Tuesday, January 6, 2015

અધુરૂં જ્ઞાન


એક ગામમાં છ અંધ માણસો રહેતાં હતાં. એક વાર ગામવાસીઓએ તેમને કહ્યું ગામમાં એક હાથી આવ્યો છે. અંધ માણસોને ખ્યાલ નહોતો હાથી કેવો હોય. તેમણે નક્કી કર્યું ભલે આપણે હાથીને જોઇ શકતા નથી પણ તેમ છતાં ચાલો જઇએ અને એ કેવો હોય તે અનુભવીએ.

તેઓ બધાં જ્યાં હાથી હતો ત્યાં ગયાં અને દરેકે હાથીને સ્પર્શી તે કેવો હોય તેનો અનુભવ કર્યો.

પહેલા અંધજન, જેણે હાથીના પગનો સ્પર્શ કર્યો તેણે કહ્યું હાથી થાંભલા જેવો હોય છે.

"ના ના...એ દોરડા જેવો હોય છે" બીજા અંધજને કહ્યું જેણે હાથીનું પૂછડું પકડ્યું હતું.

ત્રીજો કહે,"એ તો ઝાડની જાડી ડાળી જેવો હોય છે".તેના હાથમાં હાથીની સૂંઢ આવી હતી.

હાથીના સૂપડા જેવા કાન જેણે આમળ્યા હતાં તેણે કહ્યું હાથી તો હાથમાં પકડી નાખવામાં આવતા પંખા જેવો હોય છે.

જેણે હાથીના પેટ પર હાથ ફેરવ્યો હતો તે પાંચમા માણસે કહ્યું હાથી તો જાડી મોટી અને ઉંચી દિવાલ જેવો હોય છે.

જેણે હાથીના દંતશૂળનો સ્પર્શ કર્યો હતો તે કહે હાથી તો કડક સખત નળી જેવો હોય છે. તેઓ કલાકો સુધી એકમેક સાથે વાદવિવાદ કરતા રહ્યાં અને પોતાનું હાથી માટે કરેલું વર્ણન સાચું છે તે સાબિત કરવાની મથામણ કરતાં રહ્યાં. ખરું જોતાં તે દરેક પોતપોતાના દ્રષ્ટીકોણથી સાચા પણ હતાં પરંતુ તેઓમાંના દરેક સામાની વાત સાંભળવા તૈયાર નહોતા.

છેવટે તેમણે ગામનાં એક જ્ઞાની પુરુષ પાસે જઈ આ અંગે તેનો મત લેવાનો નિર્ણય લીધો. જ્ઞાની પુરુષે તેમની વાત સાંભળી કહ્યું તમારામાંનો દરેક સાચો પણ છે અને ખોટો પણ.કારણ તમે દરેકે હાથીનું એકએક અંગ જ અડયું હતું. આથી તમને દરેકને હાથીના અંગ વિશે અધૂરું જ્ઞાન છે અને જો તમે બધાંએ અધૂરાં જ્ઞાનને ભેગા કરી તમારા બધાંના જ્ઞાનનો સરવાળો કરો તો તમને આખો હાથી વાસ્તવિકતામાં કેવો હોય છે તેનો ખ્યાલ આવે.

કથાસાર :

આપણે સૌ પોતપોતાના દ્રષ્ટીકોણ મુજબ દરેક વસ્તુ કે ઘટનાને જોઇએ છીએ, મૂલવીએ છીએ. આપણે બીજાના દ્રષ્ટીકોણને પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ.આનાથી જુદીજુદી ઘટનાઓ અને પરિસ્થિતીઓને જોવાની અને સમજવાની સાચી દ્રષ્ટી આપણે કેળવી શકીશું.



('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. 'અધુરૂં જ્ઞાન' લેખ ખૂબ સરસ રહ્યો. અધુરૂં જ્ઞાન ખતરનાક હોય છે. અર્થ નો અનર્થ થઈ જતાં વાર નથી લાગતી.
    - અજય મોતા, ચંદ્રેશ મહેતા,મયુરસિંહ

    ReplyDelete