Monday, July 8, 2019

શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરો

મહાભારતના યુદ્ધ પછી... 

      ૧૮ દિવસના યુદ્ધે દ્રૌપદીની ઉંમર ૮૦ વર્ષ જેવી કરી નાંખી હતી, શારીરીક અને માનસિક બંને રીતે. શહેરમાં ચારે તરફ વિધવાઓના આક્રંદ ગૂંજી રહ્યાં હતાં. પુરુષો નજરે ચડવા બચ્યા જ નહોતા. અનાથ બાળકો આમતેમ ભટકતા નજરે ચડી રહ્યાં હતાં અને એ બધાની મહારાણી દ્રૌપદી હસ્તિનાપુરના મહેલમાં નિશ્ચેષ્ટ બેઠી શૂન્યને તાકી રહી હતી.
      ત્યારે જ શ્રી કૃષ્ણ કક્ષમાં દાખલ થયા.
      દ્રૌપદી કૃષ્ણને જોતા જ દોડતી તેમને વીંટળાઈ ગઈ. કૃષ્ણે તેના માથે હેતપૂર્વક હાથ ફેરવતા તેને રડવા દીધી. થોડી વાર બાદ તેને અળગી કરી પાસેના પલંગ પર બેસાડી.

દ્રૌપદી : આ શું થઈ ગયું સખા? આવું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું.
કૃષ્ણ : નિયતિ અતિ ક્રૂર હોય છે પાંચાલી. એ આપણા ધાર્યા મુજબ નથી વર્તતી. આપણા કર્મોને એ પરિણામોમાં બદલી નાંખે છે. તું બદલો લેવા ઇચ્છતી હતી અને એમાં તું સફળ થઈ દ્રૌપદી. તારો બદલો પૂરો થયો, માત્ર દુર્યોધન અને દુશાસન જ નહીં પરંતુ બધાં જ કૌરવો ખતમ થઈ ગયાં. તારે તો પ્રસન્ન થવું જોઈએ.
દ્રૌપદી : સખા, તમે મારા જખમો રૂઝવવા આવ્યા છો કે તેના પર મીઠું ભભરાવવા?
કૃષ્ણ : ના દ્રૌપદી, હું તો તને વાસ્તવિકતાથી અવગત કરાવવા માટે આવ્યો છું. આપણાં કર્મોના પરિણામ આપણે દૂર સુધી જોઈ શકતા નથી અને તે જ્યારે આપણી સમક્ષ હોય છે ત્યારે આપણાં હાથમાં કંઈ બચ્યું હોતું નથી.
દ્રૌપદી : તો શું આ યુદ્ધ માટે પૂરેપૂરી હું જ જવાબદાર છું કૃષ્ણ?
કૃષ્ણ : ના દ્રૌપદી. તું પોતાને એટલું બધું મહત્વ ન આપ. પણ જો તે પોતાના કર્મોમાં થોડું દૂરંદેશીપણું રાખ્યું હોત તો તું આટલા કષ્ટો ન ભોગવતી હોત.
દ્રૌપદી : હું શું કરી શકતી હતી કૃષ્ણ?
કૃષ્ણ : જ્યારે તારું સ્વયંવર યોજાયું ત્યારે તે કર્ણને અપમાનિત ન કર્યો હોત અને તેને પ્રતિયોગીતામાં ભાગ લેવા દીધો હોત તો કદાચ આજે તેનું પરિણામ કંઈક જુદું જ હોત.
ત્યારબાદ જ્યારે કુંતી માતાએ તને પાંચ પતિ ની પત્ની બનવાનો આદેશ આપ્યો ત્યારે એ તે ન સ્વીકાર્યો હોત તો પણ તેનું પરિણામ કંઈક નોખું હોત. પછી તે તારા મહેલમાં દુર્યોધનને અપમાનિત ન કર્યો હોત તો તારું વસ્ત્રાહરણ ન થાત. તો પણ કદાચ પરિસ્થિતી કંઈક જુદી હોત.
આપણાં શબ્દો પણ આપણાં કર્મો જ છે. આપણે દરેક શબ્દ બોલતા પહેલા તેને તોળવો જરૂરી છે અન્યથા તેનું દુષ્પરિણામ ફક્ત આપણે પોતે જ નહીં, પરંતુ આપણી સાથે સંકળાયેલા અને ન સંકળાયેલા અનેકને દુખી કરે છે.આ સંસારમાં મનુષ્ય એક માત્ર પ્રાણી છે જેનું ઝેર તેના દાંતોમાં નહીં પણ શબ્દોમાં રહેલું હોય છે. આથી જ શબ્દોનો ઉપયોગ અતિ સમજી વિચારીને કરો. એવા જ શબ્દો બોલો જેનાથી કોઈની ભાવનાને ઠેસ ન પહોંચે.

(ઇન્ટરનેટ પરથી)

1 comment:

  1. એકદમ સાચું. Words are irresponsible messenger of our thoughts. So always be careful. Words can either heal or kill

    ReplyDelete