Thursday, December 10, 2020

તમે કોણ છો?

     એક વાર પ્રવાસ કરતી વખતે કાલિદાસને ખૂબ તરસ લાગી અને તે આસપાસ ક્યાંય પાણી છે કે નહીં તે શોધવા ફાંફાં મારવા લાગ્યા. થોડે દૂર એક કૂવો દેખાયો, જેમાંથી એક સ્ત્રી પાણી ભરી રહી હતી. કાલિદાસે તેની પાસે જઈ પાણીની માંગણી કરી. તે સ્ત્રીએ પહેલા કાલિદાસને પોતાનો પરિચય આપવા જણાવ્યું. કાલિદાસને ઘમંડ આવ્યો અને લાગ્યું કે ગામડાંની કોઈ સામાન્ય સ્ત્રીને પોતાનો પરિચય શા માટે આપવો? આથી વાત ટાળવા તેમણે કહ્યું, "હું એક પ્રવાસી છું." 

     સ્ત્રીએ કહ્યું, "આ વિશ્વમાં પ્રવાસીઓ તો માત્ર બે જ છે - સૂર્ય અને ચંદ્ર. બંને ઊગે છે, આથમે છે અને નિરંતર પ્રવાસ કર્યા જ કરે છે. પણ એ કહો તમે કોણ છો?"

      કાલિદાસે કહ્યું, "તો હું એક મહેમાન છું."

સ્ત્રી તરત બોલી, "આ વિશ્વમાં મહેમાન તો માત્ર બે જ છે - યૌવન અને સંપત્તિ. બંને થોડાં સમય માટે આવે છે અને પછી ચાલ્યાં જાય છે. પણ એ કહો તમે કોણ છો?"

     કાલિદાસ મૂંઝાયા અને બોલ્યા," હું એક સહનશીલ વ્યક્તિ છું."

    સ્ત્રી કહે, "આ વિશ્વમાં સહનશીલ તો માત્ર બે જ છે - ભૂમિ અને વૃક્ષ. ભૂમિ પર તમે ગમે તેટલી વાર પગ પછાડો અને વૃક્ષ સામે ગમે તેટલાં પથ્થર ફેંકો (ફળ માટે) , એ તમને સમૃદ્ધ જ કરતાં રહેશે. હવે કહી દો, તમે કોણ છો. "

    હવે કાલિદાસ પૂરેપૂરા અચંબિત થઈ ઉઠયા. તે બોલ્યા, "વારું, હું એક હઠીલો વ્યક્તિ છું."

     સ્ત્રીએ સ્મિત સાથે કહ્યું, "આ વિશ્વમાં હઠીલા તો માત્ર બે જ છે - નખ અને વાળ. આપણે તેમને કાપ્યા જ કરીએ છીએ તો યે એ તો વધ્યાં જ કરે છે! હવે કહી દો કે તમે કોણ છો."

     અત્યાર સુધી સંયમમાં રહેલા કાલિદાસ હવે ક્રોધિત થઈ ઉઠયા અને બોલ્યા, "હું મૂર્ખ છું."

સ્ત્રી હસતાં હસતાં બોલી, "આ વિશ્વમાં મૂર્ખ તો માત્ર બે જ છે - એવો રાજા જે કોઈ જ પ્રકારનાં ક્ષમતા કે જ્ઞાન વગર શાસન કરે છે અને તેનો ચમચો મંત્રી જે આવાં નકામા રાજાના ખોટાં ખોટાં વખાણ કર્યા કરે છે. પણ તમે કોણ છો."

      કાલિદાસને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. તેઓ તરત તેના ચરણોમાં પડી ગયા અને ઉભા થઈ ને જુએ છે તો સામે કોણ? સાક્ષાત મા સરસ્વતી! જ્ઞાન અને ચતુરાઈના દેવી.

તેમણે કહ્યું,"કાલિદાસ, તમે ચતુર છો, પણ જો તમે જાણી લો કે તમે કોણ છો તો જ તમે ખરા અર્થમાં મનુષ્યત્વ પામી શકો છો. માણસ જ્યાં સુધી સ્વ ને ઓળખતો નથી, ત્યાં સુધી તે સાચા અર્થમાં મહાન બની શકતો નથી."

(ઇન્ટરનેટ પરથી)  

1 comment: