Thursday, August 16, 2012

સારા માણસો આપણી આસપાસ વસતાં હોય છે (ભાગ - ૧)

આ એક સાચી વાર્તા છે.શતાબ્દી ટ્રેનમાં એક યુવાન અને એક સોફ્ટવેર એન્જિનિયર વચ્ચે થયેલો આ સંવાદ અતિ રસપ્રદ અને અચૂક વાંચવા લાયક છે.


વિવેક પ્રધાન એક દુ:ખી આત્મા હતો. શતાબ્દી એક્સપ્રેસના એરકન્ડિશન્ડ ડબ્બાની આરામદાયક મુસાફરી દરમ્યાન પણ તેનું મન ઉદ્વિગ્ન હતું,તેના મનને શાંતિ નહોતી અને તેની નસો તણાયેલી હતી.તે હજી પ્રોજેક્ટ મેનેજર હતો અને તેનું પદ હજી વિમાનની હવાઈ મુસાફરીનો લાભ મેળવવા જેટલું ઉંચુ નહોતું! તેણે કંપનીના એડમિન સાથે માથાઝીંક પણ કરી જોઈ હતી કે હવાઈ મુસાફરીથી કેટલો સમય બચી જાય અને જો એ સમયનો તે સદુપયોગ કરી મહત્વના કામો પૂરા કરી શકે તો તેના માથે ઝળૂંબી રહેલા કામના ડુંગરનો ભાર થોડો હળવો થાય! એક પ્રોજેક્ટ મેનેજરને કેટકેટલા કામ કરવાના હોય છે! પણ એડમિનને રીઝવવામાં તેને સફળતા ન મળી અને તેણે શતાબ્દીથી જ મન મનાવવું પડ્યું!

તેણે પોતાની બેગ ખોલી અને જીવનના અવિભાજ્ય અંગ બની ગયેલ લેપટોપ કાઢ્યું. સમય નો સદુપયોગ કરી કામ નો બોઝ થોડો હળવો કરવા!

"શું તમે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો સર?" તેની બાજુમાં બેસેલા સહપ્રવાસી યુવાને કુતૂહલ અને માન ભરી દ્રષ્ટી લેપટોપ તરફ નાખતા પૂછ્યું.

વિવેકે તેના તરફ અલપઝલપ જોઈ હકારમાં ડોકું ધૂણાવ્યું અને લેપટોપની અતિ મોંઘી કારની જેવી કાળજી લઈએ તેટલા ધ્યાનપૂર્વક ચાલુ કર્યું અને બેઠક સામે પાટીયા પર ગોઠવ્યં.

"તમે લોકોએ દેશમાં કેટલી બધી આધુનિકતા આણી છે સર! આજે એક પણ એવું ક્ષેત્ર નહિં હોય જે કમ્પ્યુટરાઈઝ્ડ નહિં હોય!"

વિવેકે સસ્મિત આભાર માનતા હવે પેલા યુવાન તરફ વ્યવસ્થિત રીતે જોયું.તેની પ્રશંસા તેની નબળાઈ હતી! કોઈ તેના વખાણ કરે એ તેને ખૂબ ગમતું.પેલા યુવાનનું શરીર કોઈ રમતવીર જેવું કસાયેલું હતું.તે ખૂબ સાદો હતો અને શતાબ્દીના આ રજવાડી પરિસરમાં અસ્થાને લાગતો હતો.કદાચ એ રેલવે ખાતાના કોઈ અધિકારીનો સગોવહાલો હશે અને મફત સવારીનો લાભ એ લાગવગને આધારે લઈ રહ્યો હશે એવું અનુમાન વિવેકે કર્યું.

"તમારું કામ જોઈ હું હંમેશા આશ્ચર્ય અને અહોભાવ અનુભવું છું! તમે એક ઓફિસમાં બેસી કમ્પ્યુટર પર કંઈક લખો છો જેને કારણે બહારની દુનિયામાં અકલ્પનીય મોટી મોટી વસ્તુઓ શક્ય બને છે!" પેલા યુવાને કહ્યું.

વિવેકે તિરસ્કારભર્યું સ્મિત કર્યું.તે યુવાનની અજાણતા અને ભોળપણ પર તેને ગુસ્સો આવ્યો.તેણે યુવાનને સમજાવતો હોય એ રીતે કહ્યું,"મિત્ર એ લાગે છે એટલું સરળ નથી. એ માત્ર એક જગાએ બેસી કેટલીક લાઈન્સ લખવા જેટલું જ સિમીત ,મર્યાદિત નથી.તેની પાછળ ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે."

એક ક્ષણ માટે તો વિવેકને પેલા અબુધ યુવાનને આખી સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ સમજાવવાની અદમ્ય ઇચ્છા થઈ આવી! પણ તેણે માત્ર આટલું જ કહ્યું:"આ અતિ સંકુલ (કોમ્પ્લેક્સ) છે,અતિ સંકુલ!"

"હોવું જ રહ્યું. તમને એ માટે કેટલો બધો ઉંચો પગાર મળે છે!" યુવાને પ્રતિભાવ આપ્યો.

વિવેકે આ મુજબનો પ્રતિભાવ નહોતો ધાર્યો.અત્યાર સુધીના તેના સમજાવટના મિત્રાચારી ભર્યા સૂરમાં હવે થોડો રોષ અને અકળામણ ભળ્યા.

"બધાને પૈસો જ દેખાય છે.કોઈને અમારી અથાગ મહેનત નથી દેખાતી.ભારતીયોની મહેનતની વ્યાખ્યા કેટલી સંકુચિત છે.માત્ર અમે એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસી કામ કરિએ એટલે અમારી મહેનત ઓછી નથી થઈ જતી.તમે તમારા બાવડાનું બળ વાપરો છો અને અમે મગજની કસરત કરીએ ચીએ પણ એ જરાયે ઓછું કે ઉતરતું નથી."

તેણે જોયું કે તેના આ વાક્યોની પેલા યુવાન પર ધારી અસર થઈ હતી.તેણે આગળ ચલાવ્યું:"મને એક ઉદાહરણ આપવા દે.આ ટ્રેનનો જ દાખલો લે.આખી રેલવે ટિકીટ આરક્ષણ પધ્ધતિ આજે કમ્પ્યુટરાઈઝ્ડ થઈ ગઈ છે. તમે આખા દેશના ગમે તે બે સ્ટેશન વચ્ચેની ટિકીટ, દેશના ગમે તે સંગણીક્રુત બુકિંગ સેન્ટરેથી સહેલાઈથી બુક કરી શકો છો.

એક જ કેન્દ્રિય ડેટાબેઝનો સંપર્ક કરી એકી સાથે એક જ સમયે હજારો બુકિંગ્સ શક્ય બને છે.એ પણ સુરક્ષિતતા,માહિતીની ચોકસાઈ અને અખંડતા જાળવીને.આવી કોમ્પ્લેક્સ સિસ્ટમ ડીઝાઈન અને કોડ કરવી કેટલું અઘરૂં કાર્ય છે તેની તને કલ્પના પણ આવે છે?"

યુવાન છોભીલો પડી ગયો.કોઈ બાળક પરીલોકમાં પહોંચી આભો બની જાય એમ જ! આ બધું ઘણું વિશાળ અને તેની કલ્પના બહારનું હતું.

"તમે આવી વસ્તુઓનું ડીઝાઈનિંગ અને કોડીંગ કરો છો...?"

વિવેકે થોડા અટક્યા બાદ જવાબ આપ્યો,"એ હું કરતો હતો, થોડા વર્ષો અગાઉ સુધી. હવે હું પ્રોજેક્ટ મેનેજર છું.

યુવાને સાહજિકતાથી કહ્યું,"ઓહ..તો હવે તમારું જીવન સરળ છે!"

વિવેક માટે આ છેલ્લો ઝટકો હતો! તે તાડુક્યો,"કેવી વાત કરે છે! તમે જેમ જેમ કારકિર્દીની સીડીમાં ઉપર ચઢતા જાવ તેમ તેમ તમારી જવાબદારીઓ વધતી જાય છે અને તમારા કામનો બોજો પણ. ડીઝાઈન અને કોડિંગ કદાચ સહેલું હશે. એ હવે મારે કરવાનું હોતું નથી પણ હું તેના માટે જવાબદાર હોઉં છું અને સાચું કહું તો એ વધારે તણાવભર્યું છે.મારું કામ છે કામ કઢાવવાનું અને તે પણ મર્યાદિત નિર્ધારિત સમયમાં અને પાછું ઉત્તમ ગુણવત્તા ધરાવતું!

કામના દબાણ વિષે તો તને શું વાત કરું! એક બાજુ કસ્ટમર એટલે કે ગ્રાહક હોય છે જે હંમેશા રીક્વાયર્મેન્ટ એટલે કે તેની માગ બદલતો રહે છે તો બીજી બાજુ યુઝર હોય છે જેને કંઈક બીજું જ જોયતું હોય છે અને એક બાજુ તમારો બોસ હોય છે જે ક્યારેય તમારા કામથી સંતુષ્ટ નથી હોતો.”

આટલું બોલી ગયા બાદ થોડું વધારે પડતું અને એ પણ આક્રમકતા પૂર્વક બોલાઈ ગયું એવો અહેસાસ થતાં વિવેક શાંત થઈ ગયો. તેને સાથે એવો પણ વિચાર આવ્યો કે તેણે જે કંઈ કહ્યું એ ભલે પોતે થોડા વધુ ભાવુક થઈ જઈ પોતાની ભડાશ બહાર કાઢવા કહ્યું પણ એ સત્ય જ તો હતું પછી પોતે શા માટે જરા સરખુંયે પસ્તાવું જોઇએ?

છેવટે તેણે પોતાની વાતના ઉપસંહાર જેવું કંઈક બોલતા કહ્યું : ”મારા મિત્ર તને ખબર નથી આ પરિસ્થિતી ‘લાઈન ઓફ ફાયર’ (અગ્નિપરીક્ષા) જેવી જ હોય છે.”

આ શબ્દો સાંભળતા જ જાણે એ યુવક ક્યાંક ખોવાઈ ગયો. તે પોતાની બેઠક પર થોડો પાછળ ખસી આંખો બંધ કરી કંઈક યાદ કરતો હોય એમ ધ્યાન સમાધિમાં સરી પડ્યો.થોડી ક્ષણો પછી તે જ્યારે બોલ્યો ત્યારે તેના સ્વરમાં રહેલી મક્કમતાએ વિવેકને આશ્ચર્યચકિત કરી મૂક્યો.

યુવાને કહ્યું:”હું જાણું છું. સર, હું બરાબર જાણું છું ‘લાઈન ઓફ ફાયર’ પર હોવ ત્યારે કેવો અનુભવ થાય છે…”

તે ભાવશૂન્ય નજરે એક ચોક્કસ દિશામાં તાકી રહ્યો હતો જાણે આજુબાજુનું બધું તેણે વિસારે પાડી દીધું હોય એ રીતે…જાણે ટ્રેન ન હોય, કોઈ યાત્રી ન હોય, ફક્ત સમયનો અનંત ખંડ જ માત્ર અસ્તિત્વ ધરાવતો હોય એમ…

(ક્રમશ:)


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment