Friday, October 11, 2013

બસમાં મદદ અને પ્રશંસા


મારે એરપોર્ટ જવા માટે જે શટલ બસ લેવાની હતી તે ખરાબ સેવા માટે કુખ્યાત હતી. પણ મારી જેમ ઘણાં પ્રવાસીઓને અન્ય કોઈ પર્યાય પ્રાપ્ય હોવાને લીધે બસ સેવાનો ઉપયોગ કર્યા સિવાય છૂટકો નહોતો.
હું બસમાં મારી બેઠક પર બેઠો બેઠો વિશે વિચાર કરતો હતો ત્યાં એક યુવાન સૈનિક બસમાં ચડ્યો. તે પોતાના લશ્કરી ગણવેશમાં હતો અને તેણે ખભે પોતાના સામાનનો ઝોલો ભરાવ્યો હતો અને હાથમાં ટીકીટ પકડેલી હતી.પણ ડ્રાઈવરે તેની ટીકીટ સ્વીકારી નહિ.
બન્યું એમ હતું કે ટીકીટની ફોર્મેટ બરાબર નહોતી. બનાવનારે તેમાં પૂરી વિગતો યોગ્ય રીતે ભરી નહોતી આથી પેલા ડ્રાઈવરે બિચારા સૈનિકને બસમાંથી ઉતારી મૂકવાનો જાણે નિર્ણય લઈ લીધો અને તે કેમેય કરીને તેને બસમાં પ્રવાસ કરવા દેશે નહિ એમ લાગ્યું. સૈનિક પાસે ભાડા માટે જરૂરી રોકડા પૈસા નહોતા અને શટલ સેવા પણ સરકારી સેવા હોવા છતાં સૈનિકની ટીકીત કોઈ ભોગે પેલા પરવાના પરથી મંજૂર થઈ જાય એમ લાગતું નહોતું.
હું બધો ઘટનાક્રમ નિહાળી રહ્યો હતો અને મેં ડ્રાઈવર અને સૈનિક વચ્ચેનો બધો સંવાદ સાંભળ્યો. મારાથી રહેવાયું નહિ અને હું સીધો ઉભો થઈ ડ્રાઈવર જ્યાં સૈનિક સાથે જીભાજોડી કરી રહ્યો હતો તેની એકદમ નજીક જઈ પહોંચ્યો. મેં અન્ય પ્રવાસીઓ તરફ મોઢું ફેરવી તેમને સંબોધીને મોટેથી કહ્યું," એક અતિ ખરાબ અને વાહિયાત બાબત છે. યુવાન જે આપણા સૌની સુરક્ષા કાજે પોતાનું સર્વસ્વ ત્યજી દઈ દેશની સેવા કરવા ફરજ પર જઈ રહ્યો છે, તેણે આવી પરિસ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે. મારે મતે આપણે સૌએ મળીને તેનું સાડત્રીસ ડોલરનું  બસ ભાડુ ચૂકવી દેવું જોઇએ. કોણ કોણ આમાં મને સહકાર આપશે?"
મેં મારા ખિસ્સામાંથી દસ ડોલર બહાર કાઢ્યાં અને સૌ સમક્ષ દેખાય તેમ દર્શાવ્યા.અન્ય વીસ મુસાફરોએ તરત પોતપોતાના પાકીટમાંથી પૈસા કાઢ્યા અને મારા તરફ મોકલ્યાં.
બધી રકમ હાથમાં લઈ હવે હું ડ્રાઈવર તરફ ફર્યો. તે બધું નિહાળી સહેજ છોભીલો તો પડી ગયેલો, છતાં તેણે સૈનિકના ભાડાના સાડત્રીસ ડોલર ગણી બાકીના લગભગ સોએક ડોલર મને પાછા આપ્યા. મેં બધા વધેલા પૈસા આશ્ચર્યચકિત સૈનિકને આપ્યા અને તેને એક આલિંગન આપ્યું.
પછી હું પાછો મારી જગાએ આવીને બેસી ગયો. પણ બસ તો તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠી!
હું જ્યારી બસમાં ચડેલો ત્યારે મારો મૂડ કંઈ વધુ સારો નહોતો પણ કોઈની મદદ કરીને, ખાસ કરીને એને લાયક એવા યુવાન સૈનિકની મદદ કરીને મારું હ્રદય ખૂબ ખૂબ આનંદ અનુભવી રહ્યું હતું.
('ઈન્ટરનેટ પરથી')

3 comments:

 1. જો તમે કોઈ જરૂરિયાતમંદ માણસને મદદ કરો તો જ તમે સાચા માણસ છો.તમારો 'ઇન્ટરનેટ કોર્નર'નો લેખ 'બસમાં મદદ અને પ્રશંસા' ખૂબ પ્રેરણાત્મક રહ્યો.
  - વિક્રમ (વ્હોટ્સએપ દ્વારા)

  ReplyDelete
 2. તમારા જન્મભૂમિમાં આવતાં લેખોનો હું જબરદસ્ત ફેન છું!
  - અશ્વિન સી. આહિર (ફેસબુક દ્વારા)

  ReplyDelete
 3. 'બસમાં મદદ અને પ્રશંસા' વાંચી તાત્કાલિક ફોન કર્યા વગર રહેવાયું નહિ. શરૂઆતથી જ 'ઇન્ટરનેટ કોર્નર' વાંચુ છું પણ પ્રથમ વાર ફોન કર્યો અને આ પ્રતિભાવ લખી મોકલાવ્યો છે.જરૂરિયાત વાળા કોઈને પણ મદદ કરવી એ ખુબ સારૂં અને પુણ્યશાળી કામ. આવી ઉચ્ચ ભાવનાવાળા લેખ દ્વારા આ કોર્નર વાચકોને જાગ્રુત રાખવાનું અને સેવાભાવના પેદા કરવાનું કામ સદા કરતું રહે અવી શુભેચ્છા!
  - રાજન પ્રતાપ (વડોદરા), ઇમેલ દ્વારા

  ReplyDelete