Saturday, December 15, 2012

કાચબાકથા

કાચબાઓના એક કુટુંબે એક વાર પિકનિક પર જવાનું નક્કી કર્યું. કાચબાઓ મૂળ સ્વભાવે જ ધીમા હોવાને લીધે આ પિકનિકની પૂર્વતૈયારીમાં જ તેઓએ સાત વર્ષ કાઢી નાંખ્યા. ત્યારબાદ આખરે તેમણે ઘર છોડ્યું અને બીજું એક વર્ષ પિકનિક માટે યોગ્ય ઠેકાણુંશોધવામાંકાઢીનાંખ્યું. આખરે બીજે વર્ષે તેમને તેમની નિર્ધારીત પિકનિક માટે આદર્શ સ્થળ મળી ગયું!


છ એક મહિના તેમણે એ વિસ્તારને ચોખ્ખો બનાવવામાં,માલસામાન ખોલવામાંને બીજી વ્યવસ્થામાં વિતાવી દીધાં. પણ ત્યારે તેમને ભાન થયું કે તેઓ મીઠું ઘરે જ ભૂલી ગયાં હતાં. હવે મીઠા વગરનું ખાવાનું અને ખાધા વગરની પિકનિક તે હોઈ શકે ભલા? લાંબી ચર્ચાવિચારણાને અંતે એવો નિર્ણય લેવામાં આવ્યો કે તેમના કુટુંબનો સૌથી યુવાન કાચબો મીઠું લઈ આવવા ઘરે પાછો જાય.

તે ધીમા કાચબા પરિવારનો સૌથી ઝડપી સભ્ય હોવા છતા તેણે ફરિયાદ કરી, કજિયા કર્યા અને તે પોતાની ઢાલ-કવચમાં ખૂબ રડ્યો-કકળ્યો. આખરે એક શરત પર તે પાછો ઘરે જવા તૈયાર થયો- જ્યાં સુધી તે પાછો ન ફરે ત્યાં સુધી પરિવારનું અન્ય કોઈ સભ્ય કંઈ જ ખાશે નહિં. સૌએ આ શરત મંજૂર રાખી અને એ યુવાન કાચબાભાઈ મીઠું લઈ આવવા ઘર તરફ પાછા જવા રવાના થયાં.

આ ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયાં પણ મીઠું લેવા ગયેલો યુવાન કાચબો પાછો ફર્યો નહિં. પાંચ વર્ષ.... છ વર્ષ...અંતે સાત વર્ષ વિતી ગયા બાદ કુટુંબનો સૌથી વયસ્ક કાચબો પોતાની ભૂખ રોકી શક્યો નહિં. તેણે જાહેર કર્યું કે તે હવે ખાવા જઈ રહ્યો છે અને તેણે સેન્ડવિચનું પેકેટ ખોલવા માંડ્યું. તે જ ઘડીએ અચાનક એક ઝાડપાછળથી પેલો મીઠું લેવા ગયેલો સૌથી યુવાન કાચબો બહાર દોડીઆવ્યોઅનેબોલ્યો:"જો….જો…..હું નહોતો કહેતો કે તમે મારી રાહ નહિ જ જુઓ...! હવે હું મીઠું લેવા નહિ જાઉં!"

ઉપસંહાર: બીજાઓ આપણી અપેક્ષામાં ખરાં ઉતરે તેની રાહ જોવામાં જ આપણાંમાંના ઘણાં જીવન વ્યતિત કરી દેતા હોય છે. આપણે પોતે જે, ન કરતા હોઈએ તે અન્યો કરે છે કે નહિં એ અંગે આપણે વધુ પડતાં ચિંતિત હોઈએ છીએ.

(‘ઇન્ટરનેટ પરથી’)

No comments:

Post a Comment