Saturday, January 7, 2012

પ્રેમને સાંભળો, સમજો...

કેટલીક વાર જીવનમાં આપણે કોઈ પ્રત્યેનો આપણો પ્રેમ વ્યક્ત કરતાં ડરતાં કે શરમાતા હોઈએ છીએ.કદાચ સામી વ્યક્તિ કે પોતાની જાતને ક્ષોભમાં મૂકવાના ડરથી આપણે ખરા શબ્દો 'આઈ લવ યુ' કહેતા ખચકાતા હોઇએ છીએ.આવે વખતે આપણે પ્રેમ બીજા શબ્દોમાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કરતાં હોઇએ છીએ.આપણે કહેતાં હોઇએ છીએ 'ધ્યાન રાખજે' કે 'બહુ ઝડપથી વાહન ન હંકારીશ' કે પછી 'સારા બનજો'.પણ વાસ્તવમાં આ શબ્દો દ્વારા 'આઈ લવ યુ' જ બીજી રીતે વ્યક્ત થતું હોય છે.તમે મારા માટે મહત્વના છો એમ એ દ્વારા વ્યક્ત થતું હોય છે.


ક્યારેક આપણે અતિ વિચિત્ર વર્તન કરતાં હોઇએ છીએ.માત્ર એક વાત જે આપણે કહેવા ઇચ્છતા હોઇએ કે જે આપણે કહેવી જોઇએ એ જ આપણે નથી કહેતાં.આમ છતાં લાગણી સાચી હોવાને કારણે અને એ વ્યક્ત કરવાની જરૂર એટલી બળવત્તર હોય છે કે આપણે એ બીજા શબ્દોનો ઉપયોગ કરી કહેતા હોઇએ છીએ પણ એમ કરવા જતાં એ બીજા શબ્દો આપણી ખરી લાગણી વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય છે અને સામી વ્યક્તિને એવો જ અનુભવ થાય છે કે તે પ્રેમથી વંચિત રહી ગઈ છે કે તે નકામી કે બિનમહત્વની છે.

આથી આપણે બીજાઓ પ્રેમને જુદા શબ્દોમાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હોય એ સતત સાંભળતા અને તેમા છૂપાયેલો ખરો અર્થ સમજવાની કોશિશ કરતાં રહેવું જોઇએ.કેટલીક વાર સ્પષ્ટ શબ્દો જરૂરી હોય છે પણ મોટે ભાગે શબ્દો જે રીતે કહેવાયા હોય એ વધારે અગત્યનું બની રહેતું હોય છે. ક્યારેક હસતાં હસતાં કરાયેલ હળવું અપમાન પણ ભારોભાર લાગણી કે પ્રેમ વ્યક્ત કરતું હોય છે. શબ્દો ભલે કંઈક જુદું કહેતા હોય પણ આવેગમાં કરાયેલું આલિંગન 'આઈ લવ યુ' જ કહેતું હોય છે.

પ્રેમ સમજવાની મુશ્કેલી એટલી જ છે કે ઘણી વાર આપણે સામી વાળી વ્યક્તિ પ્રેમ વ્યક્ત કરવા જે શબ્દો કે ભાષાનો ઉપયોગ કરી રહી હોય એ સમજી કે સાંભળી શક્તા નથી.એક યુવતિ આંસુ દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરવા મથતી હોય છે પણ તેનો પ્રિયતમ યુવાન એ સમજી શક્તો નથી કારણ તે એવી અપેક્ષા રાખતો હોય છે કે યુવતિ લાગણી વ્યક્ત કરવા એ જ શબ્દો કે ભાષાનો પ્રયોગ કરે જે એ સમજી શકે.

આપણે આપણી આસપાસના લોકો પ્રેમ વ્યક્ત કરવાનો પ્રયત્ન કરતાં હોય તે સાંભળવાનો અને સમજવાનો સતત પ્રયત્ન કરતાં રહેવું જોઇએ.જો આપણે આ વિષે થોડા વધુ સભાન ઠઈશું તો અનુભવ થશે કે આપણે અનુમાન કરીએ છીએ તેના કરતાં બીજાઓ આપણને ઘણું વધારે ચાહતા હોય છે.

પ્રેમને સાંભળવાનો અને સમજવાનો પ્રયત્ન કરો તો માલૂમ પડશે કે આ જગત ઘણી ચાહવા લાયક અને પ્રેમથી ભરેલી જગા છે.


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment