Saturday, November 7, 2015

દિવાળી


દિવાળી પ્રકાશ સાથે ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે. તહેવારને આપણે બધાં હિન્દુઓ જોમથી ઉજવીએ છીએ. પર્વ વિશેની કેટલીક ઓછી જાણીતી વાતો આજની જન્મભૂમિની 'ઇન્ટરનેટ કોર્નર' કટાર થકી તેમજ આવતી કાલની જન્મભૂમિ પ્રવાસીની મારી કટાર 'બ્લોગ ને ઝરૂખે થી...' થકી બે ભાગમાં શેર કરીશ.આપ સર્વે ને અંધારાથી જ્ઞાનના અજવાળા તરફ લઈ જતા તહેવારની તથા નવા વર્ષની હાર્દિક શુભેચ્છા!
 ભારત સાંસ્કૃતિક દ્રષ્ટીએ એટલો સમૃદ્ધ દેશ છે કે એમાં દર મહિને એકાદ નવો તહેવાર ઉજવાય છે.મોટા ભાગના તહેવારોનું મૂળ ભારતીય પુરાણોમાંથી જડી આવે છે અને લગભગ દરેક ભારતીય તહેવાર સાથે કેટલીક રસપ્રદ પૌરાણિક વાર્તાઓ પણ સંકળાયેલી જોવા મળે છે.
                સમૃદ્ધ આધ્યાત્મિક અને ધાર્મિક પોતને કારણે દરેક તહેવાર સાથે સંકળાયેલી આવી વાર્તાઓ એકાદ બે દેવ કે દેવી સાથે અચૂક વણાયેલી હોય છે.દિવાળી પણ આવો એક લોકપ્રિય તહેવાર છે જે એક નહિ પણ પાંચેક જેટલા તહેવારોના સમૂહ તરીકે એક સાથે ભારે ઉમંગોલ્લાસથી ઉજવાય છે.
તહેવાર સાથે સંકળાયેલી કેટલીક વાતો તો આપણે સૌ જાણીએ છીએ જેમકે દિવાળીને દિવસે શ્રી રામચંદ્ર ચૌદ વર્ષના વનવાસ બાદ લંકા પતિ અસુર રાવણને યુદ્ધમાં હરાવી તેમજ તેની પાસેથી પોતાની પત્ની સીતાને છોડાવી પોતાના લઘુબંધુ લક્ષમણ સાથે અયોધ્યા પરત ફર્યા હતા જેથી પૂરી અયોધ્યા નગરીએ પોતાના પ્રિય એવા રાજકુમારનું ભાવભીનું સ્વાગત ઝળહળતા દીવા પ્રગટાવી કર્યું હતું.
મહાભારત સાથે પણ કાર્તિકી અમાવસ્યાની એક રસપ્રદ વાર્તા સંકળાયેલી છે.કૌરવો સામે સોગઠાબાજીની રમતમાં હારી ગયા બાદ પાંડવોને તેર વર્ષનો વનવાસ વેઠવો પડ્યો. વનવાસ વેઠ્યા બાદ પાંડવો કાર્તિકી અમાસને દિવસે પોતાના રાજ્યમાં પાછા ફર્યાં.તેમનું સ્વાગત કરવા દરેક રાજ્યવાસીઓએ માટીના કોડિયામાં દીવા પ્રગટાવ્યાં અને ત્યારથી દિવાળી પ્રકાશના ઉત્સવની ઉજવણી શરૂ થઈ.
 પણ કદાચ ઘણાંને ખબર નહિ હોય કે દિવાળીની રાત પછીના પવિત્ર દિવસે ધનના દેવી શ્રી લક્ષ્મીનું અવતરણ થયું હતું. દેવ અને દાનવો વચ્ચે થયેલા સમુદ્ર મંથન દરમ્યાન પવિત્ર દિવસે સંપત્તિ અને સમૃદ્ધિના દેવી ગણાતા શ્રી લક્ષ્મી ઉદભવ્યા હતાં આથી દિવાળીની રાતે લક્ષ્મી પૂજન કરવાની પરંપરાનો શુભારંભ થયો.
દિવાળીને દિવસે ભગવાન વિષ્ણુએ તેમના પાંચમા અવતાર વામન સ્વરૂપે શ્રી લક્ષ્મીને બળી રાજાના બંધનમાંથી મુક્ત કર્યા હોવાનું પણ મનાય છે અને કારણે પણ દિવાળીએ મા લક્ષ્મીની પૂજા કરી દિવાળી ઉજવાતી હોવાનું મનાય છે.
દિવાળી ઉજવવા પાછળ અન્ય એક વાર્તા નરકાસુરની છે જે નેપાળની દક્ષિણે આવેલા પ્રાગજ્યોતિષ્પુર પર રાજ કરતો હતો.એક યુદ્ધમાં તેણે દેવ ઇન્દ્રને હરાવી કૃષ્ણના પત્ની સત્યભામાના સંબંધી અને દેવમાતા તેમજ સુરલોકના શાસક દેવી અદિતિના કાનના લટકણિયા છિનવી લીધા. નરકાસુરે દેવોની સોળહજાર પુત્રીઓને તેમજ સંતોને પણ કેદમાં પૂરી દીધાં. કૃષ્ણની મદદથી સત્યભામાએ નરકાસુરને હરાવ્યો અને તેની કેદમાંથી સોળહજાર સ્ત્રીઓની તેમજ સંતોને પણ છોડાવ્યાં અને દેવી અદિતિના લટકણિયા પણ પાછા મેળવી આપ્યાં.
બીજી એક વાર્તા પ્રમાણે મહાન હિન્દુ રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક દિવાળીને દિવસે થયો હતો તેની ઉજવણી રૂપે માટીના દિવા પ્રગટાવી પર્વ મનાવવાની શરૂઆત થઈ.
દિવાળી શરદ ઋતુની કાપણીના વૈભવની ઉજવણીનું પર્વ પણ ગણાય છે અને જુદા જુદા દેવી-દેવતાઓને સમર્પિત કરાયો છે.એમ પણ મનાય છે કે રામ વનવાસ બાદ વિમાનમાં બેસી પાછા ફરી રહ્યા હતાં ત્યારે હજારો અવધવાસીઓએ પ્રકાશિત દીવા પ્રગટાવ્યા હતા જેથી તેમના વિમાનને તેમની નગરીનો માર્ગ સહેલાઈથી જડી રહે. આમ વર્ષની સૌથી કાળી રાતે એક ઉજ્જવળ સવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું જ્યારે રામ તેમની પત્ની અને ભાઈ સાથે તેમની ખાનદાની રાજધાની અવધ નગરી પાછા ફર્યાં!
દિવાળી ત્રણ દેવીઓ લક્ષ્મી,કાલી(દુર્ગા) અને સરસ્વતી ના ઉદાર સ્વભાવની પણ ઉજવણી કરે છે. દિવાળીના બે દિવસ પહેલા ઉજવાતી ધનતેરસ શ્રી લક્ષ્મીને સમર્પિત કરાઈ છે જેના આશિર્વાદ એક સમૃદ્ધ,ફળદાયી અને શાંત-સુખી જીવન માટે જરૂરી છે.
દિવાળીને આગલે દિવસે ઉજવાતી કાળી ચૌદસ મહાકાળીમા ને સમર્પિત કરાઈ છે જેની તાકાત આપણે પ્રાપ્ત કરેલી સંપત્તિનું જતન અને જાળવણી કરવા જરૂરી છે.શારીરિક,માનસિક અને આધ્યાત્મિક તાકાત એક સુખી અને સંતુલિત જીવન જીવવા અતિ જરૂરી છે.
દિવાળી નો દિવસ દેવી સરસ્વતીને સમર્પિત કરાયો છે. જ્ઞાન સાચી સંપત્તિ છે જે કોઈ તમારી પાસે થી છિનવી શક્તું નથી. ખરી તાકાત પણ છે કારણ ગમે તેવા પ્રચંડ બળને ઝૂકાવી શકે છે.
('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment