Saturday, August 18, 2012

સારા માણસો આપણી આસપાસ વસતાં હોય છે (ભાગ - ૨)

"અમે ૩૦ જણ હતાં જ્યારે રાત્રિના અંધકારમાં અમને પોઇન્ટ ૪૮૭૫ પર કબ્જો જમાવી લેવાનો આદેશ અપાયો. દુશ્મનો ટોચેથી ગોળીઓનો વરસાદ વરસાવી રહ્યા હતાં. કઈ ગોળી ક્યાંથી આવશે અને કોને વાગશે તેની કોઈ ખબર કોઈને નહોતી. સવારે જ્યારે ટોચ પર અમે આપણો ભારતીય ત્રિરંગો લહેરાવ્યો ત્યારે અમારા માંના માત્ર ચાર જણ જીવતા બચ્યા હતાં."


"શું તમે એક..."

"હું સુબેદાર સુશાન્ત છું, ૧૩મી જમ્મુ અને કાશ્મીર રાઈફલ ટુકડીમાંથી જે કારગિલમાં પિક ૪૮૭૫ પર ફરજ બજાવી રહી હતી. તેમણે હવે મને જણાવ્યું છે કે મેં મારો ફરજગાળો પૂર્ણ કર્યો છે અને હવે હું કોઈ સરળ અસાઈનમેન્ટ પસંદ કરવા સ્વતંત્ર છું. પણ તમે જ કહો સર, શું માત્ર જીવન થોડું સરળ બની રહે એ માટે કોઈ પોતાની ફરજ છોડી શકે?

જ્યારે અમે પિક ૪૮૭૫ પર વિજય મેળવ્યો ત્યારે મારો એક સાથી ત્યાં બરફ પર જખ્મી પડ્યો હતો અને દુશ્મનોની ગોળીથી સહેલાઈથી વિંધાઈ જઈ શકે એમ હતું અને અમે બંકરો પાછળ છૂપાઈ રહ્યા હતા.

એ સૈનિકના ઘાયલ શરીરને ત્યાંથી ખેંચી સુરક્ષિત સ્થળે લઈ આવવાની મારી ફરજ હતી જેથી તેનો જીવ બચાવી શકાય પણ મારા ઉપરી કેપ્ટન સાહેબે મને એમ કરવાની મંજૂરી ન આપી અને તેઓ પોતે એમ કરવા માટે આગળ ધસી ગયા.

તેમણે કહ્યું તેમણે એક જેન્ટલમેન કેડેટ તરીકેની પહેલી પ્રતિજ્ઞા એ લીધી હતી કે તેમના માટે રાષ્ટ્રની સુરક્ષિતતા અને કલ્યાણ સૌથી અગ્રિમ સ્થાને રહેશે પછી પોતાના સૈનિક ભાઈઓની સુરક્ષા અને કલ્યાણ, જે તેના હાથ નીચે અને તેની સાથે કે તેના ઉપરી હોય અને પોતાની સુરક્ષા અને પોતાના કલ્યાણ તેમના માટે સદાયે સૌથી છેલ્લા ક્રમે રહેશે."

મારા એ ઘવાયેલા સૈનિક મિત્રની જાન બચાવવા, તેની ઢાલ બની જઈ, તેના શરીરને બંકર સુધી લઈ આવતા, મારા ઉપરી કેપ્ટન સાહેબ મારી નજર સમક્ષ દુશ્મનોની ગોળીઓથી વિંધાઈ જઈ શહીદ થઈ ગયા. એ પછી રોજ સવારે જ્યારે અમે સાવધાન થઈ ઉભા રહેતા ત્યારે મને મારા એ ઉપરી સાહેબ મારા શરીર પર વાગવી જોઇતી હતી એ બધી ગોળીઓ પોતાના શરીર પર ઝીલી લેતા હોય એવું સ્મરણ થતું. હું જાણું છું સર, હું જાણું છું 'લાઈન ઓફ ફાયર' પર ઉભા રહેવું કેટલું અઘરું છે."

વિવેક તે યુવાનની સામે, તેને વિશ્વાસ ન બેસતો હોય એવી મુદ્રા સાથે, બાઘો બની તાકી રહ્યો. તે નક્કી કરી શક્યો નહિં કે કઈ રીતે પ્રતિભાવ આપવો.તેણે તરત પોતાનું લેપટોપ બંધ કરી દીધું.

એવી એક વ્યક્તિ સામે વર્ડ ડોક્યુમેન્ટ એડિટ કરવું તેને સાવ ક્ષુલ્લક લાગ્યું જેના માટે વીરતા અને ફરજ તેના જીવનનો અને કાર્યનો અંતરંગ હિસ્સો હોય અને આમ છતાં તેને તેનો લેશ માત્ર પણ અહંકાર ન હોય અને પોતાના ઉપરીઓ માટે જેને ભારોભાર માન અને આદર હતાં.સ્ટેશન આવ્યું અને ટ્રેન ધીમી પડી અને સુબેદાર સુશાન્તે પોતાનો સામાન ઉપાડી ઉતરવાની તૈયારી કરી."તમને મળીને ખૂબ આનંદ થયો સર."તેણે કહ્યું અને વિવેક સાથે હાથ મિલાવવા પોતાનો હાથ લંબાવ્યો.

વિવેકે અતિ ક્ષોભ અનુભવ્યો અને તે બરાબર હાથ પણ મિલાવી શક્યો નહિં. આ એ જ હાથ હતો...જે પહાડો પર ચડ્યો હતો, જેણે દેશની રક્ષા કાજે બંદૂક ચલાવી દુશ્મનો પર ગોળીઓ છોડી હતી અને જેણે ત્રિરંગો લહેરાવ્યો હતો.અચાનક વિવેક સાહજિક સ્ફુરણાથી ઉભો થઈ ગયો અને તેનો જમણો હાથ તેના કપાળ સુધી પહોંચી ગયો,સુબેદાર સુશાન્તને સલામી આપવા! આટલું તો એ તેના દેશ માટે કરી જ શકે એમ હતો.સુબેદાર સુશાન્તે વર્ણવેલ પીક ૪૮૭૫ જીતી લેવાનો કિસ્સો એ કારગિલના યુદ્ધ દરમ્યાન બનેલી સત્ય ઘટના છે.જ્યારે વિજય હાથવેંતમાં જ હતો ત્યારે કેપ્ટન બત્રાએ પોતાના હાથ નીચે કામ કરતા એક જવાન કમાન્ડોનો જીવ બચાવવા પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી.આ અને આવા બીજા પણ અનેક વીરતાભર્યાં પરાક્રમો બદલ તેમનું દેશના સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમ વીર ચક્ર આપી સન્માન પણ કરાયું હતું.નમ્રતા પૂર્વક જીવો, આપણી આસપાસ મહાન લોકો જીવતા હોય છે.ચાલો તેમની પાસેથી કંઈક શીખીએ.

જીવન એટલે ઝંઝાવાતમાં કઈ રીતે ટકી રહેવું એ નહિં પણ કઈ રીતે વરસાદમાં નાચીને તેનો ભરપૂર આનંદ લૂંટવો એ છે!

(સંપૂર્ણ)


('ઈન્ટરનેટ પરથી')

1 comment: