Sunday, October 7, 2018

તેણે પોતાની હોડીઓ બાળી મૂકી

ઘણાં સમય પહેલા એક મહાન સેનાપતિ થઈ ગયો જેણે એવી એક પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો જેને કારણે તેણે રણમેદાનમાં જીતવા એક અતિ અઘરો નિર્ણય લેવો પડ્યો. તેના દુશ્મનોની સેનામાં ઘણી મોટી સંખ્યામાં સૈનિકો હતાં જે તેની નાનકડી સેના કરતાં અનેક ગણાં વધુ હતાં. વળી તેણે પોતાની નાનકડી સેનાને હોડીઓમાં બેસાડી લડવા માટે સામે કિનારે મોકલવાની હતી. તેણે પોતાના બધાં સૈનિકોને હોડીઓમાં બેસાડી સામે કાંઠે મોકલ્યા અને ત્યાં પહોંચતા જ એક વિચિત્ર ફરમાન કર્યું. તેણે બધાં સૈનિકો અને સામાન ઉતરી રહ્યાં બાદ હોડીઓને સળગાવી દેવા આદેશ આપ્યો. યુદ્ધ પહેલા તેણે પોતાના સૈનિકોને ઉદ્દેશીને કહ્યું ,"તમે જોઈ રહ્યા છો આ બધી હોડીઓ બળીને રાખ થઇ ગઇ છે. એનો અર્થ હવે જીવતા પાછા જવા માટે આપણી પાસે જીતવા સિવાય અન્ય કોઈ માર્ગ બચ્યો નથી. હવે આપણી પાસે બે જ વિકલ્પ છે કાં જીતવું અને કાં મરવું..." 
તેઓ જીતી ગયા. 

સફળતાના સિદ્ધાંતો 
સેનાપતિની જેમ આપણે જો જીતવું હોય તો આપણી બધી હોડીઓ બાળી મૂકવી જોઈએ. પીછેહઠ કે શરણાગતિનો વિકલ્પ જ ન હોવો જોઈએ. આપણો અભિગમ 'કંઈ પણ થઈ જાય મારે જીતવું જ છે' નો હોવો જોઇએ, માત્ર એટલું ધ્યાન રાખવાનું કે જીતવાના ધ્યેયમાં કુદરતના નિયમો અને આપણાં અન્ય માનવ સમુદાયને કોઈ રીતે નુકસાન ન પહોંચવું જોઈએ. ભૂતકાળમાં રમમાણ ન રહો. આત્મવિશ્વાસ સાથે આગળ વધો અને જુઓ ચોક્કસ સફળતા તમારા કદમ ચૂમશે. 
હીરો એક સામાન્ય માણસ જ છે જે મહામુશ્કેલીભરી પરિસ્થિતીમાં પણ સ્વબળ,ખંત અને ધીરજ જેવા ગુણો જાળવી રાખે છે.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment