Monday, October 15, 2018

મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

ગાદલા હવે વિખરાયેલા નથી હોતા
ના હવે કપડાં અહીંતહીં પડેલા જોવા મળે છે
રિમોટ માટે હવે ઝઘડા નથી થતાં
ના હવે ખાવાની નવી નવી ફરમાઆઈશો થાય છે
મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

સવારે છાપા માટે પણ નથી થતી મારામારી
ઘર ઘણું મોટું અને સુંદર દેખાય છે
પણ દરેક ઓરડો નિર્જીવ સમો ભાસે છે
હવે તો સમય પણ કાપ્યો નથી કપાતો
બાળપણની યાદો કેટલીક ફોટામાં સમાઈ ગઈ છે
મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

હવે કોઈ મારા ખભે નથી લટકતું
ના ઘોડો બનાવવાની કોઈ જીદ કરે છે
ખાવાનું ખવડાવવા હવે નથી ચકલીઓ ઉડાડવી  પડતી
ખાવાનું ખવડાવ્યા પછીનો સંતોષ પણ હવે ક્યાં મળે છે?
નથી હવે રોજની તકરારો અને તર્ક-દલીલોનો સંસાર
નથી હવે ઝગડા નિપટાવ્યાનો આનંદ
નથી હવે મળતો વેળા - કવેળાએ ગાલ પર પપ્પીઓનો વરસાદ
બજેટની ખેંચતાણ પણ હવે નથી થતી
મારા બાળકો હવે મોટા થઈ ગયા છે

આંખના પલકારામાં જીવનનો સુવર્ણ કાળ વહી ગયો ખબર જ ન પડી
ક્યારે આટલો ખૂબસૂરત અહેસાસ પીગળી ગયો
તોતડી કાલીઘેલી ભાષામાં હર પળ ઉત્સાહ હતો
પળવારમાં હસી પડવાનું ને બીજી પળે રડી પડવાનું
રતૂમડાં ગાલ પર ઉભરાતું અઢળક વ્હાલ અને ખભો થપથપાવવાનું અને ખોળામાં સૂઈ જવાનું
છાતીએ વળગાડી હાલરડું સંભળાવવાનું
વારંવાર ઉઠીને રજાઈ ફંગોળવાનું
હવે તો પલંગ પણ ખાસ્સો મોટો થઈ ગયો છે!
મારા પ્યારા બાળકોનું બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે

હવે તો રોજ સવાર - સાંજ એ મારી તબિયત પૂછે છે
મને હવે એ આરામની સલાહ આપે છે
પહેલા આપણે એમના ઝગડા ઉકેલતા હતા
આજે હવે એ આપણને સમજાવે છે!
લાગે છે જાણે હવે આપણે બાળક બની ગયા છીએ
મારા બાળકો હવે ઘણાં મોટા થઈ ગયા છે...
- અજ્ઞાત

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment