Sunday, May 23, 2010

પ્રોફેશનાલિઝમ અને જાપાન

મડદાં દાટનાર એક સાચા પ્રોફેશનલ - મહાદેવની વાત આપણે ઇન્ટરનેટ કોર્નરમાં થોડા સમય અગાઉ વાંચેલી.સુબ્રોતો બાગ્ચી નામના ભારતના એક નાનકડા ગામડાંથી જીવનની શરૂઆત કરી કોર્પોરેટ વર્લ્ડના શિખર પોતાની કંપની 'માઈન્ડ ટ્રી' દ્વારા સર કરનાર મહાન વ્યક્તિની ગાથા પણ ઘણા સમય અગાઉ આપણે ઇન્ટરનેટ કોર્નરમાં સમાવી હતી.એ મહાનુભાવ શ્રી બાગ્ચીના પુસ્તક 'ધ પ્રોફેશનલ'માંથી જ 'મહાદેવ - એક સાચા પ્રોફેશનલ'ની પ્રેરણાત્મક વાત લેવામાં આવી હતી.એ જ પુસ્તકમાંથી બીજા કેટલાક અંશો આજે અને આવતા અઠવાડિયે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીશું.

જે દેશોની તેમના પ્રોફેશનાલિઝમ માટે હું ભારોભાર પ્રશંસા કરું છું તેમાંનો એક દેશ છે જાપાન.મેં જાપાનની યાત્રા ઘણી વાર કરી છે પણ હું જાપાનીઝ લોકોના ખૂબ નજીકથી પરિચયમાં આવ્યો ૧૯૯૬ની મારી ત્યાં TQM (Total Quality Management) ની ટ્રેઇનિંગ દરમ્યાન.આજે જાપાન જે કંઈ પણ છે તે એ કોર્પોરેશન્સ ને કારણે જે જાપાનીઝ લોકો એ સર્જ્યા છે અને તેમની પાછળ હાથ છે એ દરેક લોકોનો જેમણે આ સંસ્થાઓ બનાવી છે. મને જાપાનના પ્રોફેશનાલિઝમનો અનુભવ પહેલીજ વાર મેં જ્યારે જાપાનની મુલાકાત લીધી હતી ત્યારે થયેલો.

મારી હોટલ સુધી મને લઈ જનાર ટેક્સી ડ્રાઈવર એ હોટલ સુધીનો રસ્તો જાણતો નહોતો (એ દિવસોમાં હજી કારોમાં આજકાલ જોવા મળતી નેવિગેશન સિસ્ટમ્સ શોધાઈ નહોતી.) તે મારી હોટલ જે રસ્તા પર હતી ત્યાં સુધી પહોંચી જ ગયો હતો છતાં રસ્તો ખબર ન હોવાને લીધે તેમજ ખોટી ગલીમાં વળી જતા અને ત્યારબાદ વન-વે હોવાને લીધે તેણે મારી હોટલ સુધી પહોંચતા પહેલા વધારાના બીજા ૫-૬ ચક્કર કાપવા પડ્યા.મારે મોડું થતું નહોતું અને તેનો વાંક પણ નહોતો આથી મને ખરાબ લાગ્યુ નહિં કે મેં તેના પર ગુસ્સો પણ કર્યો નહિં.છેવટે જ્યારે મેં તેને મીટર પ્રમાણેનું ભાડુ ચૂકવ્યું,તેણે મને થોડા પૈસા પાછા આપ્યા.મને ખૂબ આશ્ચર્ય થયું કારણ મેં તેને મીટર પ્રમાણે ચોક્કસ રકમ ચૂકવી હતી એટલે પૈસા પાછા આપવાનો સવાલ ઉભો થતો નહોતો.મને જાપાનીઝ ભાષા આવડતી નહોતી અને તેને અંગ્રેજી આવડતું નહોતું આથી મહા પરિશ્રમ બાદ હું તેની ભાંગીતૂટી ભાષા પરથી એટલું સમજી શક્યો કે છેલ્લે હોટલના રસ્તા પાસે પહોંચી ગયા બાદ જે વધારાના ચક્કર લગાવ્યા તે ભૂલની જવાબદારી પોતાને શિરે લઈ તે મને પૈસા પાછા આપી રહ્યો હતો.ડ્રાઈવર હતો એટલે તેના મતે તેને રસ્તાઓનું જ્ઞાન હોવું જરૂરી હતું અને આથી તેની ભૂલ માટે તે મારી પાસેથી શી રીતે વધારાના/પૂરા પૈસા વસૂલી શકે એમ તેને લાગતું હતું!

જેવો હું હોટલમાં પ્રવેશ્યો કે તરત મને બીજો એક પાઠ શિખવા મળ્યો.હું હજી પેલા ટેક્સી ડ્રાઈવરના પૈસા પાછા આપવાવાળી ઘટનાના સુખદ અને આશ્ચર્યકારક ઝટકામાંથી બહાર નહોતો આવ્યો ત્યાં આ બીજી ઘટના બની.હોટલનો એક કૂલી મારો સામાન મારી રૂમમાં લઈ આવ્યો.મેં તેને ટીપ આપવાનો પ્રયત્ન કર્યો.તે તો ગુસ્સે થઈ ગયો!તે બે ચાર ડગલા પાછો ખસી જઈ બબડવા લાગ્યો:'ના. સર. ટીપ નહિં. આ જાપાન છે...'

પછી તો મારે અનેક વાર જાપાન જવાનું થયું અને હું જાણવા પામ્યો કે પ્રોફેશનાલિઝમ શબ્દને કઈ રીતે આ આખું રાષ્ટ્ર જીવી જાણે છે અને કેટલી હદે તેનો એકે એક નાગરિક તેનું કેટલી સાહજિકતા અને પ્રમાણિકતાથી પાલન કરે છે.જાપાનમાં પ્રોફેશનાલિઝમ સાથે બીજા ત્રણ ગુણો પણ લોકોમાં ખૂબ સારી રીતે વણાયેલા છે:રાષ્ટ્રિય ગૌરવ, એકલતાવાદ કરતા જૂથવાદને પ્રાધાન્ય અને આધ્યાત્મિકતા.

No comments:

Post a Comment