Saturday, August 13, 2016

આઝાદી દિન સ્પેશિયલ : શહીદ લ્યુટનન્ટ ત્રિવેણી સિંઘને સલામ

સાચા હીરોના છેલ્લા શબ્દો હતાં "મિશન પુરૂં થઈ ગયું છે, સર".
શુક્રવારનો જાન્યુઆરી ૨૦૦૪નો દિવસ હતો જ્યારે આખો દેશ નવા વર્ષની ઉજવણીના નશામાંથી બહાર આવી રહ્યો હતો,એક યુવા ભારતીય આર્મી ઓફિસરની વીરતાની ગાથાની એમાં પૂરતી નોંધ પણ લેવાઈ.રૂપેરી પડદે જોવા મળતા ફિલ્મી હીરો ની જેમ ખોટે ખોટે નહિ પણ વાસ્તવિક દુનિયામાં જમ્મુ રેલવે સ્ટેશન પર આતંકવાદી નરાધમો સાથે સામસામી પ્રત્યક્ષ લડાઈમાં લેફ્ટનન્ટ ત્રિવેણી સિંઘ શુક્રવારની એ રાતે પોતાના પ્રાણની આહુતિ આપી દેશ માટે અમર થઈ સાચા અર્થમાં હીરો બની રહ્યાં.
હૂમલાની દસ મિનિટમાં જમ્મુ રેલવે સ્ટેશન પર હૂમલાની જગાએ પહોંચી સિંઘ અને તેમની ક્વિક રીએકશન 'ઘાતક કમાન્ડો' ટીમે સ્ટેશન ખાલી કરાવી નાંખ્યું અને હૂમલાખોરોની લગભગ સાવ સામે આવી જઈ તેમની સામે લડવા માટે 'ઝિગ ઝેગ' પ્રણાલી અપનાવી.
પોતાના જીવને જોખમમાં મૂકી લ્યુટનન્ટ ત્રિવેણી સિંઘે દુશ્મનોની સામે જાતે ચાલીને ગોળીઓ તથા ગ્રિનેડ બોમ્બની વર્ષા ઝીલી અને એક આતંકવાદીને મોતને ઘાટ પહોંચાડી કાબૂ બહાર ગયેલી પરિસ્થિતી પર નિયંત્રણ મેળવ્યું. લશ્કરનો ગણવેશ ધારણ કરેલ બીજા આતંકવાદીએ ભાગતા પહેલા સિંઘ પર ગ્રિનેડ બોમ્બ ફેંક્યો પણ ગંભીર રીતે ઘવાયેલા વીર ત્રિવેણી સિંઘે ઉભા થઈ બીજા આતંકવાદીને પણ મોતને શરણે પહોંચાડી દીધો.
સિંઘના છેલ્લા શબ્દો હતાં," મિશન એકમ્પ્લીશ્ડ" અને જનરલ ઓફિસર કમાન્ડીંગ ને સલામી આપી તેઓ શહીદ થઈ ગયા.
મિશન પુરૂં થયું પણ પઠાણકોટમાં તેમના પરીવારજનો ને માથે આભ તૂટી પડ્યું. ત્રિવેણી સિંઘના પિતા સેવા નિવ્રુત્ત કેપ્ટન જનમેજ સિંઘ અને ખૂબ પ્રેમાળ માતા તેમના એક માત્ર સંતાન એવા ત્રિવેણી સિંઘના માર્ચ ૨૦૦૪માં લખાયેલા લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતાં, તેમનું સ્વપ્ન રોળાઈ ગયું. વીરગતિ પામેલા સંતાનને ગુમાવ્યાની માબાપની શબ્દોમાં વ્યક્ત થઈ શકે એવી પારાવાર વેદના કોઈ પામી કે વહેંચી શકશે નહિ.
સામાન્ય માણસની સુરક્ષા કાજે પોતાના પ્રાણની આહૂતિ આપનાર લ્યુટનન્ટ ત્રિવેણી સિંઘને લાખો સલામ!
જય હિન્દ!

નોંધ : ભારત સરકારે જાન્યુઆરી ૩૦, ૨૦૦૪ને દિવસે આ વીર શહીદનું તેમના આ પરાક્રમ બદલ ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'અશોક ચક્ર' (મરણોત્તર) આપી સન્માન કર્યું.


('ઈન્ટરનેટ પરથી')

1 comment: