાબ છે: જ્યાં સુધી કામના બગીચામાંથી, બગીચો લીલોછમ અને જીવંત હોય અને એક પણ સુકું તણખલું કે કચરો તેમાં બચવા ન પામે ત્યાં સુધી ઝઝૂમતા રહીને માણસ સાચો અને સારો પ્રોફેશનલ બની શકે.

No comments:

Post a Comment