Saturday, April 19, 2014

રેતીના કિલ્લા


ઉનાળાની એક સમી સાંજે હું દરિયા કિનારે લટાર મારી રહ્યો હતો ત્યાં મારી નજર બે સુંદર બાળકો પર પડી.એક છોકરો અને એક છોકરી જે રેતીમાં રમી રહ્યાં હતાં.તેઓ દરિયાના પાણીથી થોડે દૂર, થોડી પલળેલી રેતી હોય ત્યાં એક સરસ મજાનો મોટો રેતીનો કિલ્લો બનાવવામાં મશગૂલ હતાં.કિલ્લામાં તેમણે અનેક દાદરા,દરવાજા,બારીઓ અને બૂરજો બનાવ્યાં હતાં.કિલ્લો હજી પૂરેપૂરો બન્યો નહોતો પણ ખૂબ ભવ્ય અને સુંદર દેખાતો હતો.હું તેમની રમત જોવા ત્યાં ઉભો રહી ગયો.

તેમનો કિલ્લો પૂર્ણ બનવાના આરે હતો ત્યાં અચાનક દરિયાનું એક મોટું મોજું આવ્યું અને તેમની કલાકોની મહેનત પર તેણે પાણી ફેરવી દઈ કિલ્લો રેતી ભેગો કરી દીધો.મેં ધારેલું કે તે બે બાળકો રડી પડશે અને તેમની બધી મહેનત પાણીમાં જતાં, નિરાશ થઈ લમણે હાથ દઈ બેસી જશે.

પણ તેમણે મને આશ્ચર્યમાં મૂકી દીધો! નાસીપાસ થવાને બદલે તેઓ હસતાં,રમતાં એક બીજાનો હાથ પકડી દરિયાના પાણી થી થોડે દૂર ગયાં અને નવી જગાએ બેસી ફરી કિલ્લો બનાવવા લાગ્યાં! તેમણે મને એક અતિ મહત્વનો પાઠ શિખવ્યો.

આપણાં જીવનમાં પણ દરેક વસ્તુઓ,ઘણો સમય અને શક્તિ વાપરીને આપણે બનાવેલા સંકુલ માળખાં રેતી પર બનેલાં હોય છે.માત્ર અન્ય લોકો સાથે બાંધેલાં અને જાળવેલાં સંબંધો લાંબા ટકે છે.

મોડા કે વહેલા,મોજું આવી આપણી બધી મહેનત પર પાણી ફેરવી દેવાનું છે.આવે વખતે જેને કોઈનો સહારો આપતો હાથ અને સ્મિત પ્રાપ્ત થાય છે,તેજ વ્યક્તિ હસીને જીવનમાં આગળ વધી શકે છે ફરી નવો કિલ્લો બાંધવા...

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment