Wednesday, May 19, 2010

એક નિબંધ

પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ તેના વર્ગના બધા વિદ્યાર્થીઓને એક નિબંધ લખવા કહ્યું. નિબંધનો વિષય હતો - 'ભગવાન પાસે તમારે કંઈક માંગવાનું હોય તો તમે શું માંગો?'
દિવસને અંતે જ્યારે શિક્ષિકા બધા વિદ્યાર્થીઓએ લખેલા નિબંધો ચકાસવા બેઠી ત્યારે એક નિબંધ વાંચી તે અતિ સંવેદનશીલ બની ગઈ. તેના પતિએ એ વેળાએ જ ઘરમાં પ્રવેશ કર્યો.પત્નીની આંખોમાં આંસુ જોઈ તેણે એનું કારણ પૂછ્યું. તેણે પતિના હાથમાં પેલો નિબંધ મૂકી એ વાંચી જવા કહ્યું.
નિબંધ આ પ્રમાણે હતો: હે ભગવાન,હું આજે તારી પાસે કંઈક ખાસ માંગી રહ્યો છું,આજે રાતે મને મહેરબાની કરીને ટી.વી. બનાવી દે.મારે તેની જગા લઈ લેવી છે.મારે મારા ઘરમાં ટી.વી. જેવું જીવન જીવવું છે,મારું એક ખાસ સ્થાન-માનપાન ભોગવવું છે અને મારા કુટુંબને મારી આસપાસ ગોઠવાઈ ગયેલું જોવું છે.હું ઇચ્છુ છું કે જ્યારે હું બોલું ત્યારે તેઓ મને ગંભીરતાથી લે,ધ્યાનથી સાંભળે.મારે બધાના ધ્યાનનું કેન્દ્ર બનવું છે અને કોઈ જાતના પ્રશ્નો કે અવરોધો વગર મારે મારી વાણીનો પ્રવાહ અસ્ખલિત ચાલુ રાખવો છે.ટી.વી. જ્યારે બંધ પડી જાય ત્યારે તેને જે વિશેષ મહત્વ આપવામાં આવે છે,તેની જે ખાસ કાળજી લઈ તેને તરત રીપેર કરાવવામાં આવે છે, તે મહત્વ અને કાળજી મને મળે એમ હું ઇચ્છુ છું.મારા પિતા કામેથી થાકીને પણ ઘેર આવ્યા હોય ત્યારે ટી.વી. સાથે સમય ગાળવાનુ તે ચૂકતા નથી, એ સમય હું મને મળે એમ ઇચ્છુ છું.મારી માતા દુ:ખી અને ઉદાસ હોય ત્યારે મને દૂર રાખી ટી.વી. સામે કલાકો પસાર કરી નાંખે છે,એ સમય પણ હું મને મળે એમ ઇચ્છુ છું.મારા ભાઈઓ ટી.વી. ને બદલે મારી સાથે રહેવા માટે ઝગડે એવી મારી ઇચ્છા છે.હું એ લાગણીનો અનુભવ કરવા ઇચ્છુ છું જ્યારે મારું આખું કુટુંબ પોતાની સઘળી પ્રવ્રુત્તિ છોડી ફક્ત મારી સાથે તેમનો થોડો સમય ગાળે.અને છેલ્લે હું ટી.વી. ની જેમજ તેમને ખુશ કરી તેમનું મનોરંજન કરવા ઇચ્છુ છું. હે ભગવાન આનાથી વધારે મારે તારી પાસેથી કંઈ નથી માગવું, બસ મને ટી.વી જેવું જીવન જીવવાની ઇચ્છા છે જેથી હું મારા કુટુંબીજનોનો થોડો સમય અને ધ્યાન મેળવી શકું...
આ નિબંધ વાંચી શિક્ષિકાનો પતિ બોલ્યો : હે ભગવાન,કેટલું બિચારુ બાળક અને કેવા ભયંકર માતાપિતા...!
શિક્ષિકા એ તેની સામે જોયું અને નિબંધ લખેલા પાનાને ઉલટાવી પાછળ લખેલું એ નિબંધ લખનાર બાળકનું નામ વાંચવા કહી જણાવ્યું. એ નિબંધ તેમના સૌથી નાના પુત્રે લખ્યો હતો.

No comments:

Post a Comment