Monday, June 3, 2019

કદર અને પ્રશંસાનાં બે શબ્દો

પ્રશ્ન : તમારી માતાએ તમને આપેલી શ્રેષ્ઠ શિખામણ કઈ? 
જોનાથન પેટીત દ્વારા જવાબ :
હું દસેક વર્ષનો હતો. મારી માતાએ હંમેશની જેમ અતિ સ્વાદિષ્ટ એવી રસોઇ બનાવી મને જમાડ્યો હતો. મેં ધરાઈને મારું એ ભાવતું ભોજન આરોગ્યું હતું. પછી જ્યારે હું વાસણ ધોઈ રહ્યો હતો ત્યારે મા મારી પાસે આવી કહેવા લાગી, "ભોજનનો સ્વાદ આજે બરાબર નહોતો ને? હું દિલગીર છું."
મને ઝાટકો લાગ્યો. મેં કહ્યું, "બિલકુલ નહીં. મને તો એ ખૂબ ભાવ્યું."
તેણે ખોટા આશ્ચર્યના ભાવ સાથે કહ્યું,"ખરેખર? તું રોજ શાંતિથી કંઈ જ કહ્યા વગર ખાઈ લે છે. તે મને ક્યારેય કહ્યું જ નથી કે તને મારી બનાવેલી રસોઈ ભાવે છે કે નહીં, એટલે મેં ધારી લીધું કે આજે પણ તને ભોજન બિલકુલ ભાવ્યું નહીં હોય."
મેં કહ્યું, "ના... ના... એવું નથી. તું તો મારી દ્રષ્ટિએ જગતની શ્રેષ્ઠ રસોઈયણ છે. " મમ્મીએ જવાબ આપ્યો," તો પછી તારે મને એ ક્યારેક કહેવું જોઈએ ને. જ્યારે કોઈ પણ તમારા માટે કંઈક સારું કરે ત્યારે તમારે તેનો આભાર અચૂક માનવો જોઈએ.જો તમે એમ ન કરો તો એવું બની શકે કે એ માનવા લાગે કે તમે તો એની કદર જ નથી કરતા અને એ તે સારી વસ્તુઓ કરવાનું છોડી દેશે."
મને તરત ચમકારો થયો. એ દિવસથી હું એ દરેકનો આભાર માનવા લાગ્યો જે મારા માટે થોડું ઘણું પણ સારું કરતા હોય,મારી જરા જેટલી પણ મદદ કરતા હોય. એ મારી આદત બની ગઈ જેના વિશે મેં પહેલા ક્યારેય જરા સરખો પણ વિચાર સુદ્ધા કર્યો નહોતો. અને ચમત્કાર થયો!
લોકો મને વધુ પસંદ કરવા લાગ્યા. તેઓ મારી સાથે વધુ વાતચીત કરવા માંડ્યા,મારી સાથે વધુ વહેંચવા માંડ્યા. તેઓ મારા વધુ સારા મિત્રો બની રહ્યાં. મારી હાઈ સ્કૂલના પ્રથમ વર્ષમાં છેલ્લા સપ્તાહે એક દિવસ હું ઘેર પાછો ફર્યો ત્યારે એક મોટી ભેટ મારી રાહ જોઈ રહી હતી! મેં અંત:સ્ફૂરણા થી પ્રેરાઈને કહ્યું, "મમ્મી, તારો ખૂબ ખૂબ આભાર!"
પણ તેણે મને આશ્ચર્ય માં મૂકતા કહ્યું કે એ ભેટ તેના તરફથી નથી. એ મારા બસ ડ્રાઇવર તરફથી હતી. એ તે બસ વર્ષોથી ચલાવતો હતો પણ હું એવી પહેલી વ્યક્તિ હતો જેણે તેનો મને સ્કૂલમાં ઉતારવા અને સહી સલામત પહોંચાડવા આભાર માન્યો હતો. એ આભારના શબ્દોએ કમાલ કરી દીધી અને તે એટલો ગદગદિત થઈ ગયો હતો કે તેણે મને એક ભેટ મોકલાવી હતી!
આવી છે કદરના કે પ્રશંસાના શબ્દોની તાકાત. તમારી પાસે જો એ હશે દુનિયામાં તો બધું સારું થશે, પણ જો તમારી પાસે એ નહીં હોય તો તમારાં જીવનમાં કંઈક ખૂટતું હોવાનો અનુભવ થશે. મારી માતાએ આમ તો મને ઘણું બધું શીખવ્યું હતું પણ તેમાંથી ગમે તેવી પરિસ્થિતિમાં આભારનાં બે શબ્દો બોલવાની શીખામણ શ્રેષ્ઠ હતી.
તમે એવી ઘણી વ્યક્તિઓને મળ્યાં હશો જેઓ પોતાને સારા વિવેચક ગણાવતા હશે પણ શું તમે એવી કોઈ પણ વ્યક્તિને મળ્યા છો જે કહી શકે કે હું અન્યોના વખાણ કરવામાં એક્કો છું?શું આ આપણાં સમાજની એક દુ:ખદ હકીકત નથી? 
ચાલો, આપણી આસપાસના લોકોને વખાણના બે શબ્દો વારંવાર કહેવાની શરૂઆત કરીએ, ખાસ કરીને તેમને જેઓ આપણાં ખાસ કે નજીકના હોય.
સાંભળવામાં સૌથી સારા લાગતા શબ્દો કદર અને પ્રશંસાનાં હોય છે.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment