Wednesday, December 18, 2019

સાચો લીડર કઈ રીતે સમસ્યાનો ઉકેલ લાવે છે

 તાતા સ્ટીલના અધ્યક્ષ રૂસી મોદીએ જમશેદપુર ખાતે પોતાના કર્મચારીઓ સાથે એક સાપ્તાહિક બેઠક યોજી હતી. એક કર્મચારીએ એક ગંભીર મુદ્દો ચર્ચ્યો. તેણે કહ્યું કે કર્મચારીઓના શૌચાલયની સ્થિતી, ગુણવત્તા અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણી ખરાબ હતી જે તેમના આરોગ્ય માટે પણ જોખમી બાબત હતી. જ્યારે ઉપરીઓના શૌચાલયની સ્થિતી, ગુણવત્તા અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણી સારી હતી.
        શ્રી મોદીએ તેમના એક ઉચ્ચ અધિકારીને આ સમસ્યાનો નિકાલ કેટલા સમયમાં લવાશે એવો પ્રશ્ન કર્યો. તે ઉચ્ચ અધિકારીએ આ માટે એક મહિનાનો સમય માગ્યો.
      શ્રી મોદીએ કહ્યું, "હું તો કદાચ આ સમસ્યા એક જ દિવસમાં હલ કરી દઈશ. મારી પાસે એક સુથાર મોકલી આપો."
     બીજે દિવસે જ્યારે સુથાર આવ્યો ત્યારે શ્રી મોદીએ તેની પાસે કર્મચારીઓ અને ઉપરીઓના શૌચાલયોના નામના પાટીયાઓની અદલાબદલી કરાવી નાખી.
       કર્મચારીઓના શૌચાલય પર 'ઉચ્ચ અધિકારીઓ' અને ઉચ્ચ અધિકારીઓના શૌચાલય પર 'કામદારો' એમ દર્શાવતા પાટિયા લટકી રહ્યાં.
    શ્રી. રૂસી મોદીએ દર પખવાડિયે આ અદલાબદલી ફરી કરવી એવો આદેશ આપ્યો. ત્રણ જ દિવસમાં બંને શૌચાલયોની સ્થિતી એક સરખી - ઘણી સારી થઈ ગઈ.
      સાચો લીડર ઘણી ધીરજથી તમારી વાત સાંભળે છે અને સમય વધુ બરબાદ કર્યા વગર તમારી સમસ્યાનો ઉકેલ સૂઝાડે છે.
      લીડરશીપ ખાલી અધિકારી કે ઉપરી બની જવા કરતા કંઈક વિશેષ છે. 
      સમસ્યા શું છે એ સમજવા ક્રિટિકલ થિંકિંગ કરવું પડે છે પણ સમસ્યાનો ઉકેલ લાવવા ક્રિએટિવ થિંકિંગ કરવું પડે છે.

(ઈન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment