Thursday, November 26, 2015

બે ઘોડા


મારા ઘરથી થોડે દૂર આવેલા એક વાડામાં બે ઘોડા રહેતા હતા.દૂર થી જુઓ તો તમને બંને ઘોડા અન્ય ઘોડાઓ જેવા સામાન્ય દેખાય. પણ જો તમે નજીક જઈ ધ્યાન થી જુઓ તો માલૂમ પડે કે તેમનામાં કંઈક નોખું તત્વ છે...
એક ઘોડાની આંખ ધ્યાનથી જુઓ તો જણાઈ આવશે કે તે અંધ છે.તેના દયાળુ પાલક માલિકે તેને ત્યજી દેતા અન્ય ઘોડા સાથે રાખવાનો નિર્ણય કર્યો અને તેનું જતનથી પાલન કર્યું.
જો તમે વધુ થોડું ધ્યાન આપશો તો જણાઈ આવશે કે એક ઘંટનો રણકાર ક્યાંકથી સતત સંભળાઈ રહ્યો છે. ફરી થોડા વધુ ધ્યાનથી જોશો તો જણાઈ આવશે કે બે ઘોડામાંથી નાના ઘોડાના ગળામાં બાંધેલા એક ઘંટમાંથી ધ્વનિ આવી રહ્યો છે. ઘંટનો અવાજ સાંભળી મોટા અંધ ઘોડાને ખ્યાલ આવે કે નાનો ઘોડો ક્યાં છે અને તે સતત તેને અનુસરે. તમે બે મિત્રોને સતત થોડા સમય સુધી જોયા કરશો તો તમને જણાશે કે નાનો ઘંટ વાળો ઘોડો મોટા અંધ ઘોડાનું ધ્યાન રાખે છે. અંધ ઘોડો સતત તેના કાન સરવા રાખી ઘંટના સ્વરની દિશામાં ચાલ્યો જાય છે એવા વિશ્વાસ સાથે કે તે ક્યારેય ગેરમાર્ગે નહિ દોરાય.
જ્યારે ઘંટ વાળો ઘોડો રોજ સાંજે પોતાના વાડા ભણી પાછો ફરતો હોય ત્યારે થોડી થોડી વારે ઉભો રહી પાછુ ફરી ખાતરી કરી લે છે કે તેનો અંધ મિત્ર એટલો બધો પાછળ તો નથી રહી ગયો ને કે તેને ઘંટનો નાદ સંભળાય.
બે ઘોડાઓના માલિકની જેમ ઇશ્વર પણ આપણને આપણામાં રહેલી ત્રુટિઓ કે મુશ્કેલીઓ હોય તેવે સમયે કે આપણે સંપૂર્ણ નથી એવા કારણથી છોડી કે તરછોડી દેતો નથી. આપણું સતત ધ્યાન રાખતો હોય છે અને જરૂર હોય તે વખતે આપણી મદદ પણ કરી લેતો હોય છે...
ક્યારેક આપણે વાર્તામાં વર્ણવેલા અંધ ઘોડા સમાન હોઇએ છિએ જેનું માર્ગદર્શન ઇશ્વરે આપણા જીવનમાં જે તે સમયે મૂકેલી વ્યક્તિઓના ગળામાં બાંધેલા અદ્રષ્ય ઘંટ કરે છે. તો ક્યારેક આપણે પોતાના ગળામાં અદ્રષ્ય ઘંટ પહેરી અન્યોનું માર્ગદર્શન કરતા હોઇએ છિએ.
સારા અને સાચા મિત્રો એવા માર્ગદર્શક હોય છે જે આપણને કદાચ સતત દેખાતા નથી પણ તમને વિશ્વાસ હોય છે કે તેઓ તમારા માટે, તમારી સાથે હાજર હોય છે.
તમે મારા અને હું તમારા ઘંટનો નાદ સતત સાંભળતા રહીએ અને યાદ રાખીએ જરૂર હોય તેના કરતા પણ વધુ ઉદારતા દાખવવાનું...
તમે જેને પણ મળો તે પોતાના અંગત સંઘર્ષો સામે લડી રહેલ હોય છે.

સાદું અને સરળ જીવન જીવો...
ઉદારતાથી પ્રેમ કરો...
ખૂબ જતન પૂર્વક પ્રિયજનોની કાળજી રાખો અને
સદાયે ઉદારતાભર્યાં સદવચનો બોલો,મધુર વાણી ઉચ્ચારો...

('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. ‘બે ઘોડા’ની વાર્તા મિત્રતા અને સંબંધોના પરીપ્રેક્ષ્યમાં ખૂબ યથાર્થ હતી.ગમી.આભાર
    - પુષ્પા કિશોર ગાલા

    ReplyDelete
  2. નરોત્તમભાઈ મહેતાNovember 26, 2015 at 4:30 AM

    ‘બે ઘોડા’ની વાર્તા ખૂબ સમજવા લાયક હતી. વાંચવાની મજા આવી.
    - નરોત્તમભાઈ મહેતા

    ReplyDelete