Monday, December 22, 2014

એ શહીદને લાખો સલામ...


તેને અતિશય પ્રિય એવા મેદાનમાં હતો એ જુવાન... ખરા દિલથી, નિષ્ઠાપૂર્વક અને આવેશ તેમજ જુસ્સા પૂર્વક ધ્યાન કેન્દ્રીત કરતો હતો ત્યારે જ વિધાતાએ પોતાની ક્રૂર રમત રમી અને નિર્દયતાથી તેના પ્રાણ હરી લીધાં...

એક ઉચ્ચ કારકિર્દીનો અકાળે પળવારમાં અંત આવી ગયો.આશાઓ,સપનાં અને પૂરા ન થયેલા વચનો...એ જુવાનના આત્માને ઇશ્વર ચિર શાંતિ બક્ષે...

તમને લાગતું હશે હું ફિલ હ્યુજીસની વાત કરી રહ્યો છું,ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જેનું તાજેતરમાં જ ૨૭મી નવેમ્બર ૨૦૧૪ના દિવસે ક્રિકેટના મેદાનમાં મૃત્યુ નિપજ્યું. તમારો વાંક નથી. અતિ સામ્યતા ધરાવતાં આવાજ એક કિસ્સામાં ફિલિપના મૃત્યુના બીજાજ દિવસે ભારતીય લશ્કરી દળનો એક હોનહાર યુવા સૈનિક કુલવિન્દર સિંઘ નાઈક રણમેદાનમાં કાશ્મીર ખાતે દુશ્મનો સામે લડતા લડતા વીરગતિ પામ્યો. આ એક એવો યુવાન છે જેણે દેશ માટે પોતાનો જાન આપી દીધો પણ કમનસીબે તેને આપણામાંના મોટા ભાગના ઓળખતા નહિ હોય...તેનું નામ પણ કોઈએ ભાગ્યે જ સાંભળ્યું હશે.જેમ ફિલ પોતાના કર્તવ્યનું પ્રમાણિકતા અને ખંતપૂર્વક પાલન કરી રહ્યો હતો તેમજ કુલવિન્દર પણ પોતાના દેશ માટે કર્તવ્યનિષ્ઠા બજાવી પોતાની પવિત્ર ફરજનું પાલન કરી રહ્યો હતો. તેણે એમ કરતાં કરતાં પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી.

પણ અહિ એક મોટો ફરક છે : ફિલનું મરણ તેના દેશ સહિત લગભગ આખી દુનિયામાં ગાજ્યું અને તેને નહોતા ઓળખતાં એવાં લોકોએ પણ તેના મૃત્યુ બદલ ઘેરા શોકની લાગણી અનુભવી - વ્યક્ત કરી, જ્યારે કુલવિન્દર સિંઘ નાઈકની શહીદી આ નગુણા દેશના ઇતિહાસમાં,અહિના છાપાંઓમાં નજરે પણ ન ચડે એ રીતે છપાયેલી એક ખબર બની ભૂતકાળ થઈ ગઈ, એક દુ:ખદ મરણનોંધનો આંકડો બનીને રહી ગઈ...એક પણ રાષ્ટ્રીય અખબારમાં આ વીરનો ફોટો સુદ્ધાં છપાયો નહોતો. શું આ એક આઘાતજનક દુ:ખદ બાબત નથી?

આપણાં દેશ માટે જાન કુરબાન કરી દેનારાં ગણવેશધારી પુરુષો અને સ્ત્રીઓની સાહસિકતા અને શૌર્ય પ્રત્યે આપણે કેટલાં બેદરકાર અને બેપરવા છીએ તેનો જીવતોજાગતો દાખલો છે આ. આપણે આપણી આ શરમજનક વર્તણૂંક બદલ ક્ષોભ અનુભવી એક જાગૃત રાષ્ટ્ર બનવાની સખત જરૂર છે.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment