Saturday, December 22, 2012

શ્રીમદ્દ ભગવદગીતા

વાચક મિત્રો આવતી કાલે ગીતા જયંતિ છે. આ નિમિત્તે આજે ઇન્ટરનેટ કોર્નરમાં આ ભારતીય મહાગ્રંથ વિશે વિશ્વની મહાન વિભૂતિઓએ શા અભિપ્રાય વ્યક્ત કર્યા છે તે જોઇએ.


આલ્બર્ટ આઈન્સ્ટાઈન

જ્યારે હું ભગવદ ગીતા વાંચું છું અને ઇશ્વરે કઈ રીતે આ વિશ્વનું સર્જન કર્યું તે વિશે ચિંતન કરું છું ત્યારે મને બીજું બધું નિરર્થક અને છીછરું જણાય છે.

અલ્ડોસ હક્સલી

માણસ જાતને મૂલ્યોનો સાચો અર્થ સમજાવતું આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું સૌથી સચોટ અને વ્યવસ્થિત વિધાન એટલે ભગવદગીતા.શાશ્વત તત્વજ્ઞાનનો અત્યાર સુધી પ્રકાશિત થયેલો સૌથી સ્પષ્ટ અને સવિસ્તાર ઉપસંહાર એટલે ભગવદ ગીતા અને તેથી જ તે માત્ર ભારત માટે જ નહિ પણ સમસ્ત માનવ સમાજ માટે અતિ મહત્વનો ગ્રંથ છે.

મહાત્મા ગાંધી

જયારે શંકાઓ મને ઘેરી વળે છે,જ્યારે હું નિરાશાઓની ગર્તામાં ધકેલાઈ જાઉં છું અને જ્યારે દૂર ક્ષિતિજે જ્યારે મને આશાનું એક પણ કિરણ નજરે ચડતું નથી તેવે સમયે હું ભગવદ ગીતાનો આશરો લ ઉં છું અને મને તેનાથી શાતા મળે છે,આરામ મળે છે અને એ દુ:ખો ભરી પરિસ્થિતિમાં પણ મારા મુખ પર સ્મિત છવાઈ જાય છે.જેઓ ગીતાનું મનન કરે છે તેમને રોજેરોજ તેમાંથી કંઈક નવો અર્થ, નવો તાજો આનંદ મળે છે.

હેન્રી ડેવિડ થોરો

રોજ સવારે હું મારી ચેતનાને ભગવદ ગીતાના વિશાળ અને બ્રહ્માંડનું સાચું જ્ઞાન આપનારી તર્કગંગામાં ડૂબકી મરાવું છું.તેની સરખામણીમાં મને આજનું આધુનિક જગત અને તેનું અર્વાચીન સાહિત્ય ક્ષુલ્લક અને વામણું લાગે છે.

ડો. આલ્બર્ટ સ્વિત્ઝર

ભગવદ ગીતાનો તેના પ્રભુ પ્રત્યેના સમર્પણને લીધે મનુષ્યના આત્મા ઉપર ઘેરો પ્રભાવ છે જે કર્મોમાં પરિણમે છે.

કાર્લ જંગ

ભગવદ ગીતામાં કરાયેલ ઉલટા વૃક્ષની મનુષ્ય સાથે કરેલી સરખામણી આજના યુગમાં સાવ સાચી જણાય છે.પ્લેટોએ પણ આ વૈદિક સિદ્ધાંતની પુષ્ટી કરતાં કહ્યું છે કે આપણે એક લૌકિક નહિ પણ સ્વર્ગીય/ પરાલૌકિક ગ્રહ છીએ.ભગવદ ગીતાના પંદરમાં અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણેે જે કહ્યું છે તેની સાથે આ વાત તદ્દન સુસંગત છે.

હર્મન હેસ્સી

ભગવદ ગીતા ચમત્કારિક રીતે ખૂબ સુંદરતા અને સહજતાથી જીવનના સાચા રહસ્યોને છતા કરે છે જે તર્કશાસ્ત્રની સુગંધને ધર્મમાં ભેળવે છે

રાલ્ફ વાલ્ડો એમરસન

ભગવદ ગીતાને કારણે મને એક સુંદર નવો દિવસ મળ્યો છે.આ પ્રથમ એવું પુસ્તક હશે જે વાંચીને એમ લાગે કે જાણે આખું એક સામ્રાજ્ય આપણી સાથે વાત કરતું હોય.કંઈ જ નાનું નહિ,નિરર્થક નહિ,પણ વિશાળ,શાંત,શાશ્વત,એક પ્રાચીન બુદ્ધિશાળી અવાજ આજના અને આવનારા દરેક યુગના સર્વે પ્રશ્નો નો જાણે ઉત્તર આપે છે.


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. http://www.sivohm.com/p/gita-saaressence-of-gita-gujarati.html

    ReplyDelete