Tuesday, June 25, 2019

યોગા જિમ કરતા વધુ સારું હોવાના ૧૫ કારણો

કેટલાક લોકોને પ્રશ્ન થાય છે કે યોગા કરવું કે જિમ? આમાં વધુ સારો વિકલ્પ કયો?

યોગા, બેશક!

સાચાં જવાબના અનેક કારણો છે જેમાંના ૧૫ આ રહ્યાં :

૧. યોગાથી મન, શરીર અને આત્મા ત્રણેને ફાયદા થાય છે. યોગાથી શરીર તો તંદુરસ્ત બને જ છે પણ સાથે સાથે તે તમારા મનને વર્તમાન ક્ષણમાં જીવતા શીખવે છે અને તમારા અંતરાત્માને હકારાત્મક ઉર્જાથી ભરી દે છે. જિમનું વર્કઆઉટ તમારા શારીરિક સ્વાસ્થ્ય પર જ મુખ્યત્વે ધ્યાન કેન્દ્રીત કરે છે.

૨. યોગા તમારા આખા શરીરને બાહ્ય અને આંતરિક એમ બંને રીતે ફાયદો કરે છે.
ટ્વિસ્ટીંગ, સ્ટ્રેચીંગ અને ફોલ્ડીંગ જેવા યોગાસનો શરીરના પાચન તંત્ર, રૂધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર અને વધુ શરીર સાથે જોડાયેલા તંત્રો માટે ખૂબ ફાયદાકારી છે. તમારા શરીરમાંથી ઝેરી તત્વો બહાર ફેંકવામાં યોગા મદદ કરે છે અને હ્રદય અને રક્તવાહિનીઓની કાર્યક્ષમતા સુધારે છે. આ બધા સાથે તે સ્નાયુઓને તો વધુ મજબૂત બનાવે જ છે. જિમનું વર્કઆઉટ માત્ર સ્નાયુઓને વધુ મજબૂત બનાવવા અને કાર્ડિયો બૂસ્ટ કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

૩. યોગા સહનશીલતા શીખવે છે. યોગા તમને તમે જેવા છો તેવા જ સ્વીકારતા શીખવે છે - તમારી ખાસિયતો અને નબળાઈઓ સહિત. કોઈકે સાચું જ કહ્યું છે કે યોગા સ્વ-સુધાર માટે નહીં પરંતુ સ્વ-સ્વીકાર માટે છે. જિમ વર્ગો (ખાસ કરીને બૂટ કેમ્પ સ્ટાઇલ) તમે બધી કસરતો ના કરી શકો તો તમને તમે નિષ્ફળ હોવ એવી લાગણીનો અનુભવ કરાવે છે.

૪. યોગા તમને તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરતા શીખવે છે. મોટા ભાગના યોગા કેન્દ્રોમાં અરીસા હોતા નથી જેથી યોગા તમને તમારું શરીર ક્યાં છે અને તેના વિવિધ સ્નાયુઓ અને અવયવો શું કરે છે તેના પર ધ્યાન આપવાની ફરજ પાડે છે. જ્યારે જિમમાં અરીસાઓ હોય છે જે સતત તમને તમારી જાતને જોતા રહેવા અને આસપાસ ના લોકો શું કરે છે તેની ચિંતા કર્યા કરવા મજબૂર કરે છે.

૫. યોગા તમને પાતળા બનાવે છે. તમારા સ્નાયુઓને યોગા દ્વારા સ્ટ્રેટચ કરતી વખતે તમે તેમને મજબૂત પણ બનાવો છો તેથી તમારા શરીરનો બાંધો એકવડો થાય છે. જિમમાં ભારે વજન ઉંચકી ઉંચકી તમારા સ્નાયુઓ ફૂલી જાય છે.

૬. યોગા વધુ કાર્યક્ષમ છે. યોગા સ્ટ્રેન્થનિંગ માટે તમારા પોતાના અને આખા શરીર પર આધાર રાખે છે. જિમ આ માટે વજન અને સાધનોનો ઉપયોગ કરે છે. યોગાના જુદા જુદા આસનો દ્વારા તમારું આખું શરીર પોતાના જ વજનનો 'વેઈટ્‌સ' તરીકે ઉપયોગ કરી મજબૂત બને છે. જિમમાં વજન કે અન્ય સાધનોનો ઉપયોગ કરાતા, સ્નાયુઓ જે પ્રમાણે ઉપયોગમાં લેવાતા જાય તે પ્રમાણે શરીરના અન્ય ભાગોથી વિખૂટા પડી જાય છે અને તેમના પર અલગથી વિકેન્દ્રીત ધ્યાન આપી ઘણાં સમય બાદ તે મજબૂત બને છે.

૭. યોગા ગમે ત્યાં કરી શકાય છે. યોગાકેન્દ્ર કે યોગા સ્ટુડિયોમાં યોગાનો અનુભવ વધુ સારો હોય છે પણ તમે યોગા તમારે ઘેર, બહાર કે નાની એવી જગામાં પણ સહેલાઈથી કરી શકો છો. માત્ર ૬ ફીટ બાય ૪ ફીટની જગા યોગા કરવા માટે પૂરતી છે. જિમ વર્કઆઉટ માટે વધુ સાધનો અને વધુ જગાની જરૂર પડે છે.

૮. યોગા શરીર માટે આકરા સાબિત થતાં નથી. એનો અર્થ એવો નથી કે યોગા ઉત્કટ કે જોશપૂર્ણ નથી. અષ્ટાંગ કરનાર કોઈ ને પૂછી જૂઓ. યોગા ઉષ્મા સર્જે છે અને તમારા સ્નાયુઓ પર કામ કરે છે પણ એમાં તમે તમારા શરીરને એટલું જ કામ આપો છો જેટલી તેની ક્ષમતા હોય, જ્યારે જિમમાં તમે વજન ઉંચકો છો અથવા તમારા શરીરના સાંધાઓ પર ભાર આપો છો અને આ બંને સંજોગોમાં તમે શરીરને ઈજા પહોંચાડી શકો છો. તમે એક પછી બીજું યોગ - આસન કરો છો ત્યારે તમારું શરીર સ્ટ્રેટચ થાય છે અને સારી રીતે કરેલ યોગા આપમેળે પછીના આસન કે સ્થિતી માટે શરીરને તૈયાર કરે છે.

૯. યોગા તમારા દુખાવા અને પીડા ઓછા કરે છે. જિમ વર્કઆઉટ એ વધારે છે. યોગા ધીમે ધીમે સ્નાયુઓ સ્ટ્રેટચ કરે છે અને શરીરના ઉર્જા માધ્યમોને ખુલ્લા કરે છે. સુધરેલી લવચિક્તા સ્નાયુઓ અને સાંધાઓને ઘર્ષણ રહિત અને તંદુરસ્ત રાખે છે. જિમના વજન અને ટ્રેડમીલ તણાવ ઉભો કરે છે જે દુખાવો કે પીડા પેદા કરી શકે છે.

૧૦. યોગા તમારા શ્વસનને સરળ બનાવે છે.
તમે તાણ અનુભવતા હોવ એવે સમયે શ્વાસ લેતા ભૂલી જવું સામાન્ય છે - સાચી રીતે શ્વાસ લેવું, માત્ર ઉપરછલ્લી રીતે હવા શરીરમાં લઈ બહાર કાઢવું નહીં. ઉંડા શ્વાસ લીધા વિના સ્પષ્ટ વિચારવું શક્ય બનતું નથી અને થાક લાગે છે. યોગા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી તમને જ્યારે તેની સૌથી વધારે જરૂર હોય ત્યારે એ ઉંડા શ્વાસ લેવાની રીત તમારી આદત બની ચૂકી હોય.

૧૧. યોગા મનને શાંતિ આપે છે. યોગા શાંત અને પ્રસન્ન રહીને કરવામાં આવે છે. તેમાં ઉચાટ, ઘોંઘાટ, દાંતો નો કચકચાટ કે ચહેરા પર તંગ કે ચિત્ર વિચિત્ર હાવભાવ જોવા મળતા નથી, જે જિમમાં જોવા - અનુભવવા મળે છે. યોગાનો આશય જ શરીર અને મનમાંથી સઘળાં તણાવ ને બહાર ફેંકી દેવાનો હોય છે.

૧૨. યોગા તણાવ ઘટાડે છે. મોટા ભાગના યોગા વર્ગોમાં મેડીટેશન (ધ્યાન ધરવાની પ્રક્રિયા) કે શવાસન કરાવવામાં આવે છે. તેનાથી તમને દિવસ ભરની ચિંતાઓથી મુકત થવાની તક સાંપડે છે. યોગા સતત કરતા રહેવાથી તમે તણાવગ્રસ્ત પરિસ્થિતી સાથે સહેલાઈથી કામ પાર પાડતા શીખી જાઓ છો અને એકંદર તણાવનું સ્તર ઘટે છે. જિમનો સ્પર્ધાત્મક સ્વભાવ અને ત્યાંનું ઘોંઘાટ ભર્યું સંગીત અને ભપકાદાર રોશની તમારા તણાવના સ્તરમાં વધારો કરે છે.

૧૩. દરેક ઉંમરની વ્યક્તિ યોગા કરી શકે છે. તમારી તંદુરસ્તી પણ ભલે ગમે તેવી હોય, તમે યોગા કરી શકો છો. પાર્કિન્સનથી માંડી કેન્સરના દર્દીઓને પણ યોગા ફાયદાકારક સાબિત થયો હોવાનું નોંધાયું છે. જિમ વર્કઆઉટ સામાન્ય રીતે વરિષ્ઠ વયની વ્યક્તિઓને અનુકૂળ કે ઉપચારક હોતા નથી.

૧૪. યોગા એકાગ્રતા સુધારે છે. યોગા કરતી વખતે તમારે શ્વાસ પર, તમારી શરીર ની સ્થિતી પર અને દ્રષ્ટિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. બાહ્ય અંતરાયો દૂર કરી દેવાય છે. જિમમાં ઘોંઘાટીયા સંગીત, ટીવી વગેરે જેવા બાહ્ય અંતરાયો સાથે ધ્યાન કેન્દ્રિત કરવાનું અઘરું થઈ પડે છે.

૧૫. યોગીઓ સદાયે આનંદિત રહેતો સમુદાય છે! શું તમને આવા સસ્મિત, સુખી લોકો સાથે રહેવું ન ગમે? અહીં તમને એવા વાતાવરણમાં રહેવા મળશે જ્યાં લોકો તમને તમારી જેવી શારીરિક સ્થિતિ હોય તેની સાથે તમારો સ્વીકાર કરશે. અહીં તમને કોણે કયું આસન કેટલા લાંબા સમય સુધી કર્યું તેવી પંચાત કે સ્પર્ધા ની માથાકૂટ નહીં જોવા મળે. આસપાસ તમને હકારાત્મકતા જ અનુભવવા મળશે.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment