Monday, July 29, 2019

દરેક વસ્તુ તમારા સમય અને ધ્યાનને લાયક હોતી નથી

       એક હાથી નદીમાં સ્નાન કર્યા બાદ રસ્તે ચાલી પોતાના ઘેર જઈ રહ્યો હતો. માર્ગમાં એક પુલ આવ્યો અને તેણે સામેથી એક કાદવથી ખરડાયેલા ગંદા-ગોબરા ભૂંડને આવતા જોયું. હાથીએ શાંતિથી એક બાજુ ખસી જઈ ભૂંડને પસાર થઈ જવા દીધું. પછી તે પોતે પુલ પરથી પસાર થયો અને તેણે આગળ ચાલવા માંડ્યું.
પેલી બાજુ ભૂંડે પોતાના મિત્રો આગળ શેખી વઘારતા અહંકારપૂર્વક કહ્યું, "જોયું હું કેટલો તાકાતવાન અને મહાન છું? હાથી જેવા હાથીએ પણ બાજુમાં ખસી જઈ મને માર્ગ કરી આપ્યો!"
આ વાત એક બીજા હાથીએ સાંભળી લીધી અને તેણે પેલા પહેલા હાથીને પ્રશ્ન કર્યો કે શું ખરેખર તેણે ભૂંડથી ડરી જઈ તેને માર્ગ કરી આપ્યો હતો? પહેલા હાથીએ જવાબ આપ્યો, "હું ઇચ્છત તો એ તુચ્છ ભૂંડને એક ક્ષણમાં મારા પગ નીચે કચડી નાંખી શકત પણ હું સ્વચ્છ હતો અને તે મહા ગંદો - કાદવકીચડથી ખરડાયેલો. તેને કચડવામાં મારો પગ ખરાબ થાત અને એ મને મંજૂર નહોતું. આથી હું બાજુ પર ખસી ગયો હતો."
વાર્તાનો સાર : મહાન લોકો નકારાત્મકતાનો સહેલાઈથી નાશ કરી શકવા સમર્થ હોય છે પણ તેઓ તેને એટલા માટે ટાળે છે જેથી તેના સંપર્કમાં આવી તેમણે મલિન ન થવું પડે. તમારે  દરેક અભિપ્રાય, ટીપ્પણી કે પરિસ્થિતી સામે પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. અડચણ સામે આંખ આડા કાન કરી આગળ વધતા રહો. તમારી લડાઈઓ ધ્યાનપૂર્વક પસંદ કરો. દરેક વસ્તુ તમારા સમય અને ધ્યાનને લાયક હોતી નથી.
(ઇન્ટરનેટ પરથી)

1 comment:

  1. વાતે વાતે પ્રતિક્રિયાઓ આપવાનું ટાળતાં શીખવું એ પણ એક કળા છે. એની આદત પાડવી પડે છે.

    ReplyDelete