Sunday, December 5, 2021

સાચું સુખ

જ્યારે નાઈજીરીયન અબજોપતિ ફેમી ઓટેડોલાને એક રેડિયો પરની મુલાકાતમાં મુલાકાત લેનારે પૂછ્યું, "સર, તમને શું લાગે છે, કઈ બાબતે તમને સૌથી વધુ સુખી બનાવ્યા છે?"

ફેમીએ જવાબ આપ્યો, "હું જીવનમાં સુખનાં ચાર તબક્કામાંથી પસાર થયો છું અને ત્યાર બાદ મને આખરે સમજાયું છે કે સાચું સુખ શેમાં છે.

પહેલો તબક્કો સંપત્તિ અને સાધનો ભેગાં કરવામાં છે. પણ આ તબક્કે મને સાચા સુખનો અનુભવ થયો નહીં. પછી આવ્યો બીજો તબક્કો જેમાં ફરી મૂલ્યવાન ચીજ વસ્તુઓ ભેગી કરવામાં સમય ગયો. પણ આ તબક્કે પણ મને સમજાયું કે આની અસર પણ હંગામી છે, ક્ષણિક છે અને મૂલ્યવાન વસ્તુઓનું આકર્ષણ પણ લાંબો સમય ટકતું નથી.

પછી આવ્યો મોટા પ્રયોજનોનો ત્રીજો તબક્કો. આ તબક્કે હું નાઈજીરીયા અને આફ્રિકાના પંચાણુ ટકા ડીઝલ સપ્લાયનું નિયંત્રણ કરતો હતો. આફ્રિકા અને એશિયાના સૌથી મોટા વહાણોનો પણ હું માલિક હતો. પણ આ તબક્કે પણ મને જે સાચા સુખની ખેવના હતી તેનો અનુભવ મને થયો નહોતો. 

ચોથો તબક્કો ત્યારે આવ્યો જ્યારે એક મિત્રે મને દિવ્યાંગ બાળકો માટે વ્હીલ ચેર ખરીદવા વિનંતી કરી. માત્ર બસો બાળકો માટે. એ મિત્રની વિનંતીને માન આપી મેં તરત બસો વ્હીલચેર ખરીદી લીધી.

પણ મારો એ મિત્ર એટલેથી માન્યો નહીં. તેણે મને જાતે એ બાળકો પાસે જઈ તેમને એ વ્હીલચેર આપવાની વિનંતી કરી. હું એ માટે તૈયાર થઈ ગયો. 

ત્યાં એ બસો બાળકોને મારા હાથે મેં એ વ્હીલચેર આપી. મેં એ બાળકોના મુખ પર એક અજબ સુખનો ચમકારો જોયો. મેં તેમને એ વ્હીલચેર પર બેસી આસપાસ ફરતાં અને મોજ કરતાં જોયાં.

એવું લાગતું હતું જાણે તેઓ પોતાની મનપસંદ જગાએ પિકનિક પર આવ્યાં હતાં અને જાણે તેમને કોઈ મોટો ખજાનો હાથ લાગી ગયો હતો!

મારી અંદર પણ આ સુખદ દ્રશ્ય જોતાં જાણે સુખની સરવાણી ફૂટી. હું જ્યારે ત્યાંથી જવા માટે તૈયાર થયો ત્યારે એક બાળકે મારા પગ પકડી લીધા. મેં નમ્રતાથી મારા પગ છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ એ બાળક એકી ટશે મારી સામે જોઈ રહ્યો અને તેણે મારા પગ જોરથી પકડી રાખ્યાં.

હું નીચો નમ્યો અને મેં તેને પ્રેમથી પૂછયું કે શું તેને બીજું કંઈ જોઈએ છે?

એ બાળકે ત્યારે જે જવાબ આપ્યો તે સાંભળી હું અપાર સુખ તો પામ્યો જ, પણ તેણે મારો જીવવાનો આખો અભિગમ બદલી નાખ્યો. એ બાળકે જવાબ આપ્યો : મારે તમારો ચહેરો ધારી ધારીને જોઈ લેવો છે અને યાદ રાખી લેવો છે જેથી આપણે સ્વર્ગમાં મળીશું ત્યારે હું ફરી એક વાર તમારો આભાર વ્યકત કરી શકું! "

તમે કોઈક જગા છોડી જાવ પછી તમે લોકો તમને શેના માટે યાદ રાખે છે એ મહત્વનું છે.

શું તમે એવાં કામ કરો છો કે કોઈ તમારો ચહેરો ફરી જોવાની ઈચ્છા રાખે?

(ઈન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment