Saturday, January 14, 2012

ધ્યાન આપો

પ્રખ્યાત કાલ્પનિક જાસૂસ શેરલોક હોમ્સના સર્જક સર આર્થર કોનન ડોય્લ (Doyle) વિશેની એક રમૂજી કથા ઇન્ટરનેટ પર ફરી રહી છે. ડોય્લ એક વાર પેરિસમાં એક ટેક્સી પકડ્યાનો પોતાનો અનુભવ યાદ કરે છે. હજી તો એ ટેક્સી વાળા સામે એક હરફ પણ ઉચ્ચારે એ પહેલાં તેણે તેમને પૂછ્યું,"શ્રીમાન ડોય્લ, હું તમને ક્યાં લઈ જાઉં?" ડોય્લ તો આ સાંભળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. તેમણે ડ્રાઈવરને પૂછ્યું કે શું આ પહેલા તેઓ ક્યારેય મળ્યાં હતાં?


ડ્રાઈવરે જવાબ આપ્યો,"ના મહોદય!આપણે આ પહેલાં ક્યારેય મળ્યા નથી."

પછી તેણે આગળ સમજાવતા કહ્યું,"આજના સવારના અખબારમાં તમે માર્સેઇલ્સ ફરવા આવ્યા હતા એવા સમાચાર છપાયા હતા.આ ટેક્સી સ્ટેન્ડ એવી જગાએ સ્થિત છે કે માર્સેઇલ્સ થી પાછા ફરતાં યાત્રીઓએ અહિં આવવું જ પડે.તમારી ત્વચાના રંગ પરથી મને ખ્યાલ આવી ગયો કે તમે ફરીને આવ્યા છો. તમારા જમણા હાથની તર્જની આંગળી પરના સહીના ડાઘા સૂચવે છે કે તમે લેખક છો.તમારો પોશાક પણ બ્રીટીશ છે,ફ્રેન્ચ નહિં. આ બધી વિગતોનો સરવાળો કરી મેં તારણ કાઢ્યું કે તમે સર આર્થર કોનન ડોય્લ જ હશો."

લેખકે સાનંદાશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું,"આ અદભૂત કહેવાય! તું તો મારા સર્જેલા કાલપનિક પાત્ર શેરલોક હોમ્સની જીવતી-જાગતી મૂર્તિ છે!"

ડ્રાઈવરે કહ્યું,"હજી એક વાત બાકી છે."

ડોય્લે પૂછ્યું,"એ શું વળી?"

ડ્રાઈવરે જવાબ આપ્યો, "તમારી સ્યુટકેસ પર તમારું નામ લખેલું છે!"

કદાચ એ ટેક્સી ડ્રાઈવર કંઈ મોટો જાસૂસ નહોતો,પણ એ ખૂબ સારો નિરીક્ષક હતો! તેણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

જીવનને સંપૂર્ણ રીતે જીવવા ઝીણવટભર્યું ધ્યાન આપવું ખૂબ અગત્યનું છે.

રોઝ એફ. કેનેડીએ સાચું જ કહ્યું છે 'જીવન એટલે ફક્ત સિદ્ધીઓ હાંસલ કરવી એ નથી,(પણ સરસ રીતી જીવેલી)ક્ષણોનો સરવાળો (એટલે જીવન!)'.

વક્તા એલન લોય મેકગિનિસ ન્યુયોર્ક ખાતે વસતી એક મૂર્તિકારની વાત કરે છે.

તે એક અતિ જૂના જર્જરિત મકાનમાં જીર્ણશીર્ણ પાડોશીઓ વચ્ચે રહેતી હતી.પણ તે આસપાસની વસ્તુઓનું અને તેમાં છૂપાયેલા સૌંદર્યનું બારીકાઈથી નિરીક્ષણ કરતી અને તેમાંથી પ્રેરણા મેળવતી. તેના પોતાના તેમજ આજુબાજુના ઘરો પર પડતાં સૂરજ અને ચંદ્રના પડછાયાની વિવિધ આકારની સુંદર આકૃતિઓ જોઈ તેનું હ્રદય આનંદ અને આશ્ચર્યથી સભર બની જતું.ખુરશી જેવી સાવ સામાન્ય વસ્તુમાં પણ તેને કંઈક અસામાન્યના દર્શન થતાં.એક વાર તેણે કહેલું,"આ ખુરશી એટલી બધી સુંદર નથી પણ તેનો પડછાયો તો જુઓ! કેટલો સુંદર અને કેટલો અદભૂત!" ઝીણવટભર્યાં નિરીક્ષણ દ્વારા જ તે એ જોઈ લેતી જેની સામે બીજાઓ મોટે ભાગે નજર જ ન નાખતાં હોય.

જીવનમાં દરેક વસ્તુ પર,લોકો પર,ઘટનાઓ પર,તમારી સંવેદનાઓ પર ધ્યાન આપો.

સાવ સામાન્ય લાગતી વસ્તુઓ પર પણ ધ્યાન આપો. જીવનની ક્ષણો પર ધ્યાન આપો અને તમારા જીવનમાં સૌંદર્ય તેમજ ભવ્યતાની કમી નહિં હોય.ક્ષણોને ભરપૂર માણીને જ જીવ્યું સાર્થક કરી શકાય.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment