Monday, March 9, 2015

એક નવપરિણીતાનો તેની માતાને પત્ર


[૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ઉજવાય છે એ પ્રસંગોચિત લેખ આજે ઇન્ટરનેટ કોર્નરમાં રજૂ કર્યો છે નારીશક્તિનું ગૌરવ કરવાં, તે કેટલાં સમાધાનો,ત્યાગો અને સમર્પણ દ્વારા આપણાં જીવનને સુખશાંતિ ભર્યું બનાવે છે એ સ્મરીને તેને નવાજવા...મહિલાઓનો જય હો!]

વ્હાલી મમ્મી,
દરેક સામાન્ય છોકરીની જેમ હું પણ બાળપણથી મારા લગ્નને લઈને અતિ ઉત્સુક હતી. મારા 'પ્રિન્સ ચાર્મિંગ'ની હું આતુરતા પૂર્વક રાહ જોતી હતી! ક્યારે સફેદ મજાના ઘોડા પર બેસી ને આવે, મને લઈ જાય અને અમે ખાઈપીને મોજ કરીએ!

પણ આજે જ્યારે હું પરણી ગઈ છું ત્યારે મને સમજાય છે કે લગ્ન કંઈ ફૂલોની પથારી નથી.એમાં માત્ર તમારે પ્રિયતમ સાથે સમય ગાળી સુખ સુખ ભોગવવાનું હોતું નથી. લગ્ન એનાથી ઘણી મોટી ઘટના છે. પોતાની સાથે અનેક જવાબદારીઓ,ફરજો,ત્યાગ અને સમાધાનો લઈને આવે છે.

હું હવે પહેલાની જેમ મન ફાવે ત્યારે ઉઠી શકતી નથી. ઘરનાં બીજા બધાં જાગી જાય પહેલા મારે ઉઠીને તૈયાર થઈ જવું પડે છે. હવે હું મારા મનપસંદ પાયજામામાં આખો દિવસ લઘરવઘર, પણ મોકળાશમાં ફરી શક્તી નથી. આખો વખત મારે વ્યવસ્થિત અને સુઘડ બનીને રહેવું પડે છે. હવે મારાથી, હું ઇચ્છું સમયે ઘરની બહાર નિકળી જઈ શકાતું નથી. મારી પાસેથી મારા સર્વે પરિવારજનોની જરૂરિયાત પ્રત્યે સજાગ રહેવાની અપેક્ષા હોય છે. મારાથી ગમે તે સમયે પલંગમાં લંબાવી શકાતું નથી. મારે સદાયે સક્રિય અને પરિવારની આસપાસ રહેવું પડે છે. મને બધાં રાજકુમારીની જેમ રાખે એવી આશા હું હવે રાખી શકતી નથી પણ મારે મારા સઘળાં કુટુંબીજનોની કાળજી લેવી પડે છે.

અને પછી ક્યારેક મને વિચાર આવી જાય છે હું આખરે પરણી શા માટે? હું તારી સાથે વધુ ખુશ હતી મમ્મા. ક્યારેક મન થાય છે કે ફરી દોડી ને તારી પાસે આવતી રહું અને તું મને પહેલા જેવા લાડ લડાવે! મિત્રો સાથે હર્યાફર્યા બાદ મને ઘેર પાછી ફરું ત્યારે ફરી તારા હાથનું સ્વાદિષ્ટ ખાવાનું માણવાનું મન થઈ જાય છે!તારા ખોળામાં માથું મૂકી સઘળી ચિંતાઓ ભૂલી જવાનું મન થઈ આવે છે!

પણ પછી અચાનક ભાન થાય છે કે જો તું પરણી હોત અને તે પણ તારા જીવનમાં ભોગ આપ્યા હોત, જે તે તારા લગ્નજીવન દરમ્યાન આપ્યાં છે, તો મારી પાસે બધાં સુખદ સંભારણાં ક્યાંથી હોત? અને સહસા બધાં પાછળ નો મર્મ સ્પષ્ટ થઈ જાય છે - બધાં આરામ,સુખ અને શાંતિ મારા પરિવારજનોને ભેટ ધરવા જેની ભેટ મને તારી પાસેથી મળી છે...

અને મને ખાતરી છે સમય સાથે, જેવી રીતે તું તારા જીવનને ચાહે છે તેમ હું પણ મારા નવા જીવનને મારા પૂર્વ જીવન જેટલું ચાહવા માંડીશ. મા,તેં આપેલા બધાં સમાધાનો અને ત્યાગો માટે તારો ખુબ ખુબ આભાર. મને પણ શક્તિ અને પ્રેરણા આપે છે.  હું તને ખુબ ચાહું છું.

-તારી વ્હાલી દિકરી

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. બહુજ સચોટ વાત ‘એક નવપરિણીતાના તેની માતાને પત્ર’માં કહી છે.
    એક દીકરીનો એકરાર - 'હું હંમેશા મમ્મીને ખોટી ગણતી પણ જયારે સમજાયું કે મમ્મી જ સાચી હતી ત્યારે હું ખુદ મમ્મી બની ગઈ હતી'.
    - રોહીત કાપડિયા

    ReplyDelete