Sunday, May 27, 2012

વિચાર મહત્વનો છે


એક ગામમાં એક ડોસો રહેતો હતો. તેને પોતાનું બટાટાનું ખેતર ખેડવું હતું પણ દુર્બળ થઈ ગયેલા ડોસા માટે આ એક ખૂબ અઘરૂં કામ હતું. કામ તેનો એક માત્ર જુવાન દિકરો કરી શકે તેમ હતો. પણ તે જેલમાં તેણે કરેલા કોઈક ગુના બદલ સજા ભોગવી રહ્યો હતો.

ડોસાએ તેના પુત્રને એક પત્ર લખ્યો જેમાં તેણે પોતાની સ્થિતી આ મુજબ વર્ણવી:

વ્હાલા દિકરા,
મને ખૂબ ખરાબ લાગી રહ્યું છે કે આપણો બટાટાનો પાક આ વર્ષે નહિં ઉતરી શકે. તારી માતાના કેટલા અરમાન હતાં કે આપણે આ વર્ષે બટાટાનો પાક ઉતારીએ.પણ મારા બાવડામાં હવે બળ રહ્યું નથી કે હું આપણું આવડું મોટું ખેતર ખેડી શકું. તુ અહિં હોત તો પરિસ્થિતી જુદી હોત. તેં ચોક્કસ ઘણા ઓછા સમયમાં ખેતર ખેડી નાંખ્યું હોત. કેટલું સારૂ હોત જો તુ જેલમાં ન હોત અને અહિં મારી સાથે આપણાં ખેતર પાસે હોત!
પ્રેમ સહ,
તારો કમનસીબ બુઢ્ઢો બાપ

થોડા જ સમયમાં ડોસાને એક તાર મળ્યો : "મહેરબાની કરીને પપ્પા ખેતર ખેડતા નહિં. તેમાં મેં શસ્ત્રો છૂપાવી રાખ્યા છે."
બીજે દિવસે સવારે ચાર વાગે દસ-બાર ગણવેશધારી પોલીસ તેમજ લશ્કરી દળના જવાનો ડોસાના ખેતરમાં આવી પહોંચ્યા અને તેમણે આખું ખેતર ખોદી (ખેડી) કાઢ્યું. પણ તેમને ત્યાંથી એક પણ શસ્ત્ર મળ્યું નહિં.
મૂંઝાયેલા ડોસાએ તેના દિકરાને બીજી એક ચિઠ્ઠી લખી મોકલાવી જેમાં તેણે શું બની ગયું તેની વિગતો લખી મોકલાવી અને પૂછ્યું કે હવે શું કરવું જોઇએ.
દિકરાએ વળતો જવાબ મોકલ્યો:"પપ્પા,હવે તમે લહેરથી જઈને બટાટા વાવી દો! અહિં બેઠા બેઠા આનાથી વિશેષ હું તમારા માટે કંઈ જ કરી શકું એમ નથી!"

ઉપસંહાર :
ભલે તમે દુનિયાના ગમે તે ખૂણે હોવ,પણ જો તમે કંઈક કરવાનો દ્રઢ નિર્ધાર કરી લો છો, હ્રદયના ઉંડાણથી, તો એ તમે ચોક્કસ પૂરું કરી શકો છો. વિચાર મહત્વનો છે, સ્થળ કે સંજોગો નહિં.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment