Monday, April 7, 2014

બ્રુસ લી ની સોનેરી શિખામણ (ભાગ - ૨)


.તમારી જાત માટે જીવો
"હું જગતમાં તારી અપેક્ષાઓ સંતોષી શકું માટે નથી કે નથી તું જગતમાં મારી અપેક્ષાઓ સંતોષવા."
તમારે જીવન તમારા પોતાના ધારાધોરણો મુજબ જીવવાનો પ્રયત્ન કરવો જોઇએ. જગતમાં એવા પુષ્કળ લોકો છે જેઓ સતત બીજાઓ તેમના માટે શું વિચારતા હશે કે તેઓ કયો વારસો પોતાની પાછળ મૂકીને જશે તેની ચિંતા કર્યા કરતાં હોય છે.પછી ભલે તમારા માતાપિતાને ખુશ કરવા જેવી નાની બાબત હોય કે પછી સમાજના ચોક્કસ જૂથને રીઝવવાની માથાકૂટ, કયો અર્થ સારે છે?
જો તમે સતત બીજાઓ પર પ્રભાવ પાડવા કે તમે શું હોવા જોઇએ તે અંગેની અન્યોની અપેક્ષાઓ સંતોષવામાં જીવન વ્યતીત કરી નાંખશો તો તમે તમારી મૂળભૂત ઓળખાણ,તમારૂં પોતાનું અલાયદુ વ્યક્તિત્વ ખોઇ બેસશો.
 મનુષ્યો અનોખા જીવો છે.તેઓ અજોડ સામર્થ્ય ધરાવે છે,આગવા વિચારો ધરાવે છે અને અનન્ય લાગણીઓ અનુભવે છે.પોતાની ખુશી માટે જીવનને સંપૂર્ણ રીતે તરાશવું જોઇએ,માણવું જોઇએ.ઘણી વાર તમારી ખુશી તમારા સ્વજનો અને પ્રિયજનોની ખુશીમાં હોય છે.પણ તમારા સૌથી મોટા આલોચક અને નિર્ણાયક તમે પોતે હોવા જોઇએ,અન્ય કોઈ નહિ. 

 . સમય મર્યાદિત છે
" જો તમે જીવનને ચાહતા હોવ તો સમય વેડફશો નહો કારણ જીવન સમયનું બનેલું હોય છે."
સમય દરેક માટે એક સરખી ગતિએ વહે છે.તે કોઈ માટે થોભતો નથી કે કોઈ માટે ધીમો પડતો નથી.કોઈ જાણી શક્યું નથી કે પોતાની પાસે કેટલો સમય બચ્યો છે.આમ સમય અતિ મૂલ્યવાન વસ્તુ છે,જીવનની જેમજ. જીવન લાગણી ભર્યા અવિસ્મરણીય અનુભવો,માન્યતાઓ અને દરેક પ્રકારની અજાયબીઓનો શંભુમેળો છે.
વર્તમાન ક્ષણમાં જીવો અને કોઈ પણ વસ્તુને હળવાશથી લો.તમે જે કંઈ કરો છો તેને ભરપુર માણો કારણ તમને ખબર નથી તમારો સમય ક્યારે પૂરો થઈ જવાનો છે.જ્યારે તમે તમને ગમતી બાબત કરવાને બદલે અન્યોની અપેક્ષાઓ સંતોષવામાં કે કંઈ કરીને સમય વેડફો છો ત્યારે તમે તમારી જાતને છેતરો છો.ધ્યાન રાખો કે તમારા સમયનો પૂરેપૂરો સદુપયોગ થાય,તમારા પોતાના વિકાસ માટે,નિજાનંદ માટે. 

જીવનમાં પરિવર્તનક્ષમ બનો
"વંટોળ આવે ત્યારે સૌથી કડક અને ટટ્ટાર વૃક્ષ પહેલું કડડભૂસ થાય છે જ્યારે સહેલાઈથી નમી જનાર વૃક્ષ પવન સાથે ઝૂકી જઈને ટકી જાય છે."
જ્યારે તમે કોઈક ચોક્કસ યોજનાઓ કે જૂના રસ્તાઓને જડપણે વળગી રહો છો ત્યારે તમે તમારી જાત સાથે બહુ ખોટું કરી રહ્યા છો.સતત પરિવર્તન જગતનો નિયમ છે અને તમારી સમક્ષ જીવનમાં તમે ટકી રહો માટે અનેક મુશ્કેલ પડકારો ફેંકશે.જો આવે વખતે તમે બદલાયા વગર જૂની રીતોને   જડપણે વળગી રહેશો તો તમે તેમનો સામનો કરી શકશો નહિ. પ્રસંગો દરમ્યાન પેલા ઝૂકી જનાર વૃક્ષની જેમ તમે નરમ અને ઉદાર વલણના બની મુશ્કેલીઓનો સામનો કરશો તો ચોક્કસ સઘળા દબાણ સામે ટકી રહેશો અને તમને તેમનો ઉકેલ મળી આવશે.
તમારા મગજને જીવનમાં પરિવર્તનક્ષમ બનવા કેળવો.જ્યારે નવા સંકટો આવે ત્યારે તેમનો સામનો કરવા તૈયાર રહો. વ્યૂહને તમારા વ્યવસાયમાં પણ અપનાવો કારણ તાજેતરમાં ઘણા નવા વ્યવસાયો જક્કી વલણને કારણે નાશ પામ્યાં હોવાનું નોંધાયું છે.પરિવર્તનશીલ જોરાવર અને પ્રચંડ નિવડે છે.

તમારા જીવનને સરળ બનાવી દો
"રોજ તમારા જીવનમાં બિનજરૂરી ચીજવસ્તુઓનો વધારો નહિ બલ્કે ઘટાડો નોંધાવો જોઇએ"
જીવનમાં ઘણી આસાનીથી તમે જુદી જુદી અનેક પ્રકારની વસ્તુઓમાં ઘેરાઈ જઈ શકો છો.જ્યારે તમે બે ડગલા પાછા ફરી તમારા જીવન તરફ દ્રષ્ટી કરશો ત્યારે જણાશે કે એમાં એવા ઘણાં બધાં તત્વો બિનજરૂરી છે જે તમે દૂર કરી શકો છો જેનાથી તમે તમારી મનપસંદ અને તમારા માટે ખરેખર મહત્વની હોય એવી બાબતો માટે સમય ફાળવી શકશો.
તમારા જીવનને થોડું આયોજન પૂર્વક અને વ્યવસ્થિત રીતે જીવશો તો તે ગુણવત્તા સભર બની રહેશે. એક ખૂબ સારી વાત છે કે જે દરેકે દરેક જણે અનુસરવી જોઇએ. તમારે મન જેનું અદકેરૂં મહત્વ હોય તેના પર ધ્યાન પૂરેપૂરું કેન્દ્રિત કરીને  જો તમે જીવન જીવી શકો તો તમે ઘણું બધું પ્રાપ્ત કરી શકો. શક્ય એટલી ક્ષુલ્લક બાબતોને તમારા જીવનમાંથી તિલાંજલિ આપી દો.
બધું વાંચતા જણાય છે કે બ્રુસ લી એક તર્કશાસ્ત્રી છે.જીવન કઈ રીતે બહેતર જીવી શકાય માટે તેની પાસે ઘણી તરકીબો છે અને તેની કેટલીક વિચારસરણીને અનુસરીએ તો આપણને પણ તેમાંથી જીવનમાં હકારાત્મક પરિવર્તન આણવાની અદભૂત પ્રેરણા મળી શકે એમ છે. બ્રુસ લી આપેલી બધી સોનેરી શિખામણો અતિ વ્યવહારૂ છે.જો તમને બધી વાતો પાછળનો સાચો મર્મ સમજાયો હોય તો તેમને અનુસરવાનો પ્રયત્ન કરજો, સુખ તમારા સરનામે તમને શોધતું આવશે.

(સંપૂર્ણ)

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment