Saturday, August 3, 2013

(ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ) : સાચી મિત્રતા


જોન એન્ડરસનની પત્ની ડેબી એન્ડરસન તરફથી :

 આજે હું મારા પતિ અને તેમની અદભૂત મિત્રતાની વાત કહેવાની છું. તેમને વ્રુદ્ધો પ્રત્યે પહેલેથી વિશેષ લગાવ રહ્યો છે અને તેઓ તેમના અનેક મોટી ઉંમરના મિત્રોની સહાય કરવા સદભાગી બન્યા છે. પણ આ કિસ્સો  નિરાળો છે.

                મિ.ડેવ્સ અને મારા પતિ જોન લગભગ પંદર વર્ષ સુધી એક તળાવમાં માછલી પકડવા જતાં. તેમની વચ્ચે સારી એવી મિત્રતા બંધાઈ હતી. પણ પાંચ વર્ષ પહેલા જ્યારથી મિસીસ ડેવ્સનું મૃત્યુ થયું ત્યારથી મિ.ડેવ્સ ખૂબ એકલા  પડી ગયા હતા. તેમને કોઈ સંતાન નહોતું અને લગ્નજીવનના ૬૦ વર્ષના સંગાથ પછી એકલતા મિ.ડેવ્સ માટે વજ્રાઘાત સમાન હતી. આથી જોન વારંવાર તેમને ફિશીંગ માટે લઈ જતા. ૮૦ વર્ષની વયે પણ મિ.ડેવ્સ ઘણાં તાકાતવાન હતા અને તેઓ જોન સાથે ફિશીંગ કરવા જતી વખતે ક્યારેય થાકતા નહિ.

વાતનાં થોડાં વર્ષો બાદ અચાનક એક દિવસ મિ.ડેવ્સને પક્ષઘાતનો જબરદસ્ત હૂમલો આવ્યો અને તેમનું આખું જમણું અંગ ખોટું પડી ગયું. તેઓ પોતાની વાચા પણ ગુમાવી બેઠા. તેમને એક દવાખાનામાં દાખલ કરી દેવામાં આવ્યા. ખાટલાવશ થઈ જવાથી અને પોતાની જાતને વ્યક્ત કરી શકવાને કારણે મિ.ડેવ્સ વારંવાર હતાશામાં સરી પડતા અને જોઈ જોન ખૂબ દુ:ખી થઈ જતા.જોને  ડોક્ટર્સને આજીજી કરી આખરે મિ.ડેવ્સને બહાર ખુલ્લામાં લઈ જવાની પરવાનગી મેળવી લીધી. બંને મિત્રોને લાંબા સમય બાદ ફરી સાથે બહાર જવા મળ્યુ હોવાથી તેઓ બંને ખૂબ ખુશ હતાં. પરંતુ મિ.ડેવ્સને ઉપાડી જોનની ગાડીમાં બેસાડવામાં ઘણી તકલીફ  પડતી. મિ.ડેવ્સનું અડધું અંગ લકવાગ્રસ્ત હોવાથી તેમના શરીરના સ્વસ્થ સાજા ભાગ પર ઘણું વજન આવતું હતું.

જોનને જોઈ ઘણી ચિંતા થતી હતી પણ આમ છતાં તે દર ૧૦ દિવસે મિ.ડેવ્સને  પોતાની ગાડીમાં  બેસાડી બહાર ફરવા લઈ જતા. જોને તેમની અતિ પ્રિય ગાડી એક વર્ષ પહેલા ખરીદી હતી. તે એમના કામકાજ માટે ખૂબ અનુકૂળ આવે તેવી હતી અને ખૂબ વેગીલી, મજબૂત અને ટકાઉ હતી.પણ એક દિવસ ઘેર આવ્યા અને મને કહેવા લાગ્યા કે તેમણે ગાડી વેચી દીધી છે જેથી પોતે મોટી વેન ખરીદી શકે જેમાં વ્હીલચેર બેસાડવાની વ્યવસ્થા થઈ શકે એમ હોય. પછી તો અમે સાથે મળીને આવી સુવિધાદાયક ગાડી ખોળવાની  શરૂઆત કરી અને અમને એવી મોટી વેન ગાડી મળી પણ ગઈ. હવે જોને તેના કામકાજ માટે પણ ગાડી વાપરવી પડતી. ભલે તે ખૂબ મજબૂત,ટકાઉ અને ઝડપી નહોતી પણ તેનાથી મિ.ડેવ્સની સુવિધા ઘણી વધી ગઈ અને તેઓ હવે ઝાઝી  તકલીફ વગર મુસાફરી કરી શકતા. જોનને પણ આથી ખૂબ આરામ અને સુખ મળતાં.

આટલું નહિ, જોને મિ.ડેવ્સ સહેલાઈથી વાપરી શકે એવો ખાસ ફિશીંગ રોડ તૈયાર કર્યો  હતો  જેનો ઉપયોગ મિ.ડેવ્સ જોન સાથે તેમના નિયત તળાવે માછલી પકડવા જતી વખતે કરતા. મિ.ડેવ્સ બોલી તો શકતા નથી પણ તેમણે દવાખાનાનાં સ્ટાફમાં એવી માન્યતા પ્રચલિત કરી દીધી છે કે જોન તેમનો સગો દિકરો છે. મિ.ડેવ્સ ૮૬ વર્ષના થયા છે પણ એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય કે આજે તે જોનને કારણે જિવીત છે. મેં હજી સુધી જોન સિવાય એવી કોઈ વ્યક્તિ જોઈ નથી જેણે મિત્રતા ખાતર પોતાની સૌથી વહાલી અને અનેક મુસીબતો વેઠીને પ્રાપ્ત કરેલી ચીજ આટલી સહજતાથી ત્યાગી દીધી હોય. હું આશા રાખું છું કે આમાથી બીજા બધાં સાચી મિત્રતાના અને જરૂરિયાત સમયે મિત્રને મદદ કરવા ગમે તે કરી છૂટવાના પાઠ શીખે.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment