Sunday, December 14, 2014

પ્રેમનો ચમત્કાર


કેરનને જ્યારે ખબર પડી કે તે બીજી વાર માતા બનવાની છે કે તરત તેણે એક આદર્શ માતાની જેમ પોતાના વર્ષના પ્રથમ સંતાન માઈકલને પોતાના બીજા સંતાનના આગમન માટે તૈયાર કરવાની શરૂઆત કરી દીધી. માઈકલને જાણે અણસાર આવી ગયો કે આવનાર નાની બહેન હશે અને તે દિવસ રાત મમ્મીના પેટ પાસે પોતાની નાની બહેન માટે ગીત ગાયા કરતો! હજી તો તેની બહેન દુનિયામાં આવી પણ નહોતી ત્યારથી તેનો પોતાની નાની બહેન સાથે એક અનોખો સંબંધ બંધાઈ ગયો.

સમય વિતતો ચાલ્યો અને આખરે એક દિવસ કેરનને પ્રસૂતિની પીડા ઉપડી.પ્રસૂતિ દરમ્યાન થોડી સમસ્યા ઉભી થઈ અને બાળકને ઓપરેશન દ્વારા લેવું પડે એવી પરિસ્થિતી ઉભી થઈ.

આખરે માઈકલની નાની બહેને દુનિયામાં પ્રવેશ કર્યો પણ તેની સ્થિતી ખુબ નાજુક હતી અને જન્મ બાદ તરત તેને બાળકોની ખાસ હોસ્પિટલમાં ઇન્ટેનસીવ કેર યુનિટમાં ખસેડવામાં આવી. ડોક્ટરોએ તેને સારામાં સારી સારવાર આપી પણ તેની તબિયત વધુ ને વધુ નાજુક થતી ચાલી.બે-ત્રણ દિવસ બાદ ડોક્ટરોએ શસ્ત્રો હેઠાં મૂકી દીધાં. કેરન અને તેના પતિને તેમની નવજાત બાળકીની અંતિમ ક્રિયા માટે જગા નોંધાવી દેવાનું કહી દેવામાં આવ્યું. બંને પોતાના ઘરમાં નવા મહેમાન માટે એક અલાયદો ઓરડો સજાવી રાખ્યો હતો પણ તેમને ક્યાં ખબર હતી કે તેમને આવા દુર્ભાગ્યનો સામનો કરવો પડશે.

માઈકલ બધાંથી સાવ અજાણ હતો અને તેણે સતત પોતાની વહાલી નાની બેન ને જોવાની અને તેની સમક્ષ ગીત ગાવાની નિર્દોષ બાળહઠ કર્યે રાખી. બાળકોને ક્યારેય ઇન્ટેનસિવ કેર યુનિટમાં પ્રવેશવા દેવામાં આવતાં નથી. નાની બાળકીની તબિયત એટલી લથડી ગયેલી કે લાગતું  હતું  જાણે  એક-બે દિવસમાં તે ઇશ્વર પાસે ચાલી જશે. કેરનનું માતૃ હ્રદય માઈકલની લાગણીભરી જીદ આગળ પિગળી ગયું અને તેણે કોઈ પણ ભોગે તેને હોસ્પિટલમાં તેની નાની બેન ને મળવા લઈ જવાનો નિર્ધાર કર્યો કારણ પછી કદાચ ક્યારેય પોતાની નાની બહેનને જોવા પામે એવી પરિસ્થિતી હતી.

તેણે માઈકલને પોતાના પતિના કોટ-પાટલૂન પહેરાવ્યાં અને તે એને ઇન્ટેનસિવ કેર યુનિટ સુધી લઈ ગઈ.  હાલતી ચાલતી કપડાની દુકાન જેવો લાગતો હતો. ત્યાં ફરજ પરની હેડ નર્સે તરત બાળક છે જાણતાં ઘાંટો પાડ્યો," બાળકને તાત્કાલિક અહિ થી બહાર લઈ જાઓ.તમને ખબર નથી પડતી અહિ બાળકોને પ્રવેશ નથી."

કેરનમાં રહેલું માતૃત્વ પૂર જોશમાં ઉમટી પડ્યું અને સદાયે શાંત રહેતી તેણે સીધું હેડ નર્સની આંખોમાં તાકીને દ્રઢતા પૂર્વક મક્કમ હોઠો સાથે કહ્યું," અહિ થી તેની નાની વહાલાસોયી બહેન સામે ગીત ગાયા વગર પાછો નહિ જાય." આમ બોલી તેણે માઈકલને તેની બહેનના પારણા સુધી હળવેથી ધકેલ્યો.

પહેલા તો માઈકલ નાનકડી દેવદૂત સમી મોત સામે ઝઝૂમી રહેલી પોતાની સગી નાની બહેન સામે એકીટશે સ્નેહ પૂર્વક તાકી રહ્યો. થોડી ક્ષણો બાદ તેણે ગાવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષની વયના હ્રદયથી શુદ્ધ એવા સ્વરમાં માઈકલ તેની બહેનને સંબોધી તેની સમક્ષ ગાવા લાગ્યો "તું મારા સૂર્યની રોશની છે...તું મારા સૂર્યનું અજવાળું છે...આકાશ જ્યારે કાળું ડિબાંગ થઈ જાય ત્યારે તું મને ખુશી આપે છે..."  અને તરત આની જાદૂઈ અસર થઈ! નાનકડી બાળકી જાણે પોતાના ભાઈની ચેષ્ટાનો ત્વરીત પ્રતિભાવ આપી રહી. તેના ધબકારા સામાન્ય થવા માંડ્યા. કેરન આંખોમાં હર્ષાશ્રુ સાથે ઉતાવળે બોલી "માઈકલ બેટા ગાવાનું ચાલુ રાખ...ગાતો રહે..." માઈકલે ગાવાનું ચાલુ રાખ્યું  " તું જાણતી નથી વહાલી, હું તને કેટલું ચાહું છું... કૃપા કરી મારા સૂર્યની રોશની ક્યારેય છિનવી લઈશ નહિ..."

માઈકલના ગીતે ચમત્કાર સર્જ્યો અને નાનકડી બાળકીના અનિયમિત અને ભારે શ્વાચ્છોશ્વાસ બિલાડીનાં સુંદર બચ્ચાનાં નાજુક કંપન  જેવા સુંવાળા થઈ ગયાં.

"ગાતો રહે વહાલા દિકરા"  કેરન રડતા રડતા બોલી રહી...

" ...અને બે દિવસ પહેલાંની રાતે મેં સ્વપ્ન દીઠું જેમાં મેં તને વહાલથી મારા હાથોમાં તેડી હતી..."

માઈકલની નાની બહેન ધીમે ધીમે આરામથી સૂવા માંડી - શાંતિ પૂર્વક.

"માઈકલ ગાવાનું ચાલુ રાખ બેટા.." કડક એવી હેડ નર્સની આંખોનાં ખૂણાં પણ ભાવવાહી દ્રષ્ય જોઈ ભીનાં બન્યાં. કેરન આનંદવિભોર બની ગઈ હતી.

" તું મારા સૂર્યની રોશની છે...તું મારા સૂર્યનું અજવાળું છે...આકાશ જ્યારે કાળું ડિબાંગ થઈ જાય ત્યારે તું મને ખુશી આપે છે..."

બીજા દિવસે નાનકડી પરીની તબિયત એટલી સુધરી ગઈ હતી કે તે પોતાને ઘેર જવા તૈયાર હતી! મહિલાઓના એક મેગેઝીનમાં વાત ભાઈના ગીતના ચમત્કાર શિર્ષક હેઠળ છપાઈ .હોસ્પિટલના સ્ટાફે ઘટનાને માત્ર ચમત્કાર લેખાવી. કેરને તેને પ્રભુના પ્રેમનો ચમત્કાર કહ્યો.

તમે જેને ચાહતા હોવ તેને માટે સદાયે આશા જીવંત રાખજો. પ્રેમમાં અમાપ તાકાત છે.

જીવન સુંદર છે. તમારો દિવસ શુભ રહો!

('ઈન્ટરનેટ પરથી')

3 comments:

  1. પ્રેમનો ચમત્કાર વાર્તા ખૂબ સારી હતી.પ્રેમ શાશ્વત છે.
    - ચંદ્રેશ મહેતા, આશિષ શાહ,વિપુલ પારેખ

    ReplyDelete
  2. ‘પ્રેમનો ચમત્કાર’ આ લેખનો પ્રતિભાવ એક જ વાક્યમાં આપી શકાય - 'પ્રેમ એટલે સંજીવની '. હ્રદયસ્પર્શી વાત હતી. પ્રેરણાત્મક વિચારોને ફેલાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
    - રોહીત કાપડિયા

    ReplyDelete
  3. પ્રેમનો ચમત્કાર સુંદર લેખ. કેરનને પ્રભુનાં પ્રેમનો ચમત્કાર લાગે છે. પણ આપણાં શાસ્ત્રોએ સિદ્ધ કર્યું છે કે ગર્ભાવસ્થામાં પણ બાળક સંસ્કાર ગ્રહણ કરતું હોય છે. માતાનાં પેટ પાસે નાનો માઈકલ ગીત ગાતો હતો તે નાનકડું ગર્ભસ્થ શિશુ સાંભળતું હતું.એ જ અવાજ જ્યારે તેને બહારની દુનિયામાં આવ્યાં બાદ સાંભળવા મળ્યો ત્યારે તેના હ્રદયના ધબકારાં સામાન્ય થઈ ગયાં હોય એવું મારું માનવું છે.
    - ઇલા વૈદ્ય

    ReplyDelete