Saturday, November 24, 2012

ડોક્ટરની કર્તવ્યનિષ્ઠા

ઇન્ટરનેટ પર જેક્ટોફર અરેલ્લાનો દ્વારા પોસ્ટ કરાયેલી આ વાર્તાના મૂળ લેખક વિષે જાણ નથી પણ તેમાં વ્યક્ત થતી સંવેદના હ્રદયસ્પર્શી છે.


અર્જન્ટ સર્જરી માટે બોલાવવામાં આવતા ડોક્ટર ઝડપથી હોસ્પિટલમાં પ્રવેશ્યા. તેમણે ઓપરેશન કરતી વખતે પહેરવાના કપડા પહેર્યા અને સીધા તેઓ ઓપરેશન થિયેટર પહોંચી ગયા.તેમણે નોંધ્યું કે જે બાળકની સર્જરી કરવાની હતી તેના પિતા અજંપા ભરેલી સ્થિતીમાં ત્યાં આઘા પાછા થતા ડોક્ટરની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા.

જેવું એ બાળકના પિતાનું ધ્યાન ડોક્ટર પર ગયું કે તરત તેમણે મોટા સાદે ડોક્ટર પર વરસી પડતા કહ્યું : "તમને આવતા આટલી બધી વાર શી રીતે લાગી શકે? મારા પુત્રનો જીવ અહિ જોખમમાં છે. તમને તમારી ફરજનું કંઈ ભાનબાન છે કે નહિ? કોઈ જવાબદારી? કોઈ પ્રકારની કર્તવ્યનિષ્ઠા?"

ડોક્ટરે સ્મિત સાથે જવાબ આપ્યો : "માફ કરજો. હું હોસ્પિટલમાં હાજર નહોતો અને મારાથી બની શકે એટલે ઝડપે હું અહિ હાજર થયો છું. હવે તમે શાંત થઈ જાઓ જેથી હું મારા કામે લાગી શકું."

"શાંત થઈ જાઉં? જો તમારું પોતાનું સંતાન અત્યારે ઓપરેશન થિયેટરમાં હોત તો શું તમે શાંત રહી શકત? જો તમારો પુત્ર અત્યારે મરી જાય તો તમે શું કરશો?" એ બાળકના પિતાએ ગુસ્સાપૂર્વક કહ્યું.

ડોક્ટરે ફરી સ્મિત સાથે કહ્યું : "દરેક ધર્મમાં જે કહ્યું છે તે વાતનો હું પુનરોચ્ચાર કરીશ કે - 'આપણે માટીમાંથી જ પેદા થયા છીએ અને તેમાં જ ભળી જવાના છીએ. ભગવાનમાં શ્રદ્ધા રાખવી,તે સૌનું ભલુ કરશે' ડોક્ટર્સ જીવનને લંબાવી શક્તા નથી. જાઓ અને તમારા પુત્ર માટે પ્રાર્થના કરો. અમે અમારાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશું. ઇશ્વરની કૃપા હશે તો સૌ સારા વાના થશે."

"જ્યારે આપણી પોતાની સાથે કોઈ દુર્ઘટના ન બની રહી હોય, ત્યારે સલાહ આપવાનું ખૂબ સહેલું હોય છે." તે બાળકના પિતા ગણગણ્યા.

સર્જરી ઘણો લાંબો સમય ચાલી પણ થોડા કલાકો બાદ ડોક્ટર હસતા ચહેરે બહાર આવ્યા અને તેમણે ચિંતાતુર પિતાને કહ્યું,"ઇશ્વરનો આભાર માનો.તમારો પુત્ર બચી ગયો છે."

અને બચી ગયેલા બાળકના પિતાના આભારના શબ્દોની પણ રાહ જોયા વગર ડોક્ટર ઉતાવળે "તમારે કંઈ પણ પૂછવું હોય તો નર્સને પૂછી લે જો..." એ પ્રમાણે સૂચના આપી હોસ્પિટલ છોડી લગભગ દોડતા દોડતા જ ચાલ્યા ગયા.

બચી ગયેલા પુત્રના આભારવશ પિતાએ નર્સને પૂછ્યું:"આ ડોક્ટર આટલા ઉદ્ધત કેમ છે?શું તેમણે થોડી વાર થોભી મારા દિકરાની સ્થિતી અંગે વાતચીત ન કરવી જોઇએ?મારે એમને પૂછવું હતું કે મારા દિકરાનું ઓપરેશન કેવું રહ્યું, હવે તેની શી દરકાર રાખવી વગેરે."

નર્સે જવાબ આપ્યો : "ગઈ કાલે જ તેમનો એકનો એક પુત્ર રોડ અકસ્માતમાં માર્યો ગયો છે અને એ તેની દફનવિધિ છોડીને તમારા પુત્રનું ઓપરેશન કરવા આવ્યા હતા."


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment