Sunday, August 21, 2016

ભગવાનનું પ્લાનિંગ

એક વાર ભગવાનને તેમના સેવકે કહ્યું,”તમે ક્યારના એક જ જગાએ ઉભા ઉભા થાકી ગયા હશો. એક દિવસ માટે હું તમારી જગાએ મૂર્તિ બની ઉભો રહી જાઉં છું, તમે મારું રૂપ ધારણ કરી ફરી આવો.” ભગવાન માની ગયા પણ તેમણે એક શરત મૂકી કે આખા દિવસ દરમ્યાન જે કોઈ પણ પ્રાર્થના કરવા આવે, બસ તેણે એ પ્રાર્થના સાંભળી લેવી, કંઈ જ બોલવું નહિ. સૌથી પહેલા મંદીરમાં એક વેપારી આવ્યો અને તેણે કહ્યું,”ભગવાન, મેં એક નવી ફેકટરી ખોલી છે તેને ખુબ સારી ચલાવજો, સફળ બનાવજો.” તેણે માથુ ટેક્યું,અને એમ કરતી વેળાએ તેનું પર્સ નીચે પડી ગયું. તેનું ધ્યાન ગયુ નહિ અને તે પર્સ લીધા વગર જ ત્યાંથી ચાલ્યો ગયો. સેવક બેચેન થઈ ગયો.તેણે વિચાર્યું કે પોતે પેલા વેપારીને રોકે અને તેને જણાવે કે તેનું પાકીટ પડી ગયું છે, પણ શરત યાદ આવતા તે ચૂપ રહ્યો. ત્યાર બાદ એક ગરીબ માણસ આવ્યો અને તેણે ભગવાન ને કહ્યું,” મા ઘેર ખાવા અન્ન નો દાણો નથી.ભગવાન,મદદ કરો.” ત્યાં જ તેની નજર પેલા વેપારીના પડી ગયેલા પાકીટ પર ગઈ અને તે એ ઉપાડી ભગવાન નો મનોમન આભાર માની ચાલ્યો ગયો. હવે એક ત્રીજી વ્યક્તિ આવી જે એક નાવિક હતો. તેણે ભગવાનને કહ્યું કે તે વહાણ લઈને ૧૫ દિવસની સમુદ્રયાત્રાએ જાય છે. “યાત્રામાં કોઈ અડચણ ન આવે એવા આશિર્વાદ આપો પ્રભુ.” ત્યાં પાછળ પેલો વેપારી પોલીસને લઈને આવ્યો અને કહ્યું “આ માણસ(નાવિક) જ મારી પાછળ આવ્યો છે. તેણે જ મારું પાકીટ ચોર્યું હોવું જોઇએ.પોલીસ નાવિકને લઈ જાય છે ત્યાં ભગવાન બનીને ઉભેલો સેવક હવે ચૂપ ન રહેવાતા બોલી પડે છે. સેવકના કહેવાથી હવે પોલીસ નાવિકને છોડી દઈ પેલા ગરીબ માણસને પકડી જેલમાં પૂરી દે છે. રાતે ભગવાન મંદીરમાં પાછા ફરે છે ત્યારે સેવક તેમને આખો કિસ્સો કહી સંભળાવે છે. ભગવાન કહે છે,"તે તો આખી બાજી બગાડી નાંખી." આશ્ચર્યચકિત થતા સેવક પૂછે છે,"કઈ રીતે પ્રભુ?" ભગવાન જવાબ આપે છે,"પેલો વેપારી ખોટા ધંધા કરે છે.તેનું પાકીટ પડી જવાથી તેને કોઈ ફરક નહોતો પડવાનો. ઉલટું એના પાપ ઓછા જ થાત જો એ પાકીટ પેલા ગરીબ માણસને મળત. પાકીટમાંના થોડાઘણા રૂપિયાથી તેના બે-ત્રણ દિવસથી ભૂખ્યા બાળકોનું પેટ ભરાત અને તેઓ ભૂખ્યા ન મરત. રહી વાત નાવિકની તો એ પણ જે સમુદ્રયાત્રાએ જવાનો હતો ત્યાં ભયંકર તોફાન આવવાનું હતું.જો એ જેલમાં રહ્યો હોત તો તેનો જીવ બચી જાત.તેની પત્ની વિધવા થતા બચી જાત.હવે કહે તે બાજી સુધારી કે બગાડી નાંખી?" ઘણી વાર આપણા જીવનમાં પણ સમસ્યાઓ આવે છે અને આપણે નિરાશ થઈ વિચારીએ છીએ "અરે રે ,આ મારી સાથે શું થયું?" પણ યાદ રાખો એની પાછળ ભગવાનનું કોઈ અકળ પ્લાનીંગ હોય છે.જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે ઉદાસ ન થશો,આ વાર્તા યાદ કરજો અને વિચારજો કે જે કંઈ થાય છે એ સારા માટે જ થાય છે. ('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment